સ્ત્રીજીવન (સામયિક)

January, 2009

સ્ત્રીજીવન (સામયિક) : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક. મહિલાઓ માટેના પત્રકારત્વની ‘સ્ત્રીબોધ’ની પરંપરામાં તેના એક સમયના સંપાદક શ્રી મનુભાઈ જોધાણીએ ‘સ્ત્રીજીવન’ સામયિકની શરૂઆત કરી. 20–22 વર્ષની ઉંમરથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય રહેલા મનુભાઈ જોધાણી જીવણલાલ અમરશીની કંપની અમદાવાદ ખાતેથી પ્રકાશિત થતા ‘સ્ત્રીબોધ’ના સહતંત્રી રહેલા. મહિલા-સામયિકોની સામગ્રી અને તેના લેઆઉટ અંગેની તેમની સમજ આ સમય દરમિયાન કેળવાઈ ચૂકી હતી. સામયિક-સંચાલન અને સંપાદનની ફાવટ ઉપરાંત તેમની પાસે સક્ષમ કલમ પણ હતી. વળી લેખકોનો સાથસહકાર મેળવવાની સંપાદકીય દક્ષતા અને મિલનસાર પ્રકૃતિને કારણે તેમણે બહુ ઝડપથી ‘સ્ત્રીજીવન’ સામયિકને એક સારા સ્ત્રીમાસિક તરીકે પ્રસ્થાપિત કરી દીધું હતું.

‘સ્ત્રીજીવન’નું લેખકમંડળ અનેક પ્રતિભાવંત સાહિત્યકારોનું બનેલું હતું. ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરજલાલ શાહ જેવા લેખકો વાર્તાઓ અને લેખો લખતા. ‘સ્ત્રીજીવન’ના અન્વયે ‘મેઘાણી સ્મૃતિ અંક’, ‘કલાપી શતાબ્દી અંક’, કાકાસાહેબ કાલેલકરનો 91મા વર્ષમાં થયેલા પ્રવેશ નિમિત્તેનો વિશેષાંક, જેવા અનેક વિશેષાંકો બહાર પડ્યા હતા. ‘સ્ત્રીજીવન’નો ગરબા વિશેષાંક દર વર્ષે અચૂક બહાર પડતો. ‘સ્ત્રીજીવન’ અનેક નવા લેખક–લેખિકાઓને પ્રોત્સાહન આપતું. વળી, લેખકો પાસે આગ્રહ કરીને લેખો માગવા અને તાણ કરીને લખાવવું તથા સારામાં સારું સાહિત્ય પ્રકાશિત કરવું – એવો મનુભાઈનો અભિગમ રહ્યો હતો. ‘સ્ત્રીજીવન’ના 39મા વર્ષે અને મનુભાઈ જોધાણીના 75મા વર્ષે તેમની સ્મૃતિમાં વિશેષ અંક પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેનાં સંપાદકોમાં સર્વશ્રી કમળાબહેન સુતરિયા, વાડીલાલ જોધાણી અને વસંત જોધાણી હતા.

આ વિશેષાંકમાં અનંતરાય મ. રાવળ, કાકાસાહેબ, ધનવંત ઓઝા, બાલમુકુન્દ દવે, દુલેરાય, હર્ષિદાબહેન પંડિત, ડૉ. મંજુલાલ મજમુદાર, જયંતિલાલ જોધાણી, કે. કા. શાસ્ત્રી, ધીરજલાલ શાહ, કુમાર મંગળસિંહજી, ભોગીલાલ સાંડેસરા, હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર જોશી, અમૃતલાલ યાજ્ઞિક, રામનારાયણ પાઠક, પ્રાગજીભાઈ રાઠોડ, નવલભાઈ શાહ, પુષ્કર ચંદરવાકર, મુકુંદ શાહ, શંકરદાન ગઢવી, દિલીપ રાણપુરા વગેરેએ મનુભાઈ જોધાણીના સંપાદક-તંત્રી તરીકેના અનુભવની વાતો વિગતે કરી છે.

‘સ્ત્રીજીવન’ની સામગ્રીમાં મુખ્યત્વે વાર્તાઓ, લઘુકથાઓ, કાવ્યો, જોડકણાં; વાનગી, સ્વાસ્થ્ય અને સૌંદર્ય સંબંધી લેખો તથા સ્ત્રીજગતના સમાચાર અને પુસ્તક-પરિચયોનો સમાવેશ થાય છે. આ સામયિકને જાહેરખબરોથી આર્થિક ટેકો મળી રહેતો હતો.

‘સ્ત્રીજીવન’માં મનુબહેન ગાંધીના બાપુ સાથેની ‘બિહારયજ્ઞયાત્રા’નાં સ્મરણો શ્રેણીબદ્ધ રીતે છપાયાં છે. મહિલા-અગ્રણીઓ અંગેની વિગતો આપતા ‘સ્ત્રીજીવન’ના વિશેષાંકો પણ પ્રકાશિત થયા છે. અનૂદિત રચનાઓમાં અમૃતા પ્રીતમની, રવીન્દ્રનાથ ટાગોરની, ગાંધીજીના અંતેવાસીઓની રચનાઓનો સમાવેશ થાય છે. એ સમયના અંકોમાં તસવીરો અને કેરિકેચર તથા કાર્ટૂનનો ઉપયોગ પણ દરેક પાને જોવા મળતો. મુદ્રણની કોઈ પણ ભૂલ વગર પ્રકાશિત થતું આ સામયિક ઘણા સમય સુધી અગ્રેસર રહ્યું.

1960ના દાયકાનાં અંતિમ વર્ષોમાં ગુજરાતમાં પૂર્તિઓની પરંપરા અસ્તિત્વમાં આવી ચૂકી હતી. દૈનિક સાથે મફત મળતી મહિલાપૂર્તિ તથા દૈનિકોના નેજા હેઠળ ચાલતાં સ્ત્રી-સામયિકોને લીધે ‘સ્ત્રીજીવન’ જેવાં સામયિકના ફેલાવાને ઘેરી અસર પડી. હાલના(2008)ના અંકોમાં પુન:મુદ્રિત, સંપાદિત સામગ્રી વધુ જોવા મળે છે.

હાલ આ સામયિક જોધાણી કુટુંબની ત્રીજી પેઢી પાસે છે. વસંતભાઈ જોધાણી અને કુટુંબીજનો તેને અનિયતકાલીન રીતે પ્રકાશિત કરી રહ્યા છે. કોઈ સાહિત્યિક સંસ્થા તેને લઈ લે તેવું તેઓ ઇચ્છે છે.

પુનિતા હર્ણે