સ્ત્રીકેસર : સપુષ્પ વનસ્પતિઓના પુષ્પમાં આવેલું માદા પ્રજનનાંગ. તે પુષ્પાસન પર સૌથી અંદરનું આવશ્યક (essential) પ્રજનનચક્ર બનાવે છે. આ ચક્રને સ્ત્રીકેસર ચક્ર (gynoecium) કહે છે; જે એક કે તેથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. જો પુષ્પમાં સ્ત્રીકેસર ચક્ર એક જ સ્ત્રીકેસરનું બનેલું હોય તો તેને એકસ્ત્રીકેસરી (monocarpellary) સ્ત્રીકેસર ચક્ર કહે છે (દા. ત., વાલ, વટાણા). જો તે એકથી વધારે સ્ત્રીકેસરોનું બનેલું હોય તો તેને બહુસ્ત્રીકેસરી (polycarpellary) સ્ત્રીકેસર ચક્ર કહે છે (દા. ત., ગુલાબ, જાસૂદ).

આકૃતિ 1 : (અ) એકસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, (આ) બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર

બહુસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રમાં બધાં સ્ત્રીકેસરો એકબીજાંથી તદ્દન અલગ હોય તો તેને મુક્ત સ્ત્રીકેસરી (apocarpous) સ્ત્રીકેસર ચક્ર કહે છે (દા. ત., ગુલાબ) અને જો તેઓ પરસ્પર જોડાયેલાં હોય તો તેને યુક્ત સ્ત્રીકેસરી (syncarpous) સ્ત્રીકેસર ચક્ર કહે છે (દા. ત., જાસૂદ).

આકૃતિ 2 : (અ) યુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર, (આ) મુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર

સ્ત્રીકેસર ચક્રના ભાગો : તે બીજાશય (ovary), પરાગવાહિની (style) અને પરાગાસન(stigma)નું બનેલું હોય છે. સ્ત્રીકેસર ચક્રના નીચેના ફૂલેલા અંડાકાર ભાગને બીજાશય કહે છે. તેની ઉપર આવેલી સૂત્ર જેવી પાતળી નલિકાકાર રચનાને પરાગવાહિની કહે છે. પરાગવાહિનીની ટોચ ઉપર આવેલી પરાગરજગ્રાહી રચનાને પરાગાસન કહે છે.

જો બીજાશય પુષ્પાસનની ટોચ ઉપર આવેલું હોય અને પરિદલપુંજ (perianth) અને પુંકેસર ચક્ર (androecium) તેની નીચેથી ઉત્પન્ન થતાં હોય તો બીજાશયને ઊર્ધ્વસ્થ (superior) કહે છે (દા. ત., જાસૂદ). જો બીજાશય પુષ્પાસનના તલભાગેથી અને અન્ય ચક્રો બીજાશયની ટોચ પરથી ઉત્પન્ન થાય તો તેને અધ:સ્થ (inferior) બીજાશય કહે છે (દા. ત., સૂર્યમુખી).

આકૃતિ 3 : (અ) ઊર્ધ્વસ્થ બીજાશય, (આ) અર્ધઅધ:સ્થ બીજાશય, (ઇ) અધ:સ્થ બીજાશય

જરાયુવિન્યાસ : બીજાશયના પોલાણમાં વક્ષસીવન (ventral-suture) પર આવેલી પેશી પરથી અંડક કે અંડકો ઉત્પન્ન થાય છે. આ પેશીને જરાયુ (placenta) કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનાં ઉદભવ અને ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. તેના વિવિધ પ્રકારો આ પ્રમાણે છે :

(1) ધારાવર્તી (marginal) – એકસ્ત્રીકેસરની બંને ધારો જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય છે (દા. ત., ગુલાબ, વાલ). તેની પર એકાંતરે અંડકો ઉદભવે છે. (2) ચર્મવર્તી કે ભિત્તિલગ્ન (parietal) – બે કે વધુ સ્ત્રીકેસરોની પાસે પાસે આવેલી ધારોના જોડાણ ઉપર વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય છે; જે અંડકો ધારણ કરે છે (દા. ત., રાઈ, કોળું). (3) અક્ષવર્તી (axile) – સ્ત્રીકેસરોની પાસપાસે આવેલી ધારો સીમા પૂરતી જ મર્યાદિત ન રહેતાં કેન્દ્ર તરફ વૃદ્ધિ પામી કેન્દ્રમાં અક્ષ બનાવે છે. આ અક્ષ ઉપર જરાયુઓ ઉત્પન્ન થાય છે; જેના પર અંડકો ગોઠવાયેલાં હોય છે. ધારોની બીજાશયના કેન્દ્ર તરફ વૃદ્ધિ થતાં બીજાશયના પોલાણમાં પડદા બને છે અને બીજાશય કોટરોમાં વહેંચાઈ જાય છે. સામાન્યત: આ કોટરોની સંખ્યા સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી હોય છે (દા. ત., શતાવરી, જાસૂદ). (4) મુક્ત કેન્દ્રસ્થ (free-central) – અક્ષવર્તી જરાયુવિન્યાસમાં આવેલા પડદાઓ નષ્ટ થતાં કેન્દ્રસ્થ અક્ષનો બીજાશયની દીવાલ સાથે સંબંધ રહેતો નથી અને બીજાશય એકકોટરીય બને છે. આ જરાયુવિન્યાસમાં કેટલીક વાર તૂટેલા પડદાઓ પણ જોવા મળે છે (દા. ત., લૂણીની ભાજી, ડાયન્થસ). આ જરાયુવિન્યાસ અક્ષવર્તીમાંથી ઉદભવ્યો હોવાની સંભાવના છે. (5) તલસ્થ (basal) – બીજાશયના તલપ્રદેશે આવેલા જરાયુ પર ફક્ત એક જ અંડક ઉદભવે છે (દા. ત., સૂર્યમુખી). આ જરાયુવિન્યાસ સૌથી વધારે ઉદવિકસિત ગણાય છે. (6) બહિ:સ્થ (superficial) – બીજાશયની અંદરની દીવાલો અને પડદાઓ ઉપર જરાયુઓ ઉત્પન્ન થાય છે; જેના પર અંડકો ગોઠવાયેલાં હોય છે. આ જરાયુવિન્યાસ પ્રાથમિક પ્રકારનો ગણાય છે (દા. ત., પોયણાં).

આકૃતિ 4 : જરાયુવિન્યાસના પ્રકારો : (અ) ધારાવર્તી, (આ) અક્ષવર્તી, (ઇ) ચર્મવર્તી, (ઈ) મુક્તકેન્દ્રસ્થ, (ઉ) તલસ્થ, (ઊ) બહિ:સ્થ

પરાગવાહિની : સામાન્યત: તે બીજાશયની ટોચ ઉપરથી ઉદભવે છે; તેને અગ્રીય (terminal) પરાગવાહિની કહે છે (દા. ત., ધતૂરો, જાસૂદ). જો પરાગવાહિની બીજાશયની પાર્શ્વ બાજુએથી ઉત્પન્ન થતી હોય તો તેને પાર્શ્ર્વીય (lateral) કહે છે (દા. ત., સ્ટ્રૉબેરી). જો પરાગવાહિની બીજાશયના મધ્યભાગમાંથી ઉત્પન્ન થતી હોય તો તેને જાયાંગતલી (gynobasic) કહે છે (દા. ત., તુલસી). કેટલીક વાર પરાગવાહિની તલસ્થ ભાગેથી ફૂલીને ગાદી જેવી રચના બનાવે છે; જેને વર્તિકાપાદ (stylopodium) કહે છે (દા. ત., ધાણા, વરિયાળી).

પરાગાસન : સ્ત્રીકેસર ચક્રની ટોચે આવેલા ભાગને પરાગાસન કહે છે; જે પરાગરજ ગ્રહણ કરે છે. પરાગાસન પીંછાકાર, બિંબાકાર, દ્વિમુંડાકાર, રેખીય, અરીય છત્ર જેવું, દ્વિશાખી, સમુંડ, પટલાકાર કે દડા જેવું હોય છે. તે ચીકણા શ્લેષ્મ જેવા પ્રવાહીનો સ્રાવ કરે છે. યુક્તસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્રમાં તે દ્વિશાખી, ત્રિશાખી, પંચશાખી કે બહુશાખી હોય છે.

યોગેશ ડબગર