સ્તોત્ર (વૈદિક અને કાવ્ય)

January, 2009

સ્તોત્ર (વૈદિક અને કાવ્ય) : પ્રાચીન ભારતમાં દેવ કે દેવીની સ્તુતિ કરતો કાવ્યપ્રકાર.

સમરસતા : જેના વડે ઈશ્વરના મહિમાનું વર્ણન કરાય તે સ્તોત્ર, સ્તુતિ કે સ્તવન. તેમાં ઈશ્વરનું ગુણગાન કરીને કવિ પોતાના હૃદયની વ્યથા, વેદના અને આકાંક્ષા શ્રદ્ધાપૂર્વક વ્યક્ત કરે છે; જેને પ્રાર્થના કહે છે. તે દરેક ધર્મમાં હોય; પરંતુ ભારતના આર્ય-હિન્દુ ધર્મમાં તેની એક વિશેષતા છે : નિજ લીનતા અને કોમળતા વ્યક્ત કરનાર ભક્તને ભગવાનના ઉદાર હૃદયનો પણ પરિચય થાય છે ! ભગવાનની અસીમ અનુકમ્પા તથા વત્સલતાની કથાના ગાનમાં તલ્લીન તે જાતને પણ વીસરી જાય છે. પૂર્વકર્મોના વિચારથી નિજ ક્ષુદ્રતાનું ભાન થતાં તેમાંથી બહાર નીકળવા તથા નિજ જીવનને સમૃદ્ધ તેમજ પ્રકાશમાન કરવા માટે પ્રાર્થના સિવાય બીજો માર્ગ દેખાતો નથી. આમ સ્તોત્ર એ ભક્ત અને ભગવાન વચ્ચેની સમરસતાનો શ્રેષ્ઠ માર્ગ છે.

સંસ્કૃતમાં વિપુલ સ્તોત્રસાહિત્ય છે, જેના બે વિભાગ પાડી શકાય : વૈદિક અને કાવ્ય.

1. વૈદિક : વેદમાં અગ્નિ, સોમ, ઉષા, અશ્વિનીદેવ, ઇન્દ્ર, વરુણ, મિત્ર, મરુત્, રુદ્ર, બ્રહ્મણસ્પતિ આદિ દેવોનાં સૂક્તો અર્થાત્ સ્તોત્રો છે. તેમાં ધનપુત્રપશુની પ્રાપ્તિ તથા અભક્તોનો ક્ષય થાય તેવી આધિભૌતિક સમૃદ્ધિ માટેની પ્રાર્થનાઓ છે. તેમાં ક્વચિત્ નૈતિક આકાંક્ષા પણ પ્રકટ થાય છે; દા. ત., (1) ‘હે અગ્નિદેવ ! તમે અમને વધારે સારા માર્ગે વૈભવ પાસે લઈ જાઓ !’ (ઋ. 1.189.1); (2) ‘હે મિત્રાવરુણ ! તમે અમને નીતિયુક્ત સરળ માર્ગે લઈ જાઓ !’ (ઋ. 1.90.1).

બ્રહ્મ : સામર્થ્ય : વેદનાં સૂક્તોમાં સ્તોત્રનો નિર્દેશ ‘બ્રહ્મન્’ શબ્દથી કરાયો છે. તે આકાંક્ષાપૂર્તિનું અમોઘ સાધન છે, પવિત્ર સામર્થ્ય છે, જેના યોગથી દેવોને ઉત્સાહ અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે, જેને પ્રતાપે તેઓ યજમાનને યુદ્ધમાં વિજય અપાવી શકે છે અને શત્રુ–રોગ–રાક્ષસ–પાપથી બચાવી શકે છે. ઋષિ કહે છે : ‘‘સોમરસના આનંદમાં મેં ઇન્દ્રનું બળ નિર્માણ કરનાર ‘બ્રહ્મ’ રચ્યાં’’. (ઋ. 1.80.1). યજ્ઞમાં ગવાતા ‘બ્રહ્મ’ને કારણે જ સ્વર્ગથી ઇન્દ્રના રથને ઝડપી ઘોડા જોડાય છે. દેવોના અશ્વોને ‘બ્રહ્મયુજ્’ (સ્તોત્ર વડે જોડાતા) એવું વિશેષણ અનેક વાર અપાયું છે. (ઋ. 1.82.6; 1.84.3; 8.1.24). ‘બ્રહ્મ’ (સ્તોત્ર) વડે દેવોનું પોષણ-વર્ધન થાય છે. શ્રેષ્ઠ દેવે ‘બ્રહ્મ’ સાથેના યોગ વડે દૃઢ પર્વતને હલબલાવી નાખ્યો, શિથિલ વૃક્ષોને દૃઢ રીતે રોપ્યાં, બાંધેલી ગાયોને છોડાવી, વલ રાક્ષસને માર્યો, તમસને નહિવત્ કર્યું, સ્વર્ગ પ્રકટ કર્યું. (ઋ. 2.43.3). ‘બ્રહ્મ’થી પ્રેરિત ઇન્દ્ર એટલો મોટો થયો કે સ્વર્ગ અને પૃથ્વીમાં વ્યાપી ગયો. (3.34.1). અત્રિએ સ્વરચિત ‘બ્રહ્મ’ના યોગથી તમસથી ઘેરાયેલા સૂર્યને તેમાંથી બહાર કાઢ્યો. (5.40.8). ‘બ્રહ્મ’ ઇન્દ્રનું અન્ન છે. (10.23.7).

વરિષ્ઠ પુરોહિતવર્ગને ‘બ્રહ્મ’ અને ‘બ્રાહ્મણ’ કહેલ છે. રાજા કરતાં પુરોહિતનું મહત્વ અધિક ગણાયું છે. આજે પણ જગતના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર નેપાળમાં રાજાના નામ આગળ ‘શ્રી 5’ લાગે છે, જ્યારે પુરોહિતના નામ આગળ ‘શ્રી 6’ મુકાય છે ! પુરોહિતને આ સમ્માન ‘બ્રહ્મ’-સ્તોત્રને કારણે જ મળે છે.

સ્તોત્રશક્તિ વિશે આવી અતિશયોક્તિયુક્ત ગૂઢ ભાવનામય શ્રદ્ધા ઋગ્વેદમાં સભર ભરી છે. વૈદિક કાળનું સ્તોત્રસાહિત્ય જીવનના આધિભૌતિક અંગને મહત્વ આપી આશાવાદ પ્રબોધે છે.

2. કાવ્ય : વેદોત્તરકાલીન સ્તોત્રમાં આત્મકલ્યાણને મહત્વ મળ્યું છે, ભક્તિ–શરણાગતિ ઉપર ભાર મુકાયો છે. પુરાણો તો સ્તોત્રભંડાર બની ગયાં છે. છતાં પાયો અધ્યાત્મનો જ છે. કોઢનિવારણાર્થે મયૂર ભટ્ટે રચેલ ‘સૂર્યશતક’ સ્રગ્ધરાવૃત્તમાં પ્રથમ કાવ્ય હોઈ ગૌડી શૈલીમાં રચાયું છે. બાણભટ્ટનું ‘ચણ્ડીશતક’ પણ એવું જ સ્રગ્ધરામાં છે. પછી આવ્યાં અદ્વૈતપ્રતિષ્ઠાપક શંકરાચાર્યનાં ઉત્કૃષ્ટ સ્તોત્રો. ‘શિવમહિમ્ન: સ્તોત્ર’માં પુષ્પદન્ત ગુણગાન કરીને કહી દે છે કે ‘નીલગિરિ જેટલું કાજળ સમુદ્રસમા પાત્રમાં હોય અને કલ્પવૃક્ષની શાખારૂપી કલમ વડે પૃથ્વીરૂપી પત્ર ઉપર મા શારદા બધો સમય લખ્યા જ કરે, તોપણ હે ઈશ્વર ! તારા ગુણોનો પાર પામે એમ નથી !’ બુધકૌશિકનું ‘રામરક્ષાસ્તોત્ર’; કુલશેખરની 34 શ્લોકની ‘મુકુન્દમાલા’; શરણાગતિની ભાવના હૃદયંગમ રીતે પ્રકટ કરતું યામુનાચાર્યકૃત ‘આળવન્દારસ્તોત્ર’; પંડિતરાજ જગન્નાથની ‘અમૃતલહરી’, ‘લક્ષ્મીલહરી’ અને અનુપમ ‘ગંગાલહરી’; કાશ્મીરી ઉત્પલદેવકૃત 21 સ્તોત્રયુક્ત ‘શિવસ્તોત્રરત્નાવલી’ તેમજ જગદ્ધર ભટ્ટની 38 સ્તોત્ર અને 1,425 શ્લોકોવાળી ‘સ્તુતિકુસુમાંજલિ’ મુખ્ય લોકભોગ્ય સ્તોત્રો રહ્યાં છે.

પરંતુ આ સર્વના મુકુટમણિ તો છે, ઉપરિનિર્દિષ્ટ અદ્વૈતપ્રતિષ્ઠાપક આદ્યશંકરાચાર્ય ! તેમનાં ઉત્કૃષ્ટ કોટિનાં પુષ્કળ સ્તોત્રોમાં તાલાવેલી, ઉત્કંઠા તથા અનુતાપના ભાવ હૃદયસોંસરા ઊતરી જાય તેવા છે. ‘વિષ્ણુષટ્પદી’, ‘હસ્તામલકસ્તોત્ર’, ‘નર્મદાષ્ટક’, ‘શિવમાનસપૂજા’, ‘આત્મષટ્ક’, ‘પરાપૂજા’ વગેરે શ્રેષ્ઠ સ્તોત્રો તેમનાં છે. ‘દેવ્યપરાધક્ષમાપન સ્તોત્ર’માં ‘છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય’ એમ કહેનારા આચાર્ય અંતે વીનવે છે કે ‘મારા જેવો કોઈ પાપી નથી અને તારા જેવી કોઈ પાપનો નાશ કરનારી (દેવી) નથી એમ સમજીને યોગ્ય હોય તેમ કરો !’ કેવી શુદ્ધ હૃદયની પ્રાર્થના છે ! આ અદ્વૈતી આચાર્યની શ્રેષ્ઠ અનુપમ કૃતિ તો છે ‘સૌન્દર્યલહરી’ ! ભગવતી ત્રિપુરસુન્દરીના નખશિખ દિવ્ય સૌન્દર્યની છટા કાવ્યમય પ્રસન્ન ભાષામાં વર્ણવતું આ સ્તોત્ર સાહિત્યશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર તેમજ તત્વજ્ઞાનની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ, અજોડ છે !

નૃત્યગીતસ્તોત્રોમાં આગવું સ્થાન ધરાવતું જયદેવનું ‘ગીતગોવિન્દ’ વૈષ્ણવ સમ્પ્રદાયોએ ઉપાસનાના અંગ તરીકે સ્વીકાર્યું છે. આ પ્રકારમાં વૈષયિક આકર્ષણને ધાર્મિક ભાવનામાં પરિવર્તિત કરાયું. ગોપીઓના કામને ભક્તિનો હૃદ્ય પ્રકાર ઠરાવાયો ! વળી, ‘ભાગવતપુરાણ’ની રાસલીલાના દૂરદૂરના આધ્યાત્મિક અર્થો ઘટાવાયા !

જૈન-બૌદ્ધ આચાર્યોએ પણ ‘ભક્તામરસ્તોત્ર’ જેવાં ઘણાં સ્તોત્રો રચ્યાં છે. વેદોત્તરકાલીન સ્તોત્રકાવ્યોની સંખ્યા 5,000 જેટલી થઈ છે. સ્તોત્રો અદ્યપર્યન્ત રચાતાં રહ્યાં છે.

અન્તરનો ઉમળકો, મન મોકળું કરવું, આત્મનિવેદન અને અંતે મનની શાન્તિ તેમાં વ્યક્ત થતી હોવાથી સ્તોત્રને ભારતીય સંસ્કૃતિમાં ઉપાસનાનું શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે.

જયન્ત પ્રે. ઠાકર