સ્તેન્ધાલ (Stendhal) (. 23 જાન્યુઆરી 1783, ગ્રેનોબલ, ફ્રાન્સ; . 23 માર્ચ 1842, પૅરિસ) : ફ્રેંચ નવલકથાકાર. (મૂળ નામ મેરી હેનરી બેઇલ) તેમની કૃતિઓમાં નિરૂપાયેલ મનોવિશ્લેષણ અને રાજકીય ચિંતનને કારણે તે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા. જે જમાનાના સામાજિક વાતાવરણમાં તે જીવતા હતા, તેના કરતાં વિપરીત પ્રકારના જટિલ નાયકના પાત્રસર્જનને કારણે કથાસાહિત્યમાં નવી પ્રણાલી શરૂ થઈ એને કારણે આ સાહિત્યકારનો પ્રભાવ બીજા અનેક લેખકો ઉપર જોવા મળે છે.

શૈશવ એકલવાયું અને જીવન ભારે વિષાદભર્યું અને સંઘર્ષમય વીત્યું. એ વ્યથાની સ્મૃતિએ જીવનના અંતિમ દિવસો સુધી એમનો પીછો છોડેલો નહિ. પોતાનું સમગ્ર જીવન સંઘર્ષમય અનુભવોથી ભરેલું અને વ્યથાપૂર્ણ હતું. તેમની કૃતિઓમાં પણ જીવનના સંઘર્ષની કથા દેખાય છે. 1800થી 1812 સુધી ફ્રેંચ લશ્કરમાં સેવા આપી તે પૅરિસ ગયા અને ત્યાં સ્થાયી થયા. ત્યાં ગયા પછીનાં નવ વર્ષમાં તેમણે છ કૃતિઓ પ્રકાશિત કરી; જેનો ‘ધ રેડ ઍન્ડ ધ બ્લૅક’ (1830) એ અંગ્રેજી અનુવાદ 1926માં થયો, તે યશસ્વી કૃતિનો પણ સમાવેશ થાય છે. 1830માં સ્તેન્ધાલ રોમના સાગરકાંઠે આવેલા સિવિટીવેન્ચિયામાં ફ્રેંચ એલચી તરીકે નિયુક્ત થયા. આ શહેરથી તે ખૂબ જ મોહિત થયા અને ત્યાં સુખ પામવાનો તેમણે યત્ન કર્યો. સ્તેન્ધાલની અન્ય જાણીતી કૃતિઓમાં ‘ધ ચાર્ટર હાઉસ ઑવ્ પરમા’ (1839) જેનો અંગ્રેજી અનુવાદ 1925માં થયેલો તેનો સમાવેશ કરી શકાય. તેમનું સ્વાસ્થ્ય કથળ્યા બાદ તેમની પૅરિસની વારંવારની મુલાકાતો દરમિયાન આ કૃતિનું સર્જન થયેલું. ફ્રેંચ નવલકથા ઉપર તેમની કથનશૈલીનો ઘેરો પ્રભાવ દેખાય છે. તેમની કૃતિઓમાં પ્રગટ થતું મનોવિશ્લેષણ અને તેમાં નિરૂપાયેલ રાજકીય ચિંતન લેખકના જીવનનાં વિવિધ પાસાંઓને ઊંડાણથી સમજવાની શક્તિનો ખ્યાલ આપે છે.

સ્તેન્ધાલ

‘ધ ચાર્ટર હાઉસ ઑવ્ પર્મા’ (1925), ‘ધ રેડ ઍન્ડ ધ બ્લૅક’ (1926), ‘લામ્યેલ’ (1952), ‘ધ ગ્રીન હન્ટ્સમૅન’ (1951) અને ‘ધ ટેલિગ્રાફ’ (1951) નવલકથાઓ નોંધપાત્ર છે. ‘ધી એબેસ ઑવ્ કેસ્ટ્રો ઍન્ડ અધર ટેલ્સ’ (1926) ટૂંકી વાર્તાઓ છે. ‘વિએ દ હેનરી બ્રુલાર્ડ’ (1890) તેમની આત્મકથા છે. આર. એન. કોએ તેમની કેટલીક કૃતિઓનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. ‘ધ પ્રાઇવેટ ડાયરીઝ ઑવ્ સ્તેન્ધાલ’(1954)નું સંપાદન આર. સેઈજે કર્યું છે. મેથ્યુ જોસેફ્સને ‘સ્તેન્ધાલ : ઑર ધ પર્સ્યૂટ ઑવ્ હૅપિનેસ’ (1946), સ્તેન્ધાલના જીવનનો હૃદયદ્રાવક ચિતાર છે. કેરોલ કોસ્મૅનનું ‘એ લાયન ફૉર લવ’ (1979) જીવનચરિત્ર એટલું જ સરસ છે.

પંકજ સોની

વિ. પ્ર. ત્રિવેદી