સ્ટ્રેસબર્ગ લી

January, 2009

સ્ટ્રેસબર્ગ, લી (જ. 17 નવેમ્બર 1901, બુડાનૉવ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 17 ફેબ્રુઆરી 1982) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, લેખક, અભિનયકળાના શિક્ષક. માતા : ઇડા, પિતા : બારુખ મેયર સ્ટ્રેસબર્ગ. મૂળ નામ ઇઝરાયલ લી સ્ટ્રેસબર્ગ. હોલીવૂડમાં કલાકારો અને દિગ્દર્શકોની ત્રણ પેઢીઓ તૈયાર કરનાર લી સ્ટ્રેસબર્ગ સાત વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા આવી ગયા હતા. નવ વર્ષના હતા  ત્યારે ન્યૂયૉર્કમાં અમેરિકન લૅબોરેટરી થિયેટરમાં રિચાર્ડ બૉલેસ્લાવસ્કી અને મારિયા ઑસ્પેન્સ્કાયા પાસે નાટકમાં અભિનયની તાલીમ લેવી શરૂ કરી હતી. 1925માં નાટકોમાં અભિનેતા તરીકે કારકિર્દી શરૂ કરીને થોડા જ સમયમાં 1931માં ન્યૂયૉર્કમાં ‘ગ્રૂપ થિયેટર’નો પ્રારંભ કર્યો હતો, જે આજે દંતકથા સમાન બની ગયું છે. એલિયા કઝાન, જૉન ગારફિલ્ડ, સ્ટેલા એડલર, સ્ટેનફૉર્ડ મેઇઝનર, રૉબર્ટ લુઇસ વગેરે સર્જકોની કારકિર્દી અહીંથી ઘડાઈ હતી.

લી સ્ટ્રેસબર્ગ

ત્યાં 1937 સુધી કેટલાંક નાટકો ભજવ્યાં હતાં, પણ તેમનો વધુ પ્રભાવ 1949માં તેઓ ઍક્ટર્સ સ્ટુડિયોમાં જોડાયા બાદ વધવો શરૂ થયો હતો. એક વર્ષમાં જ અહીં તેઓ કલા-નિયામક બની ગયા હતા. અહીં તેમણે મેરિલિન મનરો, પૉલ ન્યૂમૅન, કિમ સ્ટેનલી, જેન ફોન્ડા, જેમ્સ ડીન, ડસ્ટિન હોફમૅન, અલ પચિનો, રૉબર્ટ ડી નીરો, જેક નિકોલસન અને સ્ટીવ મૅક્વિન જેવા કલાકારોને અભિનયના પાઠ ભણાવ્યા હતા. અમેરિકન નાટકો અને ચલચિત્રો પર તેમણે શીખવેલી અભિનયકળાનો પ્રભાવ રહ્યો છે. 1969માં તેમણે ન્યૂયૉર્ક અને લૉસ એન્જલસમાં ‘લી સ્ટ્રેસબર્ગ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ થિયેટર’ની સ્થાપના કરી હતી. ઘણાના મતે સ્ટ્રેસબર્ગ અમેરિકન ‘મેથડ ઍક્ટિંગ’ના પ્રણેતા ગણાય છે. અભિનેતા તરીકે 1974માં તેમણે ‘ગૉડફાધર ભાગ 2’માં કામ કર્યું હતું અને આ ભૂમિકા માટે તેમને શ્રેષ્ઠ સહ-અભિનેતાનું ઑસ્કાર નામાંકન મળ્યું હતું. તેમણે માત્ર સાત ચિત્રોમાં કામ કર્યું હતું. મેરિલિન મનરો તેમની શિષ્યા હતી અને મનરોને તેમની કારકિર્દી દરમિયાન સ્ટ્રેસબર્ગ હંમેશ મદદરૂપ થતા રહ્યા હતા. તેનો બદલો મનરોએ એ રીતે વાળ્યો હતો કે તેમણે પોતાના વસિયતનામામાં પોતાની કુલ મિલકતના 75 ટકા હિસ્સો સ્ટ્રેસબર્ગના નામે કરી દીધો હતો.

નોંધપાત્ર ચિત્રો : ‘ધ ગૉડફાધર ભાગ 2’ (1974), ‘ધ કાસાન્ડ્રા ક્રૉસિંગ’ (1977), ‘બોર્ડવૉક’, ‘…ઍન્ડ જસ્ટિસ ફૉર ઑલ’ અને ‘ગોઇંગ ઇન સ્ટાઇલ’ (1979).

હરસુખ થાનકી