સ્ટ્રેસમન ગુસ્તાવ

January, 2009

સ્ટ્રેસમન, ગુસ્તાવ (જ. 10 મે 1878, બર્લિન; અ. 3 ઑક્ટોબર 1929, બર્લિન) : જર્મનીના ઉદારમતવાદી મુત્સદ્દી, દેશના પૂર્વ ચાન્સેલર અને વિદેશપ્રધાન તથા વર્ષ 1926ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. મધ્યમ વર્ગમાં જન્મ. પિતા બર્લિનમાં હોટલ ચલાવતા તથા દારૂનું વેચાણ કરતા. કૉલેજ-કારકિર્દી દરમિયાન સ્ટ્રેસમને વિદ્યાર્થી ચળવળમાં સક્રિય ભાગ ભજવેલો. ઉચ્ચશિક્ષણ બર્લિન અને લાઇપઝિગ યુનિવર્સિટીઓમાં લીધું, જ્યાં દર્શન અને સાહિત્યનો અભ્યાસ કર્યો. અર્થશાસ્ત્ર વિષયમાં ડૉક્ટરેટની પદવી મેળવી. 1902માં તેમણે સેક્સન મૅન્યુફેક્ચરર્સ ઍસોસિયેશનની સ્થાપના કરી અને એ રીતે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. 1906માં તેઓ ડ્રેસ્ડન નગરપાલિકામાં ચૂંટાયા. સમય જતાં તેઓ સેક્સૉનીની નૅશનલ લિબરલ પાર્ટીના નેતા બન્યા. 1907માં તેઓ જર્મનીની સંસદ-(Reichstay)ના સભ્ય ચૂંટાયા. પક્ષના અન્ય નેતાઓની વિચારસરણી સાથે સંમત ન થતાં 1912માં તેમને સંસદ તથા ટાઉન-કાઉન્સિલ બંનેનાં પદો છોડવાં પડ્યાં. તે જ અરસામાં તેમણે જર્મનઅમેરિકન ઇકૉનૉમિક ઍસોસિયેશનની સ્થાપના કરી. 1914માં તેઓ ફરી સંસદમાં દાખલ થયા. તબિયતના કારણસર તેમને પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) દરમિયાન લશ્કરી તાલીમ અને સેવામાંથી મુક્તિ આપવામાં આવેલી.

ગુસ્તાવ સ્ટ્રેસમન

યુદ્ધ પૂર્વે તેઓ નૅશનલ લિબરલ પક્ષના ડાબેરી જૂથની વિચારસરણી સાથે સંમત હતા; પરંતુ યુદ્ધ દરમિયાન તેઓ ક્રમશ: જમણેરી વિચારસરણી તરફ ઢળતા ગયા અને તેની રૂએ તેમણે દેશમાં રાજાશાહી અને જર્મનીની વિસ્તારવાદી નીતિઓનું સમર્થન કરવાની શરૂઆત કરી. તેમનાં આ પ્રકારનાં રાજકીય વલણોને કારણે તેમને યુદ્ધ પછી જર્મન ડેમોક્રૅટિક પાર્ટીમાંથી બાકાત રાખવામાં આવ્યા, જેના પ્રતિભાવ રૂપે તેમણે પોતાની જર્મન પીપલ્સ પાર્ટીની સ્થાપના કરી. આ પક્ષે ખ્રિસ્તી કૌટુંબિક મૂલ્યો, ધર્મનિરપેક્ષ (secular) શિક્ષણ, જકાતોના ઓછા દરોનું સમર્થન અને કલ્યાણલક્ષી જાહેર ખર્ચ અને કૃષિક્ષેત્રને અપાતી સબસિડી તથા માર્કસવાદનો સખત વિરોધ કરવાની નીતિ અપનાવી. આ પક્ષે સોશિયલ ડેમોક્રૅટિક પક્ષની વિચારસરણીનો પણ વિરોધ કર્યો. સમય જતાં સ્ટ્રેસમને ફરી ડાબેરી પક્ષો અને મધ્ય(centre)માં રહેવાનું પસંદ કરતા પક્ષો સાથે સહકાર કરવાની નીતિનું સમર્થન કર્યું. ઑગસ્ટ 1923માં સહિયારી સરકારની સ્થાપના થતાં સ્ટ્રેસમનને ચાન્સેલર અને વિદેશપ્રધાનનું પદ મળ્યું. નવેમ્બર, 1923માં સોશિયલ ડેમોક્રૅટિક પક્ષ અઢી માસ પહેલાં સ્થપાયેલી સહિયારી સરકારમાંથી નીકળી ગયો હતો તેમ છતાં તે પછીનાં રાજકીય જોડાણોમાં સ્ટ્રેસમનને વિદેશપ્રધાન તરીકે ચાલુ રાખવામાં આવ્યા.

દેશ સામેની આર્થિક કટોકટીના ઉકેલરૂપે સ્ટ્રેસમને દેશમાં રેન્ટમાર્ક નામનું નવું ચલણ દાખલ કર્યું. વિદેશપ્રધાન તરીકે તેમણે નોંધપાત્ર ગણાય તેવી બે સિદ્ધિઓ મેળવી હતી : (1) 1924માં દાવેસ યોજના (Dawes Plan) હેઠળ તે અગાઉ પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીએ ભજવેલ ભાગ માટે તેના પર મિત્રરાષ્ટ્રોએ લાદેલ વળતર(reparations)ની રકમમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો અને સાથોસાથ જર્મનીની મધ્યસ્થ બૅંક(Reichs bank)ની પુનર્રચના કરવામાં આવી. (2) ઑક્ટોબર 1925માં લોર્કાનો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં ‘હાઇનલૅન્ડ કરાર’ હસ્તક જર્મનીએ યુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી દેશની પશ્ચિમ તરફની સરહદોને સર્વપ્રથમ વાર માન્યતા આપી તથા ફ્રાન્સને શાંતિ જાળવી રાખવાની બાંયધરી આપી. સામા પક્ષે જર્મનીને લીગ ઑવ્ નૅશન્સના સભ્યપદની ખાતરી આપવામાં આવી અને જર્મનીના હ્રાઇન પ્રદેશમાંથી મિત્રરાષ્ટ્રોના બાકીના લશ્કરને હટાવી લેવાનું વચન જર્મનીને આપવામાં આવ્યું.

1926માં જર્મનીને લીગ ઑવ્ નૅશન્સમાં સભ્ય તરીકે અને સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે દાખલ કરવામાં આવ્યું. જર્મનીએ સોવિયેત સંઘ સાથે એપ્રિલ 1926માં ‘બર્લિન સંધિ’ પર હસ્તાક્ષર કર્યા અને તેની કલમોની નિષ્ઠાપૂર્વક અમલની બાંયધરી પણ રશિયાને આપવામાં આવી. ઑગસ્ટ 1928માં જર્મનીએ ‘કેલૉગબ્રિયાંડ સમજૂતી’ (Kellog Briand Pact) પર હસ્તાક્ષર કર્યા, જેમાં આંતરરાષ્ટ્રીય વિવાદોના ઉકેલમાં સશસ્ત્ર કે હિંસક પગલાં ન લેવાની બાંયધરી આપવામાં આવી હતી.

ઉપર દર્શાવેલ સિદ્ધિઓ માટે જ જર્મનીના ગુસ્તાવ સ્ટ્રેસમન અને ફ્રાન્સના વિદેશમંત્રી બ્રિયાંડ, એરિસ્ટાઇડને વર્ષ 1926નું વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે એનાયત કરવામાં આવ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે