સ્ટ્રેચી (ગાઇલ્સ) લિટન

January, 2009

સ્ટ્રેચી, (ગાઇલ્સ) લિટન (જ. 1 માર્ચ 1880, લંડન; અ. 21 જાન્યુઆરી 1932, હેમ સ્પ્રે હાઉસ, બર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ચરિત્રકાર અને વિવેચક. પિતા લશ્કરમાં વહીવટી અધિકારી હતા. ભારતમાં તેમણે 30 વર્ષ સુધી સેવા આપેલી. સ્ટ્રેચી ભાઈબહેનોમાં અગિયારમું સંતાન હતા. તેમનું નામ તે સમયના વાઇસરૉય લિટનના નામ પરથી પાડવામાં આવેલું. સ્ટ્રેચીના તે ધર્મપિતા (godfather) હતા. સ્ટ્રેચી બાળપણમાં માંદા રહેતા. લીવરપુલ યુનિવર્સિટીમાં ગાળેલું એક વર્ષ તેમના માટે દુ:ખદ પુરવાર થયેલું. જોકે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં તેમને બૌદ્ધિક આનંદ પ્રાપ્ત થયેલો. અહીં તેમને જી. ઈ. મૂર, એમ. કેઇન્સ અને એલ. વૂલ્ફની મૈત્રી થયેલી. બ્લૂમ્સબેરી ગ્રૂપના તેઓ સંમાન્ય સભ્ય હતા. વ્યક્તિગત સંબંધોમાં સહનશક્તિ હોવી જોઈએ અને તે માટે આ સદગુણમાં તેમને પરમ શ્રદ્ધા હતી. જીવનનાં છેલ્લાં 16 વર્ષો તેમણે ચિત્રકાર ડોરા કેરિંગ્ટન અને તેમના પતિ રાલ્ફ પેટ્રિજના સાંનિધ્યમાં ગાળેલા (1916–1932).

જીવનચરિત્રના લેખક તરીકે સ્ટ્રેચીએ આ સ્વરૂપને નવો ઘાટ આપ્યો. વિક્ટોરિયન જમાનાના લેખકો ચરિત્રકથનમાં ઢગલાબંધ પત્રો અને નાનીમોટી તમામ જીવનઘટનાઓને શબ્દશ: વણી લેતા તે વલણ પ્રત્યે તેમને લેશ પણ આદર ન હતો. જીવનચરિત્ર આલેખતી વખતે કોઈ પણ ફાલતુ બાબતને લક્ષમાં લીધા સિવાય જેમ બને તેમ ટૂંકાણમાં ખૂબ સૂચક કે અતિ મહત્વની ઘટનાના આધારે જે તે ચરિત્રની માવજત કરવી આવશ્યક છે. એવી તેમની માન્યતા હતી.

સ્ટ્રેચી પ્રથમ વિશ્વયુદ્ધના પ્રખર ટીકાકાર હતા. પ્રાધ્યાપક થવાનું તેમનું સ્વપ્ન નિષ્ફળ બનતાં તેમણે સામયિકોમાં લખવાનું શરૂ કર્યું. તેમના લેખો ‘સ્પેક્ટેટર’, ‘એડિનબર્ગ રિવ્યૂ’, ‘નૅશન’, ‘એથેનોઅમ’, ‘લાઇફ ઍન્ડ લેટર્સ’ વગેરે સામયિકોમાં પ્રસિદ્ધ થતા હતા.

‘લૅન્ડમાર્કસ ઇન ફ્રેન્ચ લિટરેચર’ (1912) સાહિત્યસર્જકો વિશેનું નોંધપાત્ર પ્રકાશન છે. જોકે ‘એમિનન્ટ વિક્ટોરિયન્સ’ પુસ્તકે જીવનચરિત્રલેખનમાં સ્ટ્રેચીને કીર્તિ બક્ષી. તેમાં કાર્ડિનલ મેનિંગ, એફ. નાઇટિંગેલ, ટી. આર્નોલ્ડ અને જનરલ ગૉર્ડનનાં જીવનચરિત્રો આલેખાયાં છે. તેમનાં બુદ્ધિચાતુર્ય, ચીલાચાલુ વિચારોના ભંજક (iconoclast), ધારદાર કટાક્ષો અને વર્ણનશક્તિએ અનેક વાચકોને આકર્ષ્યા છે. ‘કોઈ અંધકારમય બોગદા(tunnel)ને છેડે પ્રગટ થતો પ્રકાશ’ – જેવા શબ્દોથી કોનોલીએ આ ગ્રંથને આવકાર્યો હતો. ‘ક્વીન વિક્ટોરિયા’(1912)નું જીવનચરિત્ર કંઈક અંશે અનાદરવાળું હોવા છતાં લાગણીસભર છે. ‘એલિઝાબેથ ઍન્ડ ઇસેક્સ : અ ટ્રેજિક હિસ્ટરી’ (1928) એમનું વિચારપ્રેરક જીવનચરિત્ર છે.

એમ. હોલરોઇડે બે ગ્રંથોમાં (1967–68) સ્ટ્રેચીનું જીવનચરિત્ર આલેખ્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી