સ્ટ્રાસબર્ગર એડુઆર્ડ એડૉલ્ફ

January, 2009

સ્ટ્રાસબર્ગર, એડુઆર્ડ એડૉલ્ફ (જ. 1 ફેબ્રુઆરી 1844, વૉર્સોવ; અ. 18 મે 1912, બૉન) : જર્મન વનસ્પતિકોષવિજ્ઞાની. તેમણે વનસ્પતિકોષમાં કોષકેન્દ્ર-વિભાજન વિશે માહિતી આપી.

સ્ટ્રાસબર્ગરે પૅરિસ, બૉન અને અંતે જેના યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. પીએચ.ડી.ની પદવી જેના યુનિવર્સિટીમાંથી 1866માં મેળવી. તેમણે વૉર્સોવ યુનિવર્સિટી (1868), જેના યુનિવર્સિટી (1869–80) અને બૉન યુનિવર્સિટી(1880–1912)માં શિક્ષણ આપ્યું. તે સમયે તેમણે બૉનને દુનિયાનું સર્વશ્રેષ્ઠ પૈકીનું એક કોષવિદ્યાકીય કેન્દ્ર બનાવ્યું. તેમનું પ્રારંભિક સંશોધન જર્મન વનસ્પતિવિજ્ઞાની વિલ્હેલ્મ હૉફમેઇસ્ટર દ્વારા એકાંતરજનન (alternation of generation) પર શરૂ કરાયેલા સંશોધન સાથે સંબંધિત હતું. સ્ટ્રાસબર્ગરે શંકુવૃક્ષો (conifers) જેવા અનાવૃતબીજધારીઓ (gymnosperms) અને આવૃતબીજધારીઓ(angiosperms)ના ભ્રૂણપુટ (embryosac) તેમજ આવૃતબીજધારીમાં બેવડા ફલન(double fertilization)નું સૌપ્રથમ વાર સચોટ વર્ણન આપ્યું. તેમણે તેમના ‘કોષનિર્માણ અને કોષવિભાજન’ વિશે [‘On Cell Formation and Cell Division’ (Uber Zellbildung und Zelltheilurg), 1876] નામના પુસ્તકમાં સમવિભાજન(mitosis)ના મૂળભૂત સિદ્ધાંતો આપ્યા હતા અને ત્રીજી આવૃત્તિ (1880) સુધી આ પ્રક્રિયાના વર્ણનમાં સ્પષ્ટતાઓ અને રૂપાંતરો કર્યાં. તેમણે વનસ્પતિ-કોષવિજ્ઞાનના અર્વાચીન નિયમો પૈકીના એકનું સ્પષ્ટ નિરૂપણ કર્યું કે નવાં કોષકેન્દ્રોનો ઉદભવ માતૃકોષકેન્દ્રના વિભાજનથી જ માત્ર થાય છે. 1882માં તેમણે કોષકાય (cell-body) અને કોષકેન્દ્રના વર્ણન માટે અનુક્રમે ‘કોષરસ’ (cytoplasm) અને ‘કોષકેન્દ્રરસ’ (nucleoplasm) શબ્દો પ્રયોજ્યા. વળી, તેમણે દર્શાવ્યું કે સપુષ્પ વનસ્પતિઓમાં ફલન દરમિયાન કોષકેન્દ્ર આનુવંશિકતા સાથે સંકળાયેલી પ્રાથમિક રચના છે. 1888માં તેમણે પ્રસ્થાપિત કર્યું કે આવૃતબીજધારીઓમાં જનનકોષોનાં કોષકેન્દ્રો અર્ધસૂત્રી ભાજન (meiosis) દ્વારા વિભાજાય છે; જેથી ઉદભવતાં કોષકેન્દ્રોમાં માતૃકોષકેન્દ્ર કરતાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થાય છે.

પછીથી સ્ટ્રાસબર્ગરે રસારોહણ (ascent of sap) પર સંશોધનો કર્યાં અને જણાવ્યું કે આ પ્રક્રિયા દેહધાર્મિક નહિ; પરંતુ ભૌતિક છે. તેમણે ખ્યાતનામ વનસ્પતિવિજ્ઞાનીઓ સાથે રહીને ‘Textbook of Botany’ (Lehrbuch der Botanik, 1894) પુસ્તક લખ્યું.

બળદેવભાઈ પટેલ