સ્ટ્રાવિન્સ્કી ઇગોર ફેડોરોવિચ

January, 2009

સ્ટ્રાવિન્સ્કી, ઇગોર ફેડોરોવિચ (. 17 જૂન 1882, ઓરાનીબામ, પિટ્સબર્ગ; . 6 એપ્રિલ 1971, ન્યૂયૉર્ક) : રશિયન-અમેરિકન સ્વર-રચનાકાર. તેમના પિતા સેન્ટ પિટ્સબર્ગ ખાતે અભિનય અને ગાયનક્ષેત્રે મશહૂર હતા. તેમણે પુત્ર સ્ટ્રાવિન્સ્કીને સંગીત કે અભિનયનું નહિ પરંતુ કાયદાશાસ્ત્રનું શિક્ષણ આપેલું, જોકે સ્ટ્રાવિન્સ્કીને આડવ્યવસાય તરીકે સંગીત અને અભિનયમાં સામાન્ય રુચિ અવશ્ય હતી; પરંતુ 1902માં વિખ્યાત રશિયન સંગીતકાર રિમ્સ્કિકાર્સાકેવ સાથે તેમનો આકસ્મિક ભેટો થતાં તેમના જીવનમાં વળાંક આવ્યો. 1907–08ના વર્ષ દરમિયાન સ્ટ્રાવિન્સ્કીએ રિમ્સ્કિકાર્સાકેવની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સંગીતનો અભ્યાસ કર્યો. તેના પરિણામે 1907માં જ તેમની સર્વપ્રથમ  સંગીતરચના વાદ્યવૃંદ મારફત પ્રસ્તુત થઈ, જેમાં તેમના ગુરુ રિમ્સ્કિકાર્સાકેવની રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત શૈલીની સ્પષ્ટ છાપ દેખાઈ આવી. ત્યાર બાદ ઘણી નૃત્યનાટિકાઓમાં તેમણે તેમની અંગત ભાતવાળું સંગીત આપ્યું, જેને કારણે તેમને યુરોપમાં સર્વત્ર પ્રશંસા પ્રાપ્ત થઈ. તેમની સ્વરરચનાઓ પરંપરાગત સંગીતશૈલીની હોવા કરતાં તદ્દન ભિન્ન પ્રકારની હતી. શરૂઆતના એક વર્ષ દરમિયાન સંગીત-સમીક્ષકો અને ચાહકોએ તેમને દાદ આપી ન હતી, પરંતુ બીજે જ વર્ષે તેઓ એક વિચક્ષણ સંગીતકાર તરીકેની પોતાની છાપ ઊભી કરી શક્યા હતા.

ઇગોર ફેડોરોવિચ સ્ટ્રાવિન્સ્કી

પ્રથમ વિશ્વયુદ્ધ(1914–1918)ની શરૂઆતમાં જ તેઓ રશિયા છોડીને સ્વિટ્ઝર્લૅન્ડ જતા રહેલા; જ્યાં તેમણે રશિયન સાહિત્યમાંની ઘણી કથાવસ્તુઓ પર આધારિત સંગીત-રચનાઓ પ્રસ્તુત કરી. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા પછી અને ખાસ કરીને નવમી સદીના ત્રીજા દાયકામાં તેમણે સમગ્ર યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડ્યો અને ઠેર ઠેર પોતાની સંગીત-રચનાઓ જાહેર જલસાઓમાં પોતાના વાદ્યવૃંદ મારફત પ્રસ્તુત કરી. 1934માં તેમણે ફ્રાન્સનું નાગરિકત્વ સ્વીકાર્યું; પરંતુ ત્રણ વર્ષ પછી 1937માં તેમણે અમેરિકામાં સ્થળાંતર કર્યું અને છેક 1945માં તે દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું. 1952 પછી તેમણે તેમની સંગીત-રચનાઓમાં પ્રયોગશીલતા દાખલ કરી અને તેના દ્વારા નવી ઢબની અને નવી તકનીક સાથેની સંગીત-રચનાઓ પર આધારિત નૃત્યનાટિકાઓ પ્રસ્તુત કરી.

વીસમી સદીના પશ્ચિમી સંગીતમાં સ્ટ્રાવિન્સ્કીનું યોગદાન મૌલિક અને શકવર્તી ગણાય છે. પશ્ચિમના સંગીતના વિષય પર તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનો ગ્રંથ રૂપે પ્રકાશિત થયાં છે.

કેટલાક સમીક્ષકોના મંતવ્ય મુજબ સ્ટ્રાવિન્સ્કી વીસમી સદીના સર્વોત્કૃષ્ટ અને સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સંગીતકાર અને સ્વરનિયોજક હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે