સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family)

January, 2009

સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family) [સ્ટ્રાઉસ, યોહાન એલ્ડર (. 28 માર્ચ 1804, વિયેના, ઑસ્ટ્રિયા; . 24 સપ્ટેમ્બર 1849, વિયેના, ઑસ્ટ્રિયા); સ્ટ્રાઉસ, યોહાન યંગર (. 25 ઑક્ટોબર 1825, વિયેના, ઑસ્ટ્રિયા; . 3 જૂન 1899, વિયેના, ઑસ્ટ્રિયા)] : વૉલ્ટ્ઝ સંગીતનો મનોરંજક તથા લોકપ્રિય ઢબે વિકાસ કરનાર ઑસ્ટ્રિયન પિતાપુત્ર. પિતા યોહાન ધ એલ્ડર બાળપણમાં વાયોલા વગાડતા શીખ્યા અને સંગીતકાર માઇકલ પામરના મનોરંજક સંગીતના ડાન્સ ઑર્કેસ્ટ્રામાં વાયોલાવાદક તરીકે જોડાયા. 1830 સુધીમાં અવનવી વૉલ્ટ્ઝ રચનાઓ કરવા માટે તેમની નામના થઈ અને 1831માં ‘વિયેના મિલિટરી રેજિમેન્ટ’ના બેન્ડમાસ્ટર તરીકે તેમની નિમણૂક થઈ. લશ્કરી કૂચ માટેના સંગીત પર એમના અસાધારણ કાબૂને કારણે તેઓ વિયેનામાં ‘ધ ઑસ્ટ્રિયન નેપોલિયન’ નામે ઓળખાયા. 1833માં તેમણે લંડનમાં વૉલ્ટ્ઝ સંગીતના કાર્યક્રમો આપ્યા અને પછી પૅરિસ, રોમ જેવાં યુરોપનાં બીજાં નગરોમાં તેમણે પ્રવાસ કર્યો.

વૉલ્ટ્ઝ ઉપરાંત યોહાન ધ એલ્ડરે ગેલોપ, પોલ્કા અને ક્વાડ્રિલ પ્રકારનાં નૃત્યો માટે પણ સંગીત-સર્જન કર્યું. એમના સંગીતમાં નાજુક લય અને બળૂકી સૂરાવલિનું મિશ્રણ જોવા મળે છે. યોહાન ધ યંગર ઉપરાંત એમને બીજા પુત્રો હતા : જોસેફ સ્ટ્રાઉસ (1827–70) અને એડવર્ડ સ્ટ્રાઉસ (1835–1916).

પુત્ર યોહાન ધ યંગરે વૉલ્ટ્ઝ સંગીતને આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતા અપાવી. એ પોતે સંગીતના ક્ષેત્રમાં પ્રવેશે નહિ તેવી પ્રબળ ઇચ્છા પિતા યોહાન ધ એલ્ડર ધરાવતા. તેથી તરુણાવસ્થામાં બૅંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતાં કરતાં યોહાન ધ યંગરે પિતાથી સંતાઈને સંગીત-શિક્ષણ લેવું પડ્યું; પરંતુ 1849માં પિતા યોહાન ધ એલ્ડરનું અવસાન થતાં યોહાન ધ યંગરે પિતાના ઑર્કેસ્ટ્રાનો હવાલો લઈને રશિયા અને બ્રિટનની યાત્રાઓ કરી અને ત્યાં વૉલ્ટ્ઝ સંગીતની મહેફિલો કરી. પછી પોતાના બીજા બે ભાઈઓ જોસેફ અને એડ્વર્ડને એ ઑર્કેસ્ટ્રાનો હવાલો સોંપી 1870માં તે અમેરિકા આવ્યા. અહીં ન્યૂયૉર્ક નગર અને બોસ્ટનમાં તેમણે વૉલ્ટ્ઝ સંગીતની મહેફિલો કરી.

યોહાન ધ યંગરની મૌલિક વૉલ્ટ્ઝ કૃતિઓ પશ્ચિમી જગતમાં 1860 પછી અત્યંત લોકપ્રિય નીવડી. એ ઓગણીસમી સદીના પશ્ચિમી જગતના સૌથી વધુ લોકપ્રિય સંગીતનિયોજક ગણાયા છે. છેક વીસમી સદીમાં પણ બૉલરૂમમાં નૃત્ય માટે તેમના સંગીતનો ઉપયોગ થયો છે. તેમની કેટલીક સૌથી વધુ જાણીતી વૉલ્ટ્ઝ કૃતિઓ છે : ‘ધ બ્યૂટિફુલ બ્લૂ ડાન્યૂબ’, ‘મોર્નિન્ગ લીવ્ઝ’, ‘વિયેના વૂડ્સ’, ‘લાઇફ ઑવ્ ઍન આર્ટિસ્ટ’, ‘વાઇન વીમેન ઍન્ડ મ્યુઝિક’ તથા ‘ધ એમ્પરર વૉલ્ટ્ઝ’. આજે પણ ઘણી ફિલ્મોમાં પાર્શ્વ સંગીતમાં એમની વૉલ્ટ્ઝ કૃતિઓનો ઉપયોગ થાય છે.

અમિતાભ મડિયા