સ્ટ્રાઉસ ઑસ્કાર

January, 2009

સ્ટ્રાઉસ, ઑસ્કાર (જ. 6 માર્ચ 1870, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 11 જાન્યુઆરી 1954, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક અને ઑર્કેસ્ટ્રાના તથા ગાયકવૃંદ(કોયર)ના સંચાલક. બર્લિન ખાતે સંગીતકાર મેક્સ બ્રખ પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. એ પછી બર્લિનમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કારકિર્દી શરૂ કરી. 1940માં અમેરિકા જઈ ન્યૂયૉર્ક નગરના બ્રોડવે ખાતેનાં નાટકોમાં તેમજ  કૅલિફૉર્નિયામાં હોલીવૂડ ખાતેની ફિલ્મોમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કામ કર્યું.

ઑસ્કાર સ્ટ્રાઉસ

1948માં તે યુરોપ પાછા ફર્યા અને વિયેનામાં સ્થિર થયા. અહીં તેમણે પ્રસિદ્ધ બ્રિટિશ નાટ્યકાર બર્નાર્ડ શૉની કૃતિ ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’ ઉપર આધારિત ઑપેરા ‘ધ ચૉકોલેટ સોલ્જર’ લખ્યો જેના મંચનથી તેમને મોટી ખ્યાતિની પ્રાપ્તિ થઈ. આ ઉપરાંત તેમણે અન્ય બે ઑપેરા પણ લખ્યા : ‘અ વૉલ્ટ્ઝ ડ્રીમ’ અને ‘ઑલ અરાઉન્ડ લવ’.

અમિતાભ મડિયા