સ્ટેન, એડિથ (જ. 12 ઑક્ટોબર 1891, બ્રેસ્લૉ, જર્મની; અ. 9/10 ઑગસ્ટ 1942, ઑશ્ચવિટ્ઝ, પોલૅન્ડ) : મૂળ જૂડેઇઝમ – યહૂદીઓના એકેશ્વર ધર્મનાં, પરંતુ પાછળથી રોમન કૅથલિક બનેલા અને કઠોર વ્રતધારી કાર્મેલાઇટ સાધ્વી, તત્વચિંતક અને આધ્યાત્મિક લેખનમાં રુચિ ધરાવનાર લેખિકા. ઉપનામ ટેરેસા બેનિડિક્ટા ઑવ્ ધ ક્રૉસ. (લૅટિનમાં ટેરેશિયા બેનિડિક્ટા અ ક્રૂસ.) મૂળ યહૂદી કુળનાં હોવાને કારણે નાઝીઓ દ્વારા કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં ગૅસચેમ્બરમાં માર્યાં ગયાં. 14 વર્ષની વયે ધર્મપરિવર્તનના પહેલા તબક્કામાં નાસ્તિક બની ગયાં. શિક્ષણ ગોટિંજન યુનિવર્સિટીમાં. ઍડમન્ડ હસ્સેર્લના વિચારોમાં તેમને રસ પડ્યો. દૃશ્યમાન પદાર્થ, વસ્તુ કે બિનાના સાક્ષાત્ અનુભવને જાણ્યા-ભોગવ્યા વિના, રાજકારણના વિતંડાવાદમાં ઊતર્યા સિવાય, તેને માણવામાં તેમને આનંદ થતો. આ અરસામાં રોમન કૅથલિક ધર્મ વિશે તેમને જાણકારી થઈ. યુનિવર્સિટી ઑવ્ ફ્રીબર્ગમાં હસ્સેર્લ તેમને લઈ ગયા. 1916માં સ્ટેને તત્વજ્ઞાનના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. હવે તે જ યુનિવર્સિટીમાં તેઓ હસ્સેર્લના મદદનીશ તરીકે નિમાયાં.
એડિથ સ્ટેન
1921માં સ્ટેન બ્રેસ્લૉમાં રજાઓ ગાળવા ગયાં ત્યાં સેંટ ટેરેસા ઑવ્ એવિલાની આત્મકથાના વાચનની તેમના પર ઊંડી અસર થઈ. 1 જાન્યુઆરી 1922ના રોજ તેઓ કૅથલિક પંથનાં દીક્ષિત થયાં. ફ્રીબર્ગ યુનિવર્સિટીમાંથી સ્વેચ્છાએ છૂટાં થયાં. સ્પેયરની કન્યાશાળામાં અધ્યાપન કરવાનું શરૂ કર્યું. અહીં સેંટ ટૉમસ ઍક્વિનસના ‘દ વેરિટેટ’-(‘ઑન ટ્રૂથ’)નો અનુવાદ કર્યો.
1932માં મુંસ્ટરમાં એક શિક્ષણસંસ્થામાં વ્યાખ્યાતા થયાં; જોકે નાઝીઓના કાયદા અનુસાર બીજા જ વર્ષે તેમને રાજીનામું આપવાની ફરજ પડેલી. 1934માં કોલૉનની કાર્મેલાઇટ સંસ્થામાં ‘ટેરેસા બેનિડિક્ટા ઑવ્ ધ ક્રૉસ’નું નામ ધારણ કરી ધાર્મિક પ્રવૃત્તિ શરૂ કરી. અહીં તેમણે ‘એન્ડલિચીઝ ઍન્ડ ઇવા ઇઝીસ સેઇન’ (‘ફાઇનાઇટ ઍન્ડ ઇટરનલ બીઇંગ’) લખ્યું. તેમાં ઍક્વિનસ અને હસ્સેર્લના તત્વચિંતનનો સમન્વય કરવાનો પ્રયત્ન કર્યો. નાઝીઓની ધમકીથી તેમની બદલી કાર્મેલાઇટ કૉન્વેન્ટ ખાતે નેધરલૅન્ડમાં કરવામાં આવી. અહીં તેમણે ‘સ્ટડી યુ’બેર જૉન્નેસ અ કુસ : ‘ક્રૂઝેસ્વિઝેનશેફ્ટ’ લખ્યું. (મરણોત્તર પ્રકાશન : 1950, ‘ધ સાયન્સ ઑવ્ ધ ક્રૉસ’, 1960) ‘સેંટ જૉન ઑવ્ ધ ક્રૉસ’ અભૂતપૂર્વ ગ્રંથ છે.
તમામ નૉન-આર્યન કૅથલિકની ધરપકડ કરવા માટેના હિટલરના હુકમને લીધે, તેમની બહેન રોઝાની સાથે સ્ટેનને પણ ગૅસ્ટાપોએ પકડી લીધાં. ઑશ્યવિટ્ઝના કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં બંનેને લઈ જવામાં આવ્યાં. આ કૅમ્પમાંથી જે કોઈ બચી ગયાં તેમની વાત પરથી એમ જાણવા મળ્યું છે કે બંને બહેનો તે ભયાનક યાતના-કૅમ્પમાં પણ સૌને માટે કરુણાની લાગણી ધરાવતી દેવીઓ હતી. બંનેનાં મૃત્યુ ગૅસચેમ્બરમાં થયાં હતાં.
અમેરિકામાં ‘ધી એડિથ સ્ટેન ગિલ્ડ’ની સ્થાપના 1955માં થઈ. તેમનાં પુસ્તકોની જાળવણી માટે ‘આર્ચિવસ કાર્લેલિટેનમ એડિથ સ્ટેન’ની સ્થાપના લૂવેન, બેલ્જિયમમાં કરવામાં આવી હતી. 4 જાન્યુઆરી, 1962માં જૉસેફ કાર્ડિનલ ફ્રિંગ્ઝે તેમની ધન્યઘોષણા (beatification) માટેની વિધિ કરેલી. હિલ્ડા સી. ગ્રાફે ‘ધ સ્કૉલર ઍન્ડ ધ ક્રૉસ’ નામની જીવનકથા એડિથ સ્ટેનના જીવનને લક્ષમાં રાખી 1955માં પ્રસિદ્ધ કરી હતી.
વિ. પ્ર. ત્રિવેદી