સ્ટૅધૅમ, બ્રિયાન (જ. 17 જૂન 1930, ગૉર્ટન મૅન્ચૅસ્ટર, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. 1950ના દાયકામાં તેઓ ઇંગ્લૅન્ડ માટે ખૂબ ચોકસાઈપૂર્વકના ઝડપી ગોલંદાજ બની રહ્યા તેમજ ફ્રેન્ક ટાયસન તથા ફ્રેડ ટ્રુમૅન સાથે તેમની અતિખ્યાત ભાગીદારી બની રહી.

અમુક ભાગની સીઝનમાં એક વખત તેમણે લૅન્કેશાયર માટે 37 વિકેટ ઝડપી હતી. તે પછી 1950–51માં ઇંગ્લૅન્ડના ઑસ્ટ્રેલિયા-પ્રવાસમાં તેમને ફેરબદલીમાં કસોટી ખાતર લવાયા હતા અને ન્યૂઝીલૅન્ડ સામે તેઓ સૌપ્રથમ વાર રમ્યા. ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે 1960માં તેમનો સૌથી ઉત્તમ ટેસ્ટ-શ્રેણી-આંક 18.18ની સરેરાશથી 27 વિકેટનો હતો અને 13 ઇંગ્લિશ સીઝનમાં તેમણે 21.63 અથવા એથીય સારી સરેરાશથી 100 ઉપરાંત વિકેટો ઝડપી હતી. 1958માં 12.29ની નીચી સરેરાશથી 134 વિકેટો ખેરવી હતી. 1963માં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટનો વિક્રમ તેઓ 2 મહિના પૂરતો જાળવી શક્યા. તે પછી ટ્રુમૅન તેમને પાર કરી ગયા.

1966માં તેમને કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ અપાયો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 70 ટેસ્ટ 1951–1965; 11.44ની સરેરાશથી 675 રન; સૌથી વધુ જુમલો 38; 24.84ની સરેરાશથી 252 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 7–39; 28 કૅચ. (2) પ્રથમ કક્ષાની મૅચ 1950–1968; 10.80ની સરેરાશથી 5,424 રન; સૌથી વધુ જુમલો 62; 16.36ની સરેરાશથી 2,260 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 8–34; 230 કૅચ.

મહેશ ચોકસી