સ્ટેન્લી હેન્રી મોર્ટન (સર)

January, 2009

સ્ટેન્લી, હેન્રી મોર્ટન (સર) (Stanley, Sir Henry Morton) (. 28 જાન્યુઆરી 1841, ડેનબીગશાયર, વેલ્સ; . 10 મે 1904, લંડન) : મધ્ય આફ્રિકાના અંધાર ખંડનો છેલ્લો મહાન શોધ-સફરી. જન્મનામ જૉન રોલેન્ડ્સ. અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં તેને દોરનાર, હાથ પકડનાર સજ્જને પુત્ર ગણીને પોતાનું નામ આપ્યું ત્યારથી ‘સ્ટેન્લી, હેન્રી મોર્ટન’ તરીકે ઓળખાયો. કૉંગો પ્રદેશમાં તેને ‘બુલા માતારી’ નામ મળેલું.

હેન્રી મોર્ટન સ્ટેન્લી (સર)

જન્મ પછી થોડાં અઠવાડિયાંમાં પિતા અને પછી તુરત માતાનું મૃત્યુ થતાં સ્ટેન્લી (જૉન રોલેન્ડ્સ) નિરાધાર બની ગયો અને છ વર્ષની ઉંમરે નજીકમાં જ સંત અસફની ધર્મશાળામાં તેને મૂક્યો. આમ તેનો ઉછેર અનાથાશ્રમ અને ધર્માદા તાલીમશાળામાં થયો; પણ અંતે અહીંની તનતોડ મજૂરી, બેરહમ મારઝૂડથી કંટાળીને શિક્ષક જેમ્સ ફ્રાન્સિસને મારીને ભાગ્યો અને વતનને ગામ ડેનબાય પહોંચ્યો. કારમી ગરીબાઈમાં રઝળતો લિવરપૂલ પહોંચ્યો જ્યાંથી ‘વિન્ડરમીયર’ સ્ટીમરમાં કૅબિનબૉય તરીકે મહિને પાંચ ડૉલરની નોકરી સ્વીકારી. 53 દિવસે અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સ પહોંચ્યો. અહીંના મુક્ત વાતાવરણે તે આગળ વધ્યો. અહીં જ તેને નવું નામ મળ્યું અને નવજન્મ થયો (ઈ. સ. 1859).

તેના અમેરિકા-નિવાસ દરમિયાન ત્યાં ઉત્તર-દક્ષિણ વચ્ચે આંતરવિગ્રહ (ઈ. સ. 1861–1865) શરૂ થયો; જેમાં સ્ટેન્લી પ્રથમ દક્ષિણના સૈન્યમાં અને યુદ્ધકેદી બન્યા પછી ઉત્તર સાથે જોડાયો. અંતે છૂટો કરાતાં અખબારનો ખબરપત્રી બન્યો. તેના ઉક્ત કાર્ય પ્રત્યે ‘ન્યૂયૉર્ક હેરલ્ડ’ના માલિક જેમ્સ ગોર્ડન બેનેટનું ધ્યાન દોરાયું અને સ્ટેન્લીને સ્પેનથી પારિ(સ) આવીને મળવા બોલાવ્યો (ઈ. સ. 1869). અહીં તેને જે મિશન સોંપાયું ત્યારથી સ્ટેન્લીની ખરી કારકિર્દી શરૂ થઈ. મધ્ય આફ્રિકાના અંધાર-ખંડમાં ઈ. સ. 1866 પછી ગુમ થયેલા સ્કૉટિશ મિશનરી ડેવિડ લિવિંગ્સ્ટનને શોધી લાવવાનું કામ સ્ટેન્લીને સોંપાયું. સ્ટેન્લીની શોધસફર ઝાંઝીબારથી શરૂ થઈ (ઈ. સ. 1871). 31 સશસ્ત્ર દેશીઓ અને 153 મજૂરો સાથે ટાંગાનિકાનાં અડાબીડ જંગલને વીંધીને સ્ટેન્લી 236 દિવસે (આઠ મહિને) ટાંગાનિકા સરોવરકાંઠે ઉજિજી સ્થળે પહોંચ્યો (ઈ. સ. 10 નવેમ્બર, 1871), જ્યાં તેને ડેવિડ લિવિંગ્સ્ટનનો ભેટો થયો. બંને ચાર મહિના સાથે ચાલ્યા, પણ લિવિંગ્સ્ટન પાછો સ્વદેશ ન આવ્યો. સ્ટેન્લી સ્વદેશ આવ્યો, પણ તેને મિશ્ર આવકાર મળ્યો. સ્ટેન્લીની શોધને માનવા ઘણા તો તૈયાર ન થયા. મહારાણી વિક્ટોરિયાએ તેને અભિનંદન સાથે હીરાજડિત તપખીરની દાબડી ભેટ આપી.

ઉપર્યુક્ત શોધસફર પછી સ્ટેન્લીનું શેષ જીવન આફ્રિકા સાથે જ જોડાયેલું રહ્યું. ઍંગ્લો-અમેરિકન શોધક ટુકડીના નેતા તરીકે વળી પાછો તે નાઇલ-પ્રદેશ અને કૉંગો તટપ્રદેશની શોધસફરે ઊપડ્યો (ઈ. સ. 1874). તેણે નાઇલના ઉદગમ-સ્થાન એવા વિક્ટોરિયા સરોવરની પ્રદક્ષિણા કરી. ટાંગાનિકા સરોવરની મોજણી કરી અને કાગો નદીના પ્રવાહપટની શોધખોળમાં બે વર્ષે તેના મુખ પાસે પહોંચ્યો (15 ઑગસ્ટ, 1879). તેણે આશરે 4,506 કિમી. જેટલો પ્રવાસ ખેડ્યો અને 3,886,010.3 ચોકિમી.ના વિસ્તારવાળા કૉંગોના પ્રદેશને જગતના નકશા ઉપર સૌપ્રથમ મૂક્યો. ફરી પાછો બેલ્જિયમના લિયોપૉલ્ડની વિનંતીથી રબર અને હાથીદાંતના ઉક્ત પ્રદેશ કૉંગોમાં સ્ટેન્લીએ 5.5 વર્ષ ગાળ્યાં અને 22 જેટલાં સ્ટેશનો ઊભાં કર્યાં. ત્યાં રસ્તા બાંધ્યા. નદીપ્રવાહને નડતર ખડકો જાતે જ હથોડાથી તોડ્યા તેથી દેશીઓ તેને ‘બુલા માતારી’ કહેતા. પૂર્વથી પશ્ચિમ સુધીનો સમગ્ર આફ્રિકા ખંડ પાર કરનાર સ્ટેન્લી પ્રથમ હતો. ફરી વાર દક્ષિણ સુદાનમાં ફસાયેલા જર્મન લેફ્ટનન્ટને પણ તે લઈ આવેલો. સ્ટેન્લીએ ત્રણ પુસ્તકો લખેલાં – ‘હાઉ આઇ ફાઉન્ડ વિલિંગ્સ્ટન’, ‘થ્રૂ ધ ડાર્ક કૉન્ટિનેન્ટ’ અને ‘ધ કૉંગો ઍન્ડ ધ ફાઉન્ડિંગ ઑવ્ ધ ફ્રી સ્ટેટ’.

સ્ટેન્લી હેન્રી મોર્ટને 49 વર્ષની ઉંમરે 36 વર્ષની ડોરોથી ટેનન સાથે લગ્ન કરેલાં (ઈ. સ. 1890). પાંચ વર્ષ તે પાર્લમેન્ટનો સભ્ય પણ રહેલો ને તેને ‘નાઇટહૂડ’નો ખિતાબ પણ મળેલો. તેનું અવસાન લંડનમાં થયું હતું. સરેના પરબ્રાઇટમાં તેને દફનાવેલો.

મોહન વ. મેઘાણી