સ્ટૅન્ફીલ્ડ ક્લાર્કસન

January, 2009

સ્ટૅન્ફીલ્ડ, ક્લાર્કસન (Stanfield, Clarkson) (. 1793, બ્રિટન; . 1867, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ નિસર્ગ-ચિત્રકાર. મધદરિયે ડૂબતાં વહાણોનાં આલેખનો માટે તેઓ જાણીતા છે. યુવાનીમાં તેઓ ખલાસી હતા, તેથી સમુદ્રનો અને ડૂબતી નૌકાઓનો તેમને જાત-અનુભવ હતો; જેનો તેમણે મૌલિક ચિત્રોમાં સર્જનાત્મક ઉપયોગ કર્યો છે.

સ્ટૅન્ફીલ્ડનું એક નિસર્ગચિત્ર : ‘વ્યૂ ઑન ધ શેલ્ટ’

દરિયાઈ વાવાઝોડામાં અને ઊંચાં ઊછળતાં મોજાંઓ વચ્ચે ગોથાં ખાતી નૌકાના તેમના ચિત્ર ‘ધી એબૅન્ડન્ડ’(The abandoned)માં ઉપર ધોધમાર વરસતાં વાદળાં નજરે પડે છે; પણ નૌકામાં કોઈ માનવી નજરે પડતો નથી. ભેંકાર અને કરુણ વાતાવરણ ખડું કરવામાં સક્ષમ આ ચિત્ર તેમનું માસ્ટરપીસ ગણાયું છે. બ્રિટિશ કલાવિવેચક અને લેખક જૉન રસ્કિન તેમના ખાસ પ્રશંસક હતા.

અમિતાભ મડિયા