સ્ટેટ મ્યુઝિયમ, લખનૌ (સ્થાપના 1863) : માનવવિદ્યાવિષયક મ્યુઝિયમ. આ મ્યુઝિયમની સ્થાપના પ્રારંભમાં મ્યુનિસિપલ મ્યુઝિયમ તરીકે થયેલી. ત્યારે તેમાં પુરાતત્વ અને પ્રાકૃતિક ઇતિહાસના વિભાગ હતા. પછી પ્રાંતના જુદા જુદા ભાગમાંથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ દ્વારા 1883માં તે પ્રાદેશિક મ્યુઝિયમ બન્યું.
સ્ટેટ મ્યુઝિયમ, લખનૌમાં સ્તૂપ
1911માં તેને 4 મુખ્ય વિભાગોમાં પુનર્વ્યવસ્થિત કરવામાં આવ્યું : પુરાતત્વ, પ્રાકૃતિક ઇતિહાસ, ચિત્રો અને નૃવંશવિદ્યા જેવા વિભાગોમાં. હાલ આ મ્યુઝિયમ કૈસરબાગમાં આવેલું છે. તેમાં એક તરફ પ્રાચીન અને મધ્યકાલીન હિંદુ શિલ્પકૃતિઓ અને બીજી તરફ બૌદ્ધ અને જૈન શિલ્પકૃતિઓ ગોઠવવામાં આવી છે. તે ઉપરાંત ઇતિહાસ, નૃવંશવિદ્યા, ચિત્રો, હસ્તપ્રતો અને વિવિધ સિક્કાઓનો સંગ્રહ નોંધપાત્ર છે. સિક્કાઓમાં ગુપ્ત સમ્રાટો, દિલ્હીના સુલતાનો અને મુઘલ બાદશાહોના કાળના સંખ્યાબંધ સિક્કાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લખનૌમાં જાહેર બાંધકામ ખાતાની કામગીરીને લગતું મ્યુઝિયમ છે. તેમાં મકાન, માર્ગ અને પુલોના મૉડલ તથા ફોટોગ્રાફ દર્શાવ્યાં છે. લશ્કરને લગતા એક મ્યુઝિયમમાં લશ્કરની 3 પાંખોનાં પ્રાચીન યુનિફૉર્મ, હથિયારો અને શસ્ત્રસરંજામ, તેના ફોટા અને આલબમોનો સંગ્રહ ઉલ્લેખનીય છે. વળી ત્યાં જેલને લગતું મ્યુઝિયમ છે. તેમાં જેલોને લગતાં મૉડલ, જુદા જુદા પ્રકારની બેડીઓ, ફાંસીનું મૉડલ, ફોટાઓ ઉપરાંત જેલજીવનની તાલીમ અંગેનાં વિવિધ પાસાં દર્શાવવામાં આવ્યાં છે.
બળદેવભાઈ કનીજિયા