સ્ટેઇનબર્જર, જૅક (જ. 25 મે 1921, બેડ કિસ્સિન્જન, જર્મની; અ. 12 ડિસેમ્બર 2020 જિનીવા) : 1988માં ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના લીઓન એમ લેન્ડરમાન અને મૅલ્વિન શ્વાટર્ઝ સાથે ન્યૂટ્રિનોને લગતાં સંશોધન માટેના સહવિજેતા અમેરિકન ભૌતિક વિજ્ઞાની. આ સંશોધનના લીધે દ્રવ્યની સૌથી ઊંડી સંરચના અને તેના ગતિવિજ્ઞાન પર સંશોધન કરવા નવી તકો ઊભી થઈ.
1960ના દાયકાની શરૂઆતમાં સ્ટેઇનબર્જરે તેમના કોલંબિયા યુનિવર્સિટી, યુ.એસ.ના સહકાર્યકરો સાથે કણભૌતિક વિજ્ઞાનમાં એક સીમાચિહ્નરૂપ પ્રયોગ કર્યો. તેમાં તેમણે બ્રુકહાવેન (Brookhaven) નૅશનલ લૅબોરેટરી, એન. વાય.માં આવેલા કણપ્રવેગકનો ઉપયોગ કરેલો. આ ત્રણ સંશોધકોએ સૌપ્રથમ પ્રયોગશાળામાં ન્યૂટ્રિનોનો પ્રવાહ મેળવ્યો. ન્યૂટ્રિનો અવપરમાણુ કણો છે. તેમના પર વિદ્યુતભાર નથી. તેમને દ્રવ્યમાન નથી તેમ મનાતું હતું; પરંતુ તેમને અશૂન્ય દ્રવ્યમાન છે તેમ જણાયેલ છે. તેમણે નવા પ્રકારના ન્યૂટ્રિનોની શોધ કરી. તેનું નામ મ્યુઓન-ન્યૂટ્રિનો છે. આમ આ સંશોધન મુજબ ઓછામાં ઓછા બે પ્રકારના ન્યૂટ્રિનો છે : એક, ઇલેક્ટ્રૉન-ન્યૂટ્રિનો કહેવાય છે અને બીજા મ્યુઓન-ન્યૂટ્રિનો. અલબત્ત, હવે તો ટાઉ-ન્યૂટ્રિનો અને સ્ટરાઇલ-ન્યૂટ્રિનો પણ શોધાયા છે.
ઉપર્યુક્ત ત્રણ નોબેલ પારિતોષિક-વિજેતા સંશોધકોએ ઉચ્ચ ઊર્જાવાળી ન્યૂટ્રિનોશલાકા ઉત્પન્ન કરી. તે અવપરમાણુ કણો અને ન્યૂક્લિયર બળોના અભ્યાસમાં મૂળભૂત સંશોધન-સાધન પુરવાર થઈ. ખાસ કરીને આ શલાકાઓની મદદથી મંદ ન્યૂક્લિયર બળ એટલે કે મંદ ન્યૂક્લિયર આંતરક્રિયા સંકળાયેલ હોય તેવી કિરણોત્સર્ગી ક્ષય-પ્રક્રિયાનો અભ્યાસ શક્ય બન્યો.
સ્ટેઇનબર્જર 1934માં યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્થાયી થયા. તેમણે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 1942માં બી.એસ. થયા. ત્યાર બાદ 1948માં પીએચ.ડી. થયા. 1949–1950માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાં સંશોધન-સહાયક-રિસર્ચ આસિસ્ટંટ થયા. 1950–1971 દરમિયાન કોલંબિયા યુનિવર્સિટીમાં ભૌતિક વિજ્ઞાનના ‘હીગીન્સ પ્રોફેસર’ રહ્યા. 1968થી યુરોપિયન ઑર્ગેનાઇઝેશન ઑવ્ ન્યૂક્લિયર રિસર્ચ (CERN), જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડમાં ભૌતિક વિજ્ઞાની હતા.
વિહારી છાયા