સ્ટુઅર્ડ ફ્રેડરિક સી.
January, 2009
સ્ટુઅર્ડ, ફ્રેડરિક સી. (જ. 16 જૂન 1904, લંડન; અ. 1993) : વનસ્પતિશાસ્ત્રી અને કોષવિજ્ઞાની. પ્રા. જે. એચ. પ્રિસ્ટલીના માર્ગદર્શન હેઠળ 1924માં યુનિવર્સિટી ઑવ્ લીડ્ઝમાંથી વનસ્પતિશાસ્ત્ર વિષયમાં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. પ્રિસ્ટલી નૂતનમાર્ગી વિચારો ધરાવતા વિજ્ઞાની હતા અને તેમણે સ્ટુઅર્ડમાં વિચારસ્વાતંત્ર્યની ઊંડી ભાવના આરોપી હતી. સૌપ્રથમ 1924માં રૉકફેલર ફાઉન્ડેશનની ફેલોશિપ માટે કૉર્નેલ જવાનું થયું. ચાર વર્ષ પછી તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલે ગયા. તેમણે વિજ્ઞાનક્ષેત્રમાં આપેલા પ્રદાન માટે યુનિવર્સિટી ઑવ્ લંડન દ્વારા 1938માં ડી.એસસી.ની ઉપાધિ તેમને એનાયત કરવામાં આવી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં હવાઈ જહાજ ઉત્પાદનના ખાતામાં સેવા આપ્યા પછી યુનિવર્સિટી ઑવ્ શિકાગો અને યુનિવર્સિટી ઑવ્ રોચેસ્ટર ગયા. 1950માં છેવટે તે કૉર્નેલમાં સ્થાયી થયા.
1956માં તેમનાં સીમાચિહનરૂપ સંશોધનો પ્રકાશિત થયાં તેની બે વર્ષ પહેલાં ‘અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સ’માં અને એક વર્ષ પછી ‘રૉયલ સોસાયટી ઑવ્ લંડન’માં ચૂંટાયા હતા.
તેમના 100થી વધારે લેખો પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સામયિકોમાં પ્રસિદ્ધ થયા હતા. તેમણે કેટલાંક પુસ્તકો પણ લખ્યાં અને ‘Plant Physiology : A Treatise’(એકૅડેમિક પ્રેસ 1959–1991)ના 10 ખંડ અને 15 પુસ્તકોના સંપાદક અને લેખક હતા.
તેઓ અર્વાચીન વનસ્પતિદેહધર્મવિદ્યાના વિકાસમાં અગ્રણી વિજ્ઞાની અને કૉર્નેલ યુનિવર્સિટીના જીવવિજ્ઞાનના સન્માનનીય (emeritus) પ્રાધ્યાપક હતા. તેમણે 1958માં પ્રસ્થાપિત કર્યું કે એક જ કોષમાંથી નવી વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય છે; જે તેમનું સૌથી મહત્વનું પ્રદાન ગણવામાં આવે છે.
તેમણે વનસ્પતિઓના પુનર્જનન(regeneration)ના વૈજ્ઞાનિક જ્ઞાનને નવો ઓપ આપ્યો. તેમના આ પ્રદાને પ્રથમ વાર વનસ્પતિ-કોષવિજ્ઞાનમાં ક્રાંતિ સર્જી અને સ્થાપિત કર્યું કે સંકરના પ્રસર્જન અને વિકૃતિ (mutation) માટે વનસ્પતિના કટકાઓ કે પ્રરોહોની હવે આવશ્યકતા નથી.
તેમણે સાબિત કર્યું કે પ્રત્યેક વ્યક્તિગત કોષ સમગ્ર વનસ્પતિનું નિયમન કરવાની બધી જ આવશ્યક માહિતી ધરાવે છે. તેમનું આ સંશોધન વનસ્પતિ-આણ્વિક જીવવિજ્ઞાનના સમગ્ર ક્ષેત્રનું આધાર બન્યું. રૂઢિગત પ્રસર્જન, સંકરણ કે વિકૃતિની પ્રક્રિયાઓ ઘણી લાંબી અને અડચણરૂપ હતી; તેને બદલે સ્ટુઅર્ડના સંશોધનથી તે પ્રયોગશાળામાં ઝડપી અને સરળ બની.
સ્ટુઅર્ડ પોતાને ‘એફ.સી.’ અથવા ‘કૅમ્પ’ (campion) તરીકે ઓળખાવવાનું પસંદ કરતા. તે કૉર્નેલ વ્યાખ્યાનગૃહ, વર્ગો કે પ્રયોગશાળાઓ દ્વારા જીવવિજ્ઞાનીઓની નવી પેઢી માટે પ્રેરણાસ્રોત બન્યા. 1973માં તે નિવૃત્ત થયા ત્યાં સુધી તેમણે વૈજ્ઞાનિક સંશોધનના અતિવિશિષ્ટીકરણ (overspecialization) અને વિખંડન(frag-mentation)ની ટીકા કરી. તેમનાં પ્રગત (advanced) વનસ્પતિદેહધર્મવિદ્યા વિશેનાં વ્યાખ્યાનો વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પ્રેરક અને અત્યંત મૂલ્યવાન હતાં. તેમની વક્તૃત્વશક્તિ અનોખી અને મંત્રમુગ્ધ કરનારી હતી. તેમનો વર્ગ દુનિયાભરમાંથી આવતા વિજ્ઞાનીઓ માટે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનકેન્દ્ર બની રહ્યો. વનસ્પતિ-પુનર્જનન ઉપરાંત કેટલાંક અન્ય ક્ષેત્રોમાં પણ તેમણે મહત્વનું પ્રદાન કર્યું હતું.
તેમણે મૂળ અને વનસ્પતિ પેશીઓ દ્વારા થતા પોષકોના સંચયન (accumulation) વિશે અગ્રણી સંશોધન કર્યું હતું અને વનસ્પતિની પોષક સમતુલા (nutritive equilibrium) જાળવવામાં ચયાપચય(metabolism)ની પ્રક્રિયાઓનું મહત્ત્વ સિદ્ધ કર્યું હતું. તેમણે વનસ્પતિઓમાં પ્રોટીનસંશ્લેષણ કેવી રીતે થાય છે તેની સમજૂતી માટેના અને કોષવિભાજન દ્વારા થતી પેશીની વૃદ્ધિમાં અંત:સ્રાવી (hormonal) નિયમન વિશે સંશોધનો કર્યાં હતાં.
બૉટેનિકલ સોસાયટી દ્વારા 1961માં સ્ટુઅર્ડને ‘અમેરિકન મેરિટ ઍવૉર્ડ’ પ્રાપ્ત થયો. ત્રણ વર્ષ પછી ‘કોષવિભેદન અને વિશિષ્ટ કોષવૃદ્ધિનાં પરિબળો’ના જ્ઞાનમાં આપેલા પ્રદાન બદલ ‘અમેરિકન સોસાયટી ઑવ્ પ્લાન્ટ ફિઝિયૉલોજિસ્ટ્સ’ દ્વારા તેમને ‘સ્ટિફન હૉલ્સ પ્રાઇઝ’ એનાયત થયું.
કૉર્નેલમાં પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી તેઓ ફેલો તરીકે હતા ત્યારે એનીને મળ્યા હતા. તેઓ બંને લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. એફ. ગોર્ડોન તેમના એકમાત્ર પુત્ર હતા; જેમને બે સંતાનો હતાં. પત્ની એનીને લીધે તે લાંબું જીવી શક્યા હતા. છેલ્લાં કેટલાંક વર્ષ તેમનું સ્વાસ્થ્ય લથડ્યું હતું અને 89 વર્ષની ઉંમરે ટસ્કાલૂસામાં ઘેર તેમનું નિધન થયું હતું.
બળદેવભાઈ પટેલ