સ્ટીવન્સન, જ્યૉર્જ (જ. 9 જૂન 1781, વિલામ, નોર્થમ્બરલૅન્ડ, ઇંગ્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1848, ચેસ્ટરફિલ્ડ, ડર્બિશાયર) : અંગ્રેજ એન્જિનિયર અને રેલવે-લોકોમોટિવનો શોધક.
જ્યૉર્જ સ્ટીવન્સન
તેના પિતા મિકૅનિક હતા. જ્યૉર્જ કિશોરવયથી કોલસાની ખાણમાં મજૂરી કરવા જતો. તે સાથે 18 વર્ષની ઉંમરે રાત્રિશાળામાં લખતાં-વાંચતાં શીખ્યો. તેણે 1814માં ખાણમાંથી કોલસો ખેંચી કાઢવાનું એંજિન બનાવ્યું અને 1815માં તેણે વરાળના ધક્કાથી ચાલતું રેલવેનું એંજિન બનાવ્યું. 1825માં તેણે બનાવેલ રેલવે એંજિનનો સૌપ્રથમ ઉપયોગ લિવરપૂલમાં માન્ચેસ્ટર રેલવે પર થયો. સર હમ્ફ્રી ડેવીની જેમ તેણે 1815માં ખાણિયાઓ માટેનો અભય દીવો (‘સેફ્ટી લૅમ્પ’) પણ બનાવ્યો હતો. તે રેલવે તથા રસ્તાઓનો એન્જિનિયર બન્યો. ઇંગ્લૅન્ડ તથા બીજા દેશોમાં રેલવે, રસ્તા અને પુલો બાંધવા વાસ્તે તેની સલાહ લેવામાં આવતી હતી.
નગીન મોદી
મુગટલાલ પોપટલાલ બાવીસી