સ્ટીવન્સન રૉબર્ટ લૂઈ (બેલ્ફોર)

January, 2009

સ્ટીવન્સન, રૉબર્ટ લૂઈ (બેલ્ફોર) (. 13 નવેમ્બર 1850, ઍડિનબર્ગ; . 3 ડિસેમ્બર 1894, વૈલિમા, સામોઆ) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નવલકથાકાર, કાલ્પનિક કથાના રચયિતા, સાહસ અને પ્રવાસકથાના લેખક. ‘ટ્રેઝર આઇલૅન્ડ’, ‘કિડનેપ્ડ’, ‘સ્ટ્રેન્જ કેસ ઑવ્ ડૉ. જેકીલ ઍન્ડ મિસ્ટર હાઇડ’ તથા ‘ધ માસ્ટર ઑવ્ બેલેન્ટ્રી’ જેવી નવલકથાઓથી જગતસાહિત્યમાં તેઓ જાણીતા થયેલા.

પિતા ટૉમસ સ્ટીવન્સન સિવિલ ઇજનેર હતા. રૉબર્ટ એકના એક પુત્ર હતા. માતા માર્ગારેટ ઇઝાબેલા હતાં. ઍડિનબર્ગ અકાદમી અને અન્ય શાળાઓમાં તેમણે અભ્યાસ કરેલો. રૉબર્ટ ઇજનેર થાય તેવી પિતાની અપેક્ષા હતી. જોકે પછી વકીલ બનવા માટે તેમણે અભ્યાસ આદર્યો.

રૉબર્ટ લૂઈ સ્ટીવન્સન (બેલ્ફોર)

‘ધ પેન્ટલૅન્ડ રાઇઝિંગ’ તેમનું પ્રથમ લખાણ છે. તેમાં ધર્મવિષયક સ્વતંત્ર વિચારો વ્યક્ત થયા છે. 1873માં પિતા સાથે તીવ્ર વૈચારિક મતભેદ ઊભો થયો. ઇંગ્લૅન્ડમાં સિડની કોલ્વિન, ફેની સિટવેલના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા. તે સમય દરમિયાન શ્વાસની તકલીફ થતાં ફ્રેન્ચ રિવિયેરામાં હવાફેર માટે ગયા. 1875માં સ્કૉટલૅન્ડમાં બૅરિસ્ટર થયા. જોકે તેમણે કદી વકીલાત ન કરી. ‘ઍન ઇંગ્લૅન્ડ વૉયેજ’ (1878) અને ‘ટ્રાવેલ્સ વિથ અ ડૉન્કી ઇન ધ સેવેન્નેસ’ (1879) પ્રવાસવર્ણનો છે. ‘રોડ્ઝ’ (1873) અને ‘ઑર્ડર્ડ સાઉથ’ નિબંધો સામયિકોમાં પ્રસિદ્ધ થયા. વિશાળ વાચકવર્ગને તે પસંદ પડેલા. વિવેચક અને ચરિત્રલેખક લેસલી સ્ટીફનને સ્ટીવન્સનનું લખાણ ગમેલું. ‘ધી ઍમેચ્યૉર ઇમિગ્રન્ટ’ (1895) અને ‘ઍક્રૉસ ધ પ્લેન્સ’ (1892) પ્રવાસવર્ણનો છે. અમેરિકન સન્નારી અને પ્રથમ લગ્નવિચ્છેદવાળાં ફેની ઑસ્બૉર્ન સાથે રૉબર્ટ લગ્નગ્રંથિથી જોડાયા ત્યારે તેમની તબિયત અને આર્થિક સ્થિતિ બંને નબળાં હતાં. જોકે પિતાએ તેમને આર્થિક ટેકો આપેલો. ‘ધ સિલ્વેરાડો સ્ક્વૉટર્સ’(1883)માં આ સમયનું બયાન છે.

રૉબર્ટને ક્ષયરોગનું નિદાન થતાં દાક્તરી સલાહ મુજબ તેઓ સ્વિટ્ઝર્લૅન્ડમાં દેવોસ નામના સ્થળે ગયેલા. પછી સ્કૉટલૅન્ડ પરત આવેલા. ‘યન્ગ ફૉક્સ’ નામના સામયિકમાં (1881માં ‘ધ સી-કૂક’ નામે ‘ટ્રેઝર આયલૅન્ડ’નું સર્જન થયું. ‘પ્રિન્સ ઑટો’ (1885) આવી જ સાહસકથા છે.

‘વર્જિનિબસ પ્યૂરિસ્ક’ (1881) ‘કૉર્નહિલ’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલ કેટલાક નિબંધોનો સંગ્રહ છે. ‘થ્રોન જેનેટ’ અને ‘ધ મેરી જૉન’ ખૂબ જાણીતી ટૂંકી વાર્તાઓ છે. ‘ધ બ્લૅક ઍરો : અ ટેલ ઑવ્ ધ ટૂ રોઝીસ’ (1888) ઐતિહાસિક સાહસકથા છે. રૉબર્ટની તબિયત મોટે ભાગે સારી નહોતી રહેતી. વળી દક્ષિણ ઇંગ્લૅન્ડની હવા તેમને માફક નહોતી આવતી. ‘અ ચાઇલ્ડ્ઝ ગાર્ડન’ (1885) કાવ્યસંગ્રહમાં બાળપણનાં સંભારણાં છે. ‘કિડનેપ્ડ’ (1886–1893) ઐતિહાસિક નવલકથા છે. કૉલિન કૅમ્પબેલનું ખૂન નવલકથાની મુખ્ય ઘટના છે.

સ્વાસ્થ્યની શોધમાં 1887માં રૉબર્ટ ન્યૂયૉર્ક આવે છે અને પ્રકાશકોની અમીદૃષ્ટિથી પોતાનાં પુસ્તકો પ્રસિદ્ધ કરે છે. ‘ધ માસ્ટર ઑવ્ બેલેન્ટ્રી’ (1889) બે ભાઈઓના વૈમનસ્યની કથા છે. 1888માં સ્ટીવન્સન પોતાના પરિવાર સાથે સાનફ્રાન્સિસ્કોથી ‘કોસ્કો’ નામની સઢવાળી ક્રીડાનૌકામાં ફરવા નીકળે છે. સાઉથ સીઝમાં ફાકારવા આતોલ, તાહિતી, હોનોલુલુ, જિબ્રાલ્ટર આયર્લૅન્ડ્ઝ અને સામોઆમાં સમય વ્યતીત કરે છે. સ્થાનિક દૃશ્ય અને લોકોના ચિત્તવ્યાપારને અભિવ્યક્ત કરતાં ‘ઇન ધ સાઉથ સીઝ’(1896)નું લખાણ પ્રસિદ્ધ કરે છે. છેવટે સામોઆની હવા માફક આવતાં સ્થિર થઈને ત્યાં રહે છે. જોકે મગજના લકવાને લીધે 44 વર્ષની યુવાનવયે તેમનું સામોઆમાં અવસાન થાય છે. ‘કેટ્રિઓના’ [અમેરિકામાં ‘બેલ્ફૉર’ (1893)] ‘કિડનેપ્ડ’ના અનુસંધાનમાં લખાયેલી નવલકથા છે. ‘ધી એબટાઇડ’ (1894) કલાપૂર્ણ નવલકથા છે. ‘વેર ઑવ્ હર્મિસ્ટન’ (1896) પર જીવનના છેલ્લા દિવસ સુધી સ્ટીવન્સને કામ ચાલુ રાખેલું. સ્ટીવન્સને લખેલા ગદ્યનો અને સંવાદનો તે ઉત્તમોત્તમ નમૂનો છે.

સ્ટીવન્સન ઉત્તમ પત્રલેખક હતા. સિડની કૉલ્વિને 1899માં આ પત્રોનું સંપાદન કર્યું છે. ફેની સિટવેલને લખેલા પત્રો 1949 પછી વાંચવાની રજા મળતાં, સ્ટીવન્સનની જિંદગીનાં કેટલાંક પાસાંઓ પર વેધક પ્રકાશ પડેલ છે. તેમણે માનવસ્વભાવનું તાદૃશ નિરૂપણ કરતા નિબંધો અને સાહસથી ભરપૂર નવલકથાઓનું સર્જન કર્યું છે.

એડમન્ડ ગૉસે 20 ગ્રંથોમાં 1906–07માં સ્વેન્સ્ટન એડિસન દ્વારા સ્ટીવન્સનનાં લખાણ સંપૂર્ણ પ્રગટ કર્યાં છે. સિડની કૉલ્વિનના સંપાદનના મૂળ બે ગ્રંથોને ચાર ગ્રંથોમાં 1969માં પુન: પ્રગટ કરવામાં આવ્યા છે. ‘ધ લાઇફ ઑવ્ રૉબર્ટ લૂઈ સ્ટીવન્સન’ 1901માં ગ્રેહામ બેલ્ફૉરે પ્રગટ કરી છે. જોકે સ્ટીવન્સનનું પ્રમાણભૂત જીવનચરિત્ર જૉસેફ સી. ફરનેસે લખેલ ‘વૉયેજ ટુ વિન્ડવર્ડ : ધ લાઇફ ઑવ્ રૉબર્ટ લૂઈ સ્ટીવન્સન’ (1951, પુનર્મુદ્રણ 1980) છે. ડેવિડ ડેચિઝે ‘રૉબટ લૂઈ સ્ટીવન્સન’ (1946) પ્રગટ કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી

પંકજ જ. સોની