સ્ટીવન્સન, એડલાઈ એવિંગ (જ. 5 ફેબ્રુઆરી 1900, લૉસ એન્જલ્સ, કૅલિફૉર્નિયા; અ. 14 જુલાઈ 1965, લંડન) : અમેરિકાના જાણીતા રાજનીતિજ્ઞ અને ઉપપ્રમુખપદના ઉમેદવાર. 1952 અને 1956 – એમ બે વાર તેમણે અમેરિકાના ઉપપ્રમુખપદ માટે ઉમેદવારી કરી હતી; પરંતુ બંને વેળા તેઓ પરાજિત થયા હતા.

એડલાઈ એવિંગ સ્ટીવન્સન

મૂળે તેઓ કાયદાના સ્નાતક હતા. ઇલિનોઇસ રાજ્યમાં તેમના કુટુંબ દ્વારા ચાલતા સમાચારપત્રમાં તેમણે થોડો સમય કામ કર્યું હતું. તે પછી વિવિધ જાહેર હોદ્દા તેમણે સંભાળેલા. તેઓ સ્ટીવન્સન જુનિયર તરીકે જાણીતા હતા. સ્ટીવન્સન એડલાઈ એવિંગ સીનિયરના પૌત્ર હતા. 1948માં ડેમૉક્રૅટિક પક્ષ વતી ઇલિનોઇસ રાજ્યના ગવર્નર બન્યા હતા. ઘણાં રાજકીય સુધારાઓ દ્વારા તેમણે તેમની રાજકીય કારકિર્દીમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઈ. સ. 1952માં ડેમૉક્રૅટિક પક્ષ દ્વારા પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમનું નામ રજૂ થયું હતું. રાજકીય પ્રચારઝુંબેશ દરમિયાન તેઓ તેમના રમૂજી સ્વભાવ, વક્તૃત્વશક્તિ અને વ્યાખ્યાનોની ઊંચી સાહિત્યિક ગુણવત્તા માટે લોકપ્રિય હતા. 1961થી જીવનપર્યંત તેઓ અમેરિકાના યુનો ખાતેના પ્રતિનિધિ હતા. પ્રમુખ કેનેડીએ તેમની આ નિમણૂકને એલચી કક્ષાની નિમણૂક ગણાવીને તેમને મંત્રીમંડળના મંત્રીઓની સમકક્ષનું સ્થાન આપ્યું હતું.

‘કૉલ ટુ ગ્રેટનેસ’ (1954); ‘ફ્રેંડ્ઝ ઍન્ડ એનીમીઝ’ (1959); ‘પુટિંગ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’ (1960) તેમના ગ્રંથો છે.

રક્ષા મ. વ્યાસ