સ્ટાઇન, વિલિયમ હૉવર્ડ (Stein, William Howard) (. 25 જૂન 1911, ન્યૂયૉર્ક; . 2 ફેબ્રુઆરી 1980, ન્યૂયૉર્ક શહેર) : પ્રોટીનની આણ્વિક સંરચના અંગેના અભ્યાસ બદલ 1972ના વર્ષના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન જૈવરસાયણવિદ. 1938માં સ્ટાઇને કોલંબિયા કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ, ન્યૂયૉર્ક શહેરમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તે જ વર્ષે તેઓ ન્યૂયૉર્ક શહેરમાં રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ(હવે રૉકફેલર યુનિવર્સિટી)ના સ્ટાફમાં જોડાયા અને 1954માં પ્રાધ્યાપક તરીકે બઢતી પામ્યા. તેમનું સંશોધન પ્રોટીનમાંથી મળતા એમિનોઍસિડ અને પેપ્ટાઇડના વિશ્લેષણની પદ્ધતિઓ વિકસાવવા અને આ પદ્ધતિઓનો ઉપયોગ કરી રિબૉન્યુક્લિયેઝ નામના ઉત્સેચકની સંરચના નક્કી કરવા અંગેનું હતું. ઉત્સેચકનો સંપૂર્ણ ક્રમ (sequence) સૌપ્રથમ નક્કી કરી આપનાર સ્ટાઇન અને તેમના સહસંશોધકો હતા.

રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ખાતે 1949થી 1963ના સમયગાળામાં સ્ટાઇન અને તેમના સાથી મૂરે રિબૉન્યુક્લિયેઝ ઉત્સેચક ખોરાકના પાચનમાં ઉદ્દીપક તરીકે કેવી રીતે કાર્ય કરે છે તેનું રહસ્ય ઉકેલી આપ્યું. આ બંને જણાએ પ્રોટીનમાંથી પ્રાપ્ત થતા એમિનોઍસિડ અને પેપ્ટાઇડના વિશ્લેષણ માટે પોતે જે પદ્ધતિઓ વિકસાવી હતી તેનો ઉપયોગ રિબૉન્યુક્લિયેઝની સંરચના નક્કી કરવામાં કર્યો. આ રિબૉન્યુક્લિયેઝની શોધ એન્ફિન્સેને કરી હતી.

વિલિયમ હૉવર્ડ સ્ટાઇન

1968થી 1971 દરમિયાન સ્ટાઇન ‘જર્નલ ઑવ્ બાયૉલૉજિકલ કેમિસ્ટ્રી’ના તંત્રી રહ્યા હતા અને તે પણ 1969માં પોતે લકવાની અસર હેઠળ વ્હિલચૅરમાં જકડાયેલા હતા છતાં.

1972ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકનો અર્ધભાગ સ્ટાઇન અને મૂરને રિબૉન્યુક્લિયેઝ અણુની રાસાયણિક સંરચના અને તેના સક્રિય કેન્દ્રની ઉદ્દીપકીય સક્રિયતાની સમજૂતી આપવા બદલ એનાયત કરવામાં આવેલ. બાકીનો અર્ધભાગ એન્ફિન્સનને ફાળવવામાં આવેલ.

સ્ટાઇન અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝના સભ્ય હતા. 1960થી આ સંસ્થા નૅશનલ ઍકેડેમી ઑવ્ સાયન્સિઝ તરીકે ઓળખાય છે.

જ. પો. ત્રિવેદી

પ્રહલાદ બે. પટેલ