સ્ટર્મર બોરિસ વ્લાદામિરોવિચ

January, 2009

સ્ટર્મર, બોરિસ વ્લાદામિરોવિચ (. 27 જુલાઈ 1848; . 9 સપ્ટેમ્બર 1917, પેટ્રોગાદ, રશિયા) : રશિયાના રાજનીતિજ્ઞ અને વહીવટી અધિકારી. સેંટ પિટર્સબર્ગ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક બનીને પ્રારંભે તેઓ ઝારશાહીના ન્યાયવિભાગમાં જોડાયા. 1872થી 1892નાં વીસ વર્ષો સુધી મિનિસ્ટ્રી ઑવ્ ધ ઇમ્પીરિયલ કોર્ટમાં તેમણે કામ કર્યું. આ દરમિયાન 1883માં ઝાર એલૅક્ઝાંડર 3જાની તાજપોશીની તૈયારી કરી. 1890માં રશિયાની લોકલ સેલ્ફ ગવર્નમેન્ટના વડા તરીકે તેઓ ચૂંટાયા. 1894 અને 1896માં અનુક્રમે નોવગોરોડ અને યારોસ્લાવ્લ(Novgorod અને Yaroslavl)ના ગવર્નર નિયુક્ત થયા. તે શક્તિશાળી અને કાર્યક્ષમ વહીવટદાર તરીકે જાણીતા હતા. 1902માં તેમણે રશિયાની ઇન્ટર્નલ અફેર મિનિસ્ટ્રીના વિભાગીય વડા તરીકે કામ કર્યું. 1904માં રશિયાના શાહી મંત્રીમંડળમાં તેઓ જોડાયા જે મુખ્યત્વે જમણેરી નેતાઓનું જૂથ હતું.

બોરિસ વ્લાદામિરોવિચ સ્ટર્મર

આ અનુભવોથી રાજાશાહીનાં સર્વોચ્ચ વર્તુળોમાં તેમની વગ વધી હતી. ઝારના વોલ્ગાના પ્રવાસ દરમિયાન તેઓ રાજા સાથે જોડાયા હતા. તે પછી તેઓ મૉસ્કોના નગરપતિ (મેયર) નિમાયા.

પ્રથમ વિશ્વયુદ્ધનાં 1917–1918નાં વર્ષોમાં તેમણ સ્ટર્મરની જર્મન અટક બદલીને ‘પેનિન’ રાખવાની મંજૂરી માગેલી, પરંતુ રાજાએ પેનિન કુટુંબની સંમતિ વગર તેમની આ માંગ મંજૂર ના કરી. આ વિવાદ છતાં સ્ટર્મર 1916માં વડાપ્રધાન નિમાયા. તેમની પાસે ગૃહખાતાનો અને વિદેશખાતાનો હવાલો પણ હતો.

વહીવટી કાર્યક્ષમતા છતાં આ ગાળામાં તેમની સરકાર તમામ વર્તુળોમાં અપ્રિય નીવડી. બિનરશિયનોને સક્રિય લશ્કરમાં લેવાના તેમના નિર્ણયો વ્યાપક અણગમો અને શંકા પ્રેરનાર બની રહ્યા. તેમના શંકાસ્પદ વર્તનને કારણે તેમને હોદ્દા પરથી છૂટા કરવામાં આવ્યા. આથી તેમણે ડ્યૂમા(રશિયાની ધારાસભા)ની બેઠક માટે ઉમેદવારી કરી. આ સમયે રશિયામાં 1917ની ફેબ્રુઆરી ક્રાંતિનો આરંભ થઈ ચૂક્યો હતો. ક્રાંતિની કામચલાઉ સરકારે શંકાના આધારે તેમની ધરપકડ કરી. તે પછીના ટૂંકા ગાળામાં પીટર ઍન્ડ પૉલ ફૉટર્સ ખાતે તેમનું અવસાન થયું.

રક્ષા મ. વ્યાસ