સ્ટર્ન, લૉરેન્સ (જ. 24 નવેમ્બર 1713, ક્લોન્મેલ, કાઉન્ટી ટિપરેરી, આયર્લૅન્ડ; અ. 18 માર્ચ 1768, લંડન) : નવલકથાકાર અને પ્રવાસલેખક. એમના પિતા રૉજર સ્પેનિશ સક્સેસનની લડાઈઓમાં હયદળમાં નીચલી કક્ષાના એક સામાન્ય અધિકારી હતા. એક અધિકારીની વિધવા એગ્નિસ સાથે તેમનો લગ્નસંબંધ થયો. લડાઈઓ પૂરી થયા પછી રોજર ઇંગ્લૅન્ડ છોડીને આયર્લૅન્ડ ગયા, ત્યાં લૉરેન્સનો જન્મ થયો. બચપણ ગરીબીમાં ઇંગ્લૅન્ડમાં તેમજ આયર્લૅન્ડમાં વીત્યું. શિક્ષણ કેમ્બ્રિજમાં થયું અને તે પછી છૂટીછવાઈ નોકરીઓમાં કામગીરી બજાવી. કેમ્બ્રિજમાં શિક્ષણમાં રસ પડ્યો નહિ, પણ તેમને સંજોગવશાત્ જ્હૉન લૉકની ફિલસૂફીમાં રસ પડ્યો અને તેમના વિચારઘડતરમાં તેનો ફાળો નોંધપાત્ર બની રહ્યો.
તેમની યુવાવસ્થામાં જ તેમના પર ક્ષયરોગનો હુમલો થયો, પણ સદભાગ્યે તેમાંથી તે ઊગરી ગયા. થોડોક સમય તેમણે પાદરી તરીકે પણ જવાબદારી સંભાળી, પણ તે વ્યવસાય અનુકૂળ નીવડ્યો નહિ.
લૉરેન્સ સ્ટર્ન
ઈ. સ. 1741માં ઈલિઝાબેથ સાથે તેમનાં લગ્ન થયાં, પણ તે કર્કશા નીવડી અને સ્ટર્નનું લગ્નજીવન નિષ્ફળ નીવડ્યું; પરંતુ સંગીત, ચિત્રકલા, ફિડલ વગેરેમાં તેમને રસ હોવાને કારણે તેમની પ્રસન્નતા જળવાઈ રહી. તેમણે થોડા સમય પછી એક બૃહત્ નવલકથા લખવાની શરૂ કરી. ઈ. સ. 1759થી 1767ના સમયગાળામાં તેના નવ ખંડ પ્રકાશિત થયા. નવલકથાલેખક રિચાર્ડસન કે ફિલ્ડિંગની નવલકથાઓના સ્વરૂપથી અત્યંત નિરાળું એવું નવલકથાનું સ્વરૂપ એમની અનન્ય કહી શકાય તેવી નવલકથા ‘ધ લાઇક ઍન્ડ ઓપિનિયન ઑવ્ ટ્રિસ્ટ્રામ શેન્ડી, જેન્ટલમૅન’(1759–1767)માં સિદ્ધ થયું. એક ઊર્મિપ્રધાન કૉમેડી તરીકે તે વિવેચકોમાં તેમજ સાહિત્યરસિક પ્રજામાં અત્યંત લોકપ્રિય બની રહી. પ્રથમ પુરુષમાં રજૂ થયેલી આ નવલકથામાં સેંકડો ટુચકા-પ્રસંગો, રમૂજો, સ્વૈરવિહાર, ચિંતન, પૅરડી – એમ ઘણાં બધાં તત્ત્વોની રસસમૃદ્ધિ છે અને એ દ્વારા વિવિધ કક્ષાનાં–પ્રકારનાં પાત્રોનો પરિચય રજૂ થતો રહે છે. નવલકથાનાં પ્રકરણોમાં પણ વૈચિત્ર્ય છે. લાંબામાં લાંબા પ્રકરણથી માંડીને ટૂંકુંટચ પ્રકરણ પણ તેમાં જોવા મળે છે. વાર્તાકારનાં પોતાનાં નિરીક્ષણો અંગત કેફિયતોમાં રજૂ થયાં છે. તદુપરાંત એવાં નિરીક્ષણો બીજાં પાત્રો દ્વારા પણ પ્રસ્તુત થયાં છે. નવલકથામાં કેટલાક પરિચ્છેદો તો ઊર્મિલતાથી સભર છે. આ નવલકથા નાયકના જીવન અને ચિંતનથી ભરેલી છે, પણ લેખકે નવલકથામાં રચના, આકૃતિ કે તાર્કિકતાની તમા રાખી નથી. લાંબા લાંબા સ્વૈરવિહારોમાં સેંકડો વિષયો ગૂંથાતા જાય છે. અરે ટ્રિસ્ટ્રામનો જન્મ જ નવલકથાના ત્રીજા ભાગમાં થતો દર્શાવ્યો છે.
અઢારમી સદીની તમામ નવલકથાઓમાં ટ્રિસ્ટ્રામ શૅન્ડી સહુથી વિશેષ શિથિલ સ્વરૂપની નવલકથા છે.
રિચાર્ડસનની નવલકથામાં ઊર્મિલતા હતી, ફિલ્ડિંગમાં હાસ્ય હતું, સ્મોલેટમાં જીવંતતા હતી, પણ સ્ટર્નમાં ઊર્મિલતા અને હાસ્યનો આગવી પદ્ધતિએ યોજેલો સુયોગ છે.
ઇંગ્લૅન્ડના અમુક પ્રદેશનો સમાજ તેમણે નવલકથામાં રજૂ કર્યો છે, પણ એ સમાજમાં વિહરતાં પાત્રો વિવિધ પ્રકારનાં, જીવંત અને સમાજના પ્રતિનિધિરૂપ છે. વૉલ્ટર શૅન્ડી, અન્કલ ટોબી (Uncle Toby), ડૉ. સ્લૉપ (Dr. Slop) આદિ પાત્રો યાદગાર બની રહે તેવાં છે.
‘ટ્રિસ્ટ્રામ શેન્ડી’ નવલકથાનાં અનેક નિષ્ફળ અનુકરણો થયાં હતાં. સ્ટર્નનું બીજું મહત્વનું પુસ્તક ‘એ સેન્ટિમેન્ટલ જર્ની થ્રૂ ફ્રાન્સ ઍન્ડ ઇટાલી’ (1768) પ્રવાસકથા છે.
એક નવા જ પ્રકારની પ્રવાસકથા લખનાર સ્ટર્ન અહીં લાગણીના જીવ છે. એમાં તેઓ પ્રાકૃતિક દૃશ્યો કે ઐતિહાસિક અથવા મહત્વની ઇમારતોનાં વર્ણનોની ઝંઝટમાં પડવાને બદલે પ્રવાસ દરમિયાન જે વ્યક્તિઓ સાથે તેઓ સંપર્કમાં આવ્યા તે પાત્રોનું અને તેમનામાં રહેલી લાગણીઓનું સુંદર આલેખન કરે છે. અહીં પણ હાસ્ય તો છે જ પણ લાગણી સાથે તેનું સાયુજ્ય છે.
પ્રવાસકથા ગતિમાં વહે છે અને વિસ્મયો સર્જાતા જાય છે. સ્ટર્ન અંગ્રેજી સાહિત્યમાં એમની નવલકથા તેમજ પ્રવાસકથા દ્વારા એક લેખક તરીકે નવી જ કેડી પાડે છે.
મધુસૂદન પારેખ