સ્ક્વૉશ : બંધિયાર કોર્ટમાં રમાતી રૅકેટ અને બૉલની એક ખાસ રમત. રમતવીર દ્વારા દડો રમતમાં ચાલુ રહે અને પ્રતિસ્પર્ધીથી તેમ કરવાનું મુશ્કેલ બને તે રીતે આ રમત રમાય છે.

આ રમતની શરૂઆત 1850માં ઇંગ્લૅન્ડની હેરો સ્કૂલમાં થઈ હતી. ‘રૅકેટ’ નામની રમતમાંથી સ્ક્વૉશની રમતનો ઉદભવ થયો હતો. લંડનની સ્કૂલોમાં, સામાજિક ક્લબોમાં ટેનિસ અને ક્રિકેટ ઉપરાંત વધારાની રમત તરીકે સ્ક્વૉશનો પ્રચાર થયો. 1929માં રમતના નિયંત્રણ માટે સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ. બ્રિટિશ સૈન્યમાં રમત પ્રચલિત બની. તે દ્વારા એ રમત ઇજિપ્ત તથા ભારતમાં આવી. 1960ના આરંભમાં આ રમત આંતરરાષ્ટ્રીય બની ચૂકી હતી. 1967માં ઇન્ટરનૅશનલ સ્ક્વૉશ રૅકેટ ઍસોસિયેશનની સ્થાપના થઈ; ત્યારે ગ્રેટ બ્રિટન, ઑસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલૅન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ આરબ રિપબ્લિક તેના સભ્યો હતા. પાછળથી અમેરિકા અને કૅનેડાનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો. એકલા અમેરિકામાં હાલમાં 2,000 કરતાં પણ વધુ સ્ક્વૉશ-ક્લબો છે. ભાઈઓ-બહેનો તથા જુનિયરો માટે આ રમતની સ્પર્ધાઓ યોજાય છે.

કોર્ટ : 9.7 મી. લંબાઈ અને 6.40 મી. પહોળાઈનો ચારે બાજુથી દીવાલોથી બંધિયાર કોર્ટ હોય છે.

રૅકેટ અને દડો

ટેલ્ટેલ : સામી દીવાલની છેક નીચે લાકડાની અથવા ધાતુની 48 સેમી. પહોળી પટ્ટી હોય છે. તે ટેલ્ટેલ, બોર્ડ અથવા ટિનથી ઓળખાય છે. તેના પર બૉલનો આઘાત થતાં અવાજ આપે છે.

દીવાલો : કોર્ટની દીવાલો લીસી અને પ્રવેશદ્વાર ફ્લશ હૅન્ડલ ધરાવતું હોવું જોઈએ.

ભોંયતળિયું : ભોંયતળિયું લાકડાનું દીવાલને સમાંતર હોય છે.

રેખાંકન : 5 સેમી. પહોળાઈની લાલ રંગની રેખાઓથી કરવામાં આવે છે.

રૅકેટ : રૅકેટનું માથું લાકડાની ફ્રેમવાળું જ્યારે હાથો લાકડું, ધાતુ અથવા ફાઇબર ગ્લાસનો બનેલો હોય છે. હાથા ઉપર પકડ માટે અનુકૂળ પદાર્થ લગાવી શકાય છે.

દડો : દડો રબરનો અથવા મિશ્ર રબરનો હોય છે. તેનું વજન 22.3થી 24.6 ગ્રામ સુધીનું હોય છે. તેનો વ્યાસ 39.5 મિમી.નો હોય છે.

પંચો : રૅફરી ગૅલરીના મધ્યમાં બેસીને મૅચનું નિયંત્રણ કરે છે, જ્યારે માર્કર દરેક રમનારનો સ્કોર જાહેર કરે છે.

વિજેતા : મૅચ પાંચ સેટની હોય છે, જેમાં ત્રણ સેટ જીતનાર ખેલાડી વિજેતા બને છે.

રમત : દરેક રમત 9 ગુણની હોય છે. જ્યારે 8 ગુણ સરખા થાય ત્યારે દડો ઝીલનાર ‘નો સેટ’ બોલે અને એ રીતે રમત 9 ગુણની રમાય અને ‘સેટ–2’ બોલે ત્યારે રમત 10 ગુણ સુધીની રમાય છે.

ગુણની પ્રાપ્તિ : આ રમતમાં ફક્ત સર્વિસ કરનારને જ ગુણ મળે છે. દડો દીવાલને અથડાઈને પાછો આવે અને લાકડાના ભોંયતળિયા પર બે વખત અથડાય તો ભૂલ ગણાય છે. લાકડાના ભોંયતળિયાને ફક્ત એક જ વખત બૉલ અથડાયા પછી તુરત જ દડાને રમવાનો હોય છે. દડો સામી દીવાલ સુધી ન પહોંચે તો ફટકો મારનાર ગુણ ગુમાવે છે. દડાને સતત બે વાર ફટકારવામાં આવે તો ફટકો મારનારની ભૂલ ગણાય છે. દડો ફટકો મારનારના કપડાંને અડકે તો ભૂલ ગણાય છે. ડબલ્સની રમત માટે 13.7 મી. લાંબો અને 7.6 મી. પહોળો કોર્ટ હોય છે. આ રમત 15 ગુણની હોય છે. બાકીના નિયમો સિંગલ્સની રમત મુજબના હોય છે.

હર્ષદભાઈ પટેલ