સ્ક્રૂ (screw) : બંધક તરીકે બળ અથવા ગતિને વેગ આપવા માટે વપરાતો, નળાકાર ઉપર એકસરખા આંટા ધરાવતો યંત્રનો ભાગ.
સ્ક્રૂની શોધ આર્ચિટાસ વડે પાંચમી સદીમાં થઈ હોય તેવી માન્યતા છે, પણ તેનો ચોક્કસ ઉપયોગ યંત્રના ભાગ તરીકે ક્યારે શરૂ થયો તેની જાણ નથી. પાણીમાં રહેલા સ્ક્રૂની શોધ આર્કિમીડિઝની જોડે સંકળાયેલી છે. ઇજિપ્તમાં નહેરોમાં તેનો ઉપયોગ થતો તેવું નોંધાયું છે. સ્ક્રૂપ્રેસની શોધ ગ્રીસમાં થઈ. કપડાંને દબાવવા માટે, રોમન એમ્પાયર સ્ક્રૂપ્રેસ વપરાતો. સદીના પ્રથમ ભાગમાં લાકડા માટેના સ્ક્રૂનો ઉપયોગ શરૂ થયો. આધુનિક જમાનામાં વપરાતા સ્ક્રૂ જુદા જુદા પ્રકારના હોય છે. યંત્રના ભાગોને જોડવા માટે કૅપ અને મશીન્સ સ્ક્રૂ વપરાય છે. આવા સ્ક્રૂને જ્યારે સખત બેસાડાય છે ત્યારે તેમાં ઉત્પન્ન થતું તણાવ-પ્રતિબળ યંત્રોના ભાગોને જકડી રાખે છે. મશીન સ્ક્રૂમાં પણ જુદાં જુદાં શીર્ષ હોય છે અને દરેક શીર્ષમાં સ્ક્રૂ-ડ્રાઇવરને અનુરૂપ છેદ હોય છે.
આકૃતિ 1 : સેટ સ્ક્રૂના જુદા જુદા પ્રકારો
સેટ (ગણ) સ્ક્રૂ છિદ્રમાં પાડેલા આંટામાં શીર્ષને અનુરૂપ બનાવેલા છિદ્રમાં બરાબર બેસી જાય છે. જેથી તેનું શીર્ષ બહારથી જોઈ શકાતું નથી અને તે મશીનના ભાગ જોડે એકાકાર થઈ જાય છે. પોતાની જાતે આંટા પાડી શકતા સ્ક્રૂ ધાતુ, પ્લાસ્ટિક, ગ્લાસ ફાઇબર, ઍસ્બેસ્ટૉસ વગેરેમાં આંતરિક આંટા બનાવી બેસી શકે છે. આવા સ્ક્રૂમાં આંટા પાડી શકે તેવી ધાર હોય છે. લાકડા માટે વપરાતા સ્ક્રૂની જુદી જુદી જાતો ઉપલબ્ધ છે. જે સ્ક્રૂ બળમાં અને ગતિમાં વધારો કરી શકે છે તેને શક્તિ સ્ક્રૂ (power screw) કહે છે.
આકૃતિ 2 : કૅપ સ્ક્રૂના જુદા જુદા પ્રકારો
સેટ સ્ક્રૂ આકૃતિ 1માં દર્શાવ્યા છે તે કૅપ સ્ક્રૂ સાથે સામ્ય ધરાવે છે. તેને આખા ભાગમાં આંટા પાડેલા હોય છે અને તે કૅપ સ્ક્રૂ કરતાં નાના હોય છે. આવા સ્ક્રૂ ચાવી(key)ની જગ્યાએ ઓછી શક્તિનું સંચારણ થતું હોય ત્યાં વપરાય છે.
કૅપ સ્ક્રૂ જુદા જુદા આકારમાં ઉપલબ્ધ હોય છે અને તેમાં જુદાં જુદાં શીર્ષ ઉપલબ્ધ હોય છે. આ જુદા જુદા પ્રકારના કૅપ સ્ક્રૂ આકૃતિ 2માં દર્શાવ્યા છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ