સ્ક્રૂ ડ્રાઇવર : ખાંચેદાર શીર્ષવાળા સ્ક્રૂને બેસાડવા માટે હાથની મદદથી ચાલતું ઓજાર. એકસરખા વ્યાસવાળા સ્ક્રૂ માટે તેના શીર્ષ ઉપર પાડેલા ખાંચા અને સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી સ્ક્રૂ બેસાડી શકાય છે. સ્ક્રૂ ડ્રાઇવર જુદાં જુદાં ટોચકાં (top) અને જુદી જુદી લંબાઈમાં ઉપલબ્ધ હોય છે. ખાસ પ્રકારના સ્ક્રૂ કે જેમાં ચોરસ ખાંચો હોય તેવા સ્ક્રૂ માટે ખાસ પ્રકારનાં ટોચકાંવાળાં સ્ક્રૂ ડ્રાઇવર વપરાય છે. સ્ક્રૂ ડ્રાઇવરની દાંડી કડક લોખંડમાંથી બનાવાય છે અને તેનું ટોચકું સખત કરેલા (hardened) લોખંડમાંથી બનાવાય છે. આનાથી ટોચકાંનો ઘસારો ન્યૂનતમ કરી શકાય છે. સ્ક્રૂ ડ્રાઇવરનો હાથો લાકડું, પ્લાસ્ટિક અથવા ધાતુમાંથી બનાવાય છે. જો સ્ક્રૂનું શીર્ષ, સામાન્યપણે વપરાતા સ્ક્રૂ ડ્રાઇવરની મદદથી પહોંચી ન શકાય તો, અનુલંબીય (offset) પ્રકારના ખાસ બનાવેલાં સ્ક્રૂ ડ્રાઇવર ઉપયોગમાં લેવાય છે. આ જાતના સ્ક્રૂ ડ્રાઇવરમાં હાથો હોતો નથી; પણ તેની દાંડી બન્ને બાજુએ કાટખૂણે વાળેલી હોય છે. તેમાં એક ટોચકું દાંડીને સમતલ જ્યારે બીજું દાંડીને લંબ હોય છે. સ્ક્રૂ ડ્રાઇવર એ યંત્રકારીગર(મિકૅનિક)ને માટે ઘણું જ ઉપયોગી ઓજાર છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ક્રૂ ડ્રાઇવર્સના ત્રણ ભાગ હોય છે : પકડવા માટે વપરાતા ભાગને હાથો કહેવાય છે. હાથામાંથી બહાર આવતા પોલાદના ભાગને દાંડી કહેવાય છે અને છેવાડેના ભાગને પતરી (blade) કહેવાય છે. આ પતરી સ્ક્રૂ ઉપરના છેદમાં બેસીને સ્ક્રૂને ખોલ-બંધ કરવા વપરાય છે. દાંડી મોટા પ્રમાણમાં બળઘૂર્ણ (torque) લઈ શકે તેવી બનાવેલી હોય છે.

સ્ક્રૂ ડ્રાઇવર

આ પતરી વળી જાય તો તેવા સ્ક્રૂ ડ્રાઇવરથી કામ કરવું મુશ્કેલ બને છે. સ્ક્રૂ ડ્રાઇવરને તેના હાથા ઉપર હથોડીથી ટીપવું જોઈએ નહિ. આમ કરવાથી દાંડી વળી જવાનો ભય રહે છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ