સ્કૉટ, સી.પી. (સર) (જ. 26 ઑક્ટોબર 1846, બાથ, સમરસેટ; અ. 1 જાન્યુઆરી 1932) : બ્રિટિશ પત્રકાર, પ્રકાશક અને રાજકારણી જેવી ત્રિવિધ ઓળખ ધરાવતા બ્રિટિશ વિદ્વાન. તેઓ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ નામના પ્રસિદ્ધ અખબારના ઈ. સ. 1872થી 1929 સુધી તંત્રી રહ્યા હતા અને અવસાન સુધી તેઓ તેના માલિક પણ રહ્યા હતા. બ્રિટનની સંસદમાં ઉદારમતવાદી નેતા તરીકે તેઓ રહી ચૂક્યા હતા. તેમણે તેમની પ્રગતિશીલ અને ઉદાર વિચારધારાને ઇંગ્લૅન્ડનાં અખબારોમાં વર્ષો સુધી પ્રસ્થાપિત કરી હતી.
તેઓ જન્મથી જ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ અખબાર સાથે જોડાયેલા હતા. અખબારના માલિક સ્થાપક જ્હૉન એડ્વર્ડ ટેલર તેમના કાકા હતા. સ્કૉટનો જન્મ થયો તે સમયે તેમના પિતા રશેલ સ્કૉટ અખબારના માલિક હતા. જોકે પછીથી તેમણે ટેલરની ઇચ્છા મુજબ આ અખબાર ટેલરના પુત્રોને પાછું વેચી દીધું હતું.
તેમણે ઑક્સફર્ડમાં કૉર્પસ ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. 1867માં એડ્વર્ડ ટેલર તરફથી ‘ગાર્ડિયન’ના તંત્રીપદ માટે તેમની સમક્ષ પ્રસ્તાવ રજૂ થયો. શિક્ષણ પૂરું કરીને 1870માં તેમણે એડિનબર્ગના ‘ધ સ્કૉટમૅન’માં તાલીમ લીધી. 1871ના ફેબ્રુઆરીમાં તેઓ ‘ગાર્ડિયન’માં જોડાયા અને 1લી જાન્યુઆરી 1872ના રોજ તેના તંત્રી બન્યા. તેમણે રાશેલ કૂક સાથે 1874માં લગ્ન કર્યાં હતાં.
સી.પી. સ્કૉટ (સર)
તંત્રી તરીકે તેમણે ‘ગાર્ડિયન’માં ઘણાં વર્ષોથી લિબરલ પાર્ટીની જે ઉદારમતવાદી વિચારસરણી હતી તેને જાળવી રાખી. 1886માં જૉસેફ ચેમ્બરલીન અને અન્ય અસંતુષ્ટોની પ્રવૃત્તિથી પક્ષમાં ભંગાણ પડ્યું. આ અસંતુષ્ટોએ લિબરલ યુનિયનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી, ત્યારે સ્કૉટ અને તેના ‘ગાર્ડિયને’ ગ્લેડસ્ટનને અને આઇરિશ હોમરૂલને સમર્થન આપ્યું; જેને પરિણામે ઇંગ્લૅન્ડમાં ‘નૂતન ઉદારમતવાદ’નો ઉદય થયો.
1886માં સ્કૉટે લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે સંસદની ચૂંટણીમાં વિજય મેળવ્યો. એ જ બેઠક પરથી 1891 અને 1892માં તેઓ ફરી ચૂંટણી લડ્યા. રાજકારણમાં સક્રિય રહેવાનાં કારણોસર ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ વૃત્તપત્રથી તેઓ દૂર રહ્યા. લિબરલ પાર્ટીને મજબૂત પીઠબળ પૂરું પાડનાર તરીકે, દેશના મહત્વના લિબરલ ન્યૂઝપેપરના તંત્રી તરીકે અને માન્ચેસ્ટર લિબરલ ફેડરેશનના પ્રમુખ તરીકે તેઓ લિબરલ પાર્ટી અને લોકો વચ્ચે અસર પાડનાર વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા હતા. 1900ની ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા. 1906માં તેઓ ‘ગાર્ડિયન’ના તંત્રીમાંથી તેના માલિક બન્યા. પરિવર્તનના આ કપરા સમય દરમિયાન તેમણે પાર્લમેન્ટમાંથી નિવૃત્તિ લીધી.
સર સી.પી. સ્કૉટે 1922માં ‘મૅન’ (Man) નામનું છાપું ખરીદ્યું અને તેની ઉપર પોતાનો સ્વતંત્ર અને સંપૂર્ણ અંકુશ રાખ્યો.
1921માં ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ને 100 વર્ષ થયાં. તેની ઉજવણીના એક કાર્યક્રમમાં સ્કૉટે જે શબ્દો કહ્યા તે પત્રકારત્વના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયા : ‘મંતવ્ય ભલે ગમે તે હોય, પણ સત્ય પવિત્ર છે.’
તંત્રીલેખમાં તેમણે લખ્યું : ‘‘સ્પષ્ટવક્તા હોવું સારું છે, પણ સંયત/વાજબી હોવું એનાથી વધારે સારું છે. દરેક અખબારને પોતાનો આગવો આત્મા હોવો જોઈએ. કામ કરનાર સૌનો સહિયારો આદર્શ અને પ્રયત્ન હોવા જોઈએ. જોકે કામની આર્થિક બાજુ પણ મહત્વની છે; પણ જો અખબારમાં એ જ સત્તાસ્થાને રહે, તો તેણે તેનાં વિષમ પરિણામો ભોગવવાં પડશે.’’
1929ની 1લી જુલાઈ સુધી તેઓ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ના તંત્રીપદે રહ્યા. તેઓ 83 વર્ષની વયે પહોંચી ચૂક્યા હતા અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમનું સત્તાવન વર્ષ ઉપરાંતનું પ્રદાન હતું. તંત્રીપદેથી નિવૃત્ત થયા પછી પણ ‘ગાર્ડિયન’ના ગવર્નિંગ ડિરેક્ટરના પદે કંપનીમાં સક્રિય રહ્યા.
પુનિતા હર્ણે