સ્કૉટ, વૉલ્ટર (સર) (જ. 15 ઑગસ્ટ 1771, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 21 સપ્ટેમ્બર 1832, એબૉટ્સફૉર્ડ, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : નવલકથાકાર, કવિ, ઇતિહાસકાર અને ચરિત્રલેખક. પિતા વકીલ હતા અને માતા ડૉક્ટરનાં દીકરી. બચપણથી જ એમને પિતૃપક્ષ તેમજ માતૃપક્ષ તરફથી સ્કૉટલૅન્ડના ઇતિહાસની શૌર્યસભર, રોમાંચક કથાઓ સાંભળવાનો લહાવો મળ્યો હતો અને એના ચિત્ત પર એ બધી કથાસામગ્રીનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. એને પોતાના સર્જન માટે આ બધી સાંભળેલી કથાઓમાંથી ઇતિહાસને લગતી વિપુલ સામગ્રી મળી રહી હતી. એમનું શિક્ષણ એડિનબર્ગની શાળામાં અને કેટલોક સમય કેલ્સોમાં (Kelso) ગ્રામર સ્કૂલમાં થયું હતું. એ પુસ્તકના જીવ અને વિશિષ્ટ કોટિના વિદ્વાન હતા. તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો, પણ તેમાં તેમને રસ પડ્યો નહિ. કોઈ એક જ ક્ષેત્રમાં બંધાઈ રહેવાની તેમની મનોવૃત્તિ નહોતી. તેમણે વકીલાત પર ચોકડી મારી, પછી પ્રવાસો આદર્યા, હયદળમાં સેવા આપી, પ્રાચીન સમયના સંગ્રહો આદિનો અભ્યાસ કર્યો, ઇતિહાસમાં ડૂબ્યા, ઇટાલિયન, સ્પૅનિશ, જર્મની, ફ્રેન્ચ, લૅટિન વગેરે ભાષાઓનો અભ્યાસ કર્યો.

યુવાવસ્થામાં કોઈ પ્રેમપ્રકરણમાં નિષ્ફળતાનો સખત આઘાત વેઠ્યા પછી સુપ્રસિદ્ધ ફ્રેન્ચ કુટુંબની શાર્લોટ કાર્પેન્ટર સાથે લગ્નસંબંધ બાંધ્યો અને ઈ. સ. 1826માં તે મૃત્યુ પામી ત્યાં સુધી પ્રસન્ન દામ્પત્ય તેમણે માણ્યું. પ્રાચીન કલાકૃતિઓમાં તેમના જીવંત રસના ફળ રૂપે ‘મિન્સ્ટ્રેલ્સી ઑવ્ ધ સ્કૉટિશ બૉર્ડર’(1802–1803)નો બૅલડ-સંગ્રહ પ્રકાશિત થયો.

વૉલ્ટર સ્કૉટ (સર)

એ પછી એક અંગ્રેજ સંશોધક પર્સી(Purcy)ના ‘રેલિક્સ’નું પુસ્તક તેમની પ્રાચીન કૃતિઓ માટેના રસને સર્વથા અનુકૂળ નીવડ્યું. તદુપરાંત હેન્રી મૅકેન્ઝીએ જર્મનીમાં નવો રોમૅન્ટિકવાદ ઉદભવ્યો હતો તેનો સ્કૉટલૅન્ડમાં પ્રસાર કર્યો. એમાંથી તેમને મધ્યકાલીન લોકસાહિત્ય અને ચમત્કારભરી કથનાત્મક કવિતા પ્રત્યે વિશેષ લગાવ થયો અને ઈ. સ. 1802–1803માં તેમણે સ્કૉટલૅન્ડની સરહદ પરનાં એ પ્રકારનાં કાવ્યોનો ઉપર્યુક્ત સંગ્રહ પ્રકાશિત કર્યો. સ્કૉટની એ દિશામાં ક્રમશ: (પ્ર)ગતિ થતી જ રહી અને તેમણે વર્ણનાત્મક કાવ્યોના મૌલિક સંગ્રહો પ્રકાશિત કરવા માંડ્યા  ‘ધ લે ઑવ્ ધ લાસ્ટ મિન્સ્ટ્રેલ’ (1805), ‘મેર્મિયન’ (1808), ‘ધ લેડી ઑવ્ ધ લેક’ (1810), ‘રોકબી’ (1813). એમાં કાર્યવેગ, વર્ણનકળા, શૌર્યભાવનું આલેખન વગેરેમાં એક સર્જક તરીકેની તેમની ઉત્તમ શક્તિ જોવા મળે છે.

એમનાં કાવ્યોમાં મુખ્યત્વે સ્કૉટલૅન્ડની ભૂમિકા પર વિષયવસ્તુનું આલેખન થયું હોય છે અને તેમાં શૌર્યનો અને કરુણતાનો સુયોગ વરતાય છે. બાયરનનું અંગ્રેજી સાહિત્યમાં આગમન થયું અને તેનાં આ પ્રકારનાં કાવ્યોએ પ્રજાસમૂહને મુગ્ધ કર્યો ત્યાં સુધી સ્કૉટ અંગ્રેજી પ્રજામાં અત્યંત લોકપ્રિય બની રહ્યા. એમનાં કાવ્યોનો વિષય અને તેમની સરળ રજૂઆત લોકસમૂહને વશ કરી ગઈ; તેમ છતાં એ મોટા ગજાના કવિ બની શક્યા નહિ. તેમણે થોડા સમય પછી કથનાત્મક કાવ્યો(narratives)ની દિશા છોડી દીધી અને નવલકથાના ક્ષેત્રમાં કલમની અજમાયશ કરી.

એ પહેલાં તેમણે પત્રકાર તરીકે પણ કામગીરી બજાવી હતી. સુપ્રસિદ્ધ પત્ર ‘એડિનબર્ગ રિવ્યૂ’માં તેમના લેખો પ્રગટ થતા હતા અને એ દરમિયાન તેમને સમકાલીન કવિઓ વિલિયમ વર્ડ્ઝવર્થ અને રૉબર્ટ સધે સાથે ગાઢ મૈત્રી થઈ. કવિ બાયરનના તો તે વિશ્વાસુ મિત્ર હતા. સ્કૉટ પ્રકૃતિથી મિલનસાર, નિખાલસ અને સારા મેજબાન હતા. અંગ્રેજી સમાજમાં તેમની એક ખાનદાન સજ્જન તરીકે પ્રતિષ્ઠા હતી.

સ્કૉટની સાહિત્યિક કારકિર્દીનો વળાંક ઈ. સ. 1814માં તેમણે અત્યંત ઝડપથી વેવર્લી નવલકથાઓ પ્રકાશિત કરવા માંડી ત્યારથી આવ્યો. અંગ્રેજી સાહિત્યમાં અને સ્કૉટના જીવનમાં પણ આ એક સુખદ અને વિરલ ઘટના હતી કે એ નવલકથાઓ પ્રસિદ્ધ થતાં વાર એ પ્રજામાં પોંખાઈ ગયા. પ્રજાને કંઈક નવીન, અદભુત વિષયની રોમાંચક નવલકથાઓ પ્રથમ વાર મળતી હોવાનો અહેસાસ થયો. આ નવલકથા તેમણે અજ્ઞાત તરીકે પ્રકાશિત કરી હતી. સાહિત્યરસિક પ્રજામાં લેખક કોણ હશે તે ચર્ચાનો વિષય બની રહ્યો હતો. કેટલાકે સ્કૉટને જ લેખક તરીકે ગણ્યા, પણ સ્કૉટે પોતે લેખક હોવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો !

વેવર્લી નવલકથાઓ પછી ક્રમશ: અન્ય નવલકથાઓ પ્રકાશમાં આવવા લાગી. ઈ. સ. 1815માં ‘ગાય મૅનરિંગ’, 1815માં ‘ઍન્ટિક્વેરી અને ‘ઓલ્ડ મૉર્ટેલિટી’, 1817માં ‘રૉબરૉય’, 1818માં ‘ધ હાર્ટ ઑવ્ મિડલોથિયન’ અને 1819માં ‘બ્રાઇડ ઑવ્ લૅમરમૂર’ તેમજ ‘ધ લીજન્ડ ઑવ્ મૉન્ટરોઝ’ પ્રગટ થઈ.

આ નવલકથાઓ પ્રકાશિત થઈ ગઈ, તેમાં તેમની ઉત્તમ સર્જકતાનો પરિચય મળે છે; પણ એ પછી તેઓ સ્કૉટલૅન્ડની ભૂમિકામાંથી ઇંગ્લૅન્ડની ભૂમિકા પર નવલકથાઓ રચવા પ્રેરાયા. જુદી જુદી સદીઓના ઇતિહાસ પર આધારિત તેમણે ઇંગ્લૅન્ડના અને યુરોપિયન ઇતિહાસનાં બીજ લઈને અંગ્રેજી પ્રજાને રોમાંચકારી નીવડે તેવી ઐતિહાસિક નવલકથાઓ ઝડપભેર પ્રગટ કરવા માંડી. ઈ. સ. 1819માં સુપ્રસિદ્ધ ‘આઇવેન્હો’, ‘ધ મૉનેસ્ટરી’, ‘ધ ઍબૉટ’ ઈ. સ. 1820માં અને ‘કેનિલવર્થ’ ઈ. સ. 1821માં પ્રગટ થઈ. વચમાં એક વર્ષ 1822માં વળી સ્કૉટલૅન્ડને લક્ષમાં લઈ ‘પાઇરેટ’ નવલકથા રચી. ‘ધ ફૉર્ચ્યૂન્સ ઑવ નાઇજેલ’ 1822માં રચાઈ અને ઈ. સ. 1823માં ‘ક્વેન્ટિન ડર્વર્ડ’ નવલકથા રચી. આ ઉપરાંત પણ તેમની અન્ય નવલકથાઓ પ્રસિદ્ધ થઈ છે અને એક ખૂબ પ્રસિદ્ધિ પામેલી સ્કૉટની નવલકથા ‘ધ રેડગૉન્ટલેટ’ ઈ. સ. 1824માં પ્રગટ થઈ. સ્કૉટની નવલકથાઓમાં પરિસ્થિતિઓને ગાઢા રંગે રજૂ કરવાની અને કાર્યવેગ સફળતાપૂર્વક રજૂ કરવાની અનેરી કળા છે. એમની ચિત્રાત્મક શૈલી એક ખાસ વિશેષતા છે.

સ્કૉટની લખવાની ઝડપ આશ્ચર્યજનક હતી અને વાચકોની રગ પારખીને તે તેમને મનોરંજન મળે અને વિશાળ જનસમૂહ ઘટનાઓના પૂરમાં ખેંચાતો રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરનારા સર્જક હતા; તેમ છતાં તેમની કેટલીક ઉત્તમ નવલકથાઓમાં તેમનું સર્જક તરીકેનું ગાંભીર્ય અનુભવી શકાય છે. ઐતિહાસિક ઘટનાઓને કલ્પનાથી સાક્ષાત્ કરીને કલાત્મક રૂપે રજૂ કરવામાં તેમની સર્જક તરીકેની વિશેષતા છે. સ્કૉટને અંગ્રેજી સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાકારોમાં અગ્રણી આરંભકાર ગણવામાં આવે છે.

મધુસૂદન પારેખ