સ્કેટિંગ : નાનાં પૈડાંવાળાં વિશેષ પગરખાં બાંધીને કઠણ ભૂમિ ઉપર સરકતાં ચાલવાની રમત. વર્તમાન ‘SKATE’ શબ્દ પ્રાચીન જર્મન શબ્દ SCHAKE (પગનું હાડકું) પરથી ઊતરી આવ્યો છે. લોખંડની શોધ થઈ તે પહેલાં (2,000 વર્ષ પહેલાં) હરણ, બળદ, રેન્ડિયર જેવાં પ્રાણીઓની પાંસળી અથવા પગના હાડકામાંથી સ્કેટ બનાવવામાં આવતા હતા તેવા પ્રકારની માહિતી મ્યુઝિયમમાંથી મળે છે.
મધ્યયુગના સમયમાં હોલૅન્ડમાં કાંઠા વિસ્તારમાં તેનો સ્થળાંતર કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો તેવો ઉલ્લેખ 1498ની સાલની કાષ્ઠકોતરણીમાંથી મળે છે. સૌપ્રથમ સ્કેટિંગ ક્લબ 1742માં સ્કૅન્ડિનેવિયામાં સ્થાપવામાં આવી હતી. 30 વર્ષ બાદ 1772માં સ્કેટિંગ અંગેનું પુસ્તક લંડનમાં પ્રગટ થયું હતું. 1842માં લંડનમાં સ્કેટિંગ ક્લબની સ્થાપના થઈ. ત્યાર બાદ અમેરિકા અને કૅનેડામાં તેનો પ્રચાર થયો. બૂટ ઉપર ચીપકી રહી અને છૂટથી ફરી શકે તેવા પ્રકારની લોખંડની સૌપ્રથમ સ્કેટ 1850માં ફિલાડેલ્ફિયામાં શોધાઈ હતી. 1892માં હોલૅન્ડ મુકામે ઇન્ટરનૅશનલ સ્કેટિંગ યુનિયન(ISU)ની સ્થાપના કરવામાં આવી હતી.
સ્કેટિંગ
રોલર સ્કેટની સૌપ્રથમ શોધ બેલ્જિયમના મર્લિને 1760માં કરી હતી; પરંતુ ચાર પૈડાંવાળી સર્વાનુકૂલ રોલર સ્કેટનો સૌપ્રથમ પ્રચાર અમેરિકાના પ્લિમ્ટને 1863માં કર્યો હતો. વિશ્વકક્ષાએ રોલર સ્કેટિંગ રમતનું સંચાલન કરતી સંસ્થા International Roller Skating Federation-નું મુખ્ય મથક સ્પેનના બાર્સેલોનામાં છે.
સ્કેટિંગની રમત ત્રણ પ્રકારે રમવામાં આવે છે : (1) સ્પીડ રોલર-સ્કેટિંગ (2) આર્ટિસ્ટિક રોલર-સ્કેટિંગ અને (3) ફિગર-સ્કેટિંગ.
(1) સ્પીડ રોલર–સ્કેટિંગ : ટ્રૅક : સ્પીડ રોલર-સ્કેટિંગ માટેનો ટ્રૅક લંબગોળાકાર હોય છે. તેની સીધ 40 મીટર અને ત્રિજ્યા 10 મીટરની હોય છે. ટ્રૅકની પહોળાઈ ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા પર આધારિત હોય છે. બે ખેલાડીઓ માટે 2.40 મીટર, ત્રણ માટે 3.60 મીટર, ચાર માટે 4.50 મીટર, પાંચ માટે 5.40 મીટર અને છ ખેલાડીઓ માટે 6 મીટરની પહોળાઈ હોય છે.
દિશા : ડાબો હાથ ટ્રૅકની અંદરની તરફ રહે તે રીતે મોં રાખીને સ્કેટિંગની સ્પર્ધા કરવામાં આવે છે. એટલે કે ઘડિયાળના કાંટા ફરે તેની વિરુદ્ધ દિશા સ્પર્ધાની દિશા ગણાય છે.
સ્કેટ : સ્પીડ સ્કેટ હલકાં તથા લાંબાં અને નીચા વ્હિલ-બેઝવાળાં હોય છે.
પોશાક : ખેલાડીની પીઠ પર ચડ્ડીની ડાબી બાજુએ હરીફ-નંબર લગાડેલા હોવા જોઈએ.
સ્પીડ રોલર-સ્કેટિંગની સ્પર્ધાઓ ટ્રૅક ઉપર અથવા ખુલ્લા રસ્તાઓ પર યોજાય છે. વિશ્વકક્ષાએ સ્પીડ સ્કેટિંગની ચૅમ્પિયનશિપ સ્પર્ધા માટે પુરુષો માટે 1,000, 5,000, 10,000, 20,000 મીટરના અંતરની સ્પર્ધાઓ થાય છે. મહિલાઓ માટે 500, 3,000 તથા 5,000 મીટરના અંતરની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
(2) આર્ટિસ્ટિક રોલર–સ્કેટિંગ : આર્ટિસ્ટિક રોલર-સ્કેટિંગ સ્પર્ધામાં ફિગર-સ્કેટિંગ પૅર તથા ડાન્સ-સ્કેટિંગનો સમાવેશ થાય છે.
સ્કેટ : સ્કેટ ઊંચાં બૂટવાળાં તથા મોટાં પૈડાંવાળાં હોય છે.
રિન્ક : સ્કેટિંગ માટેની રિન્ક આસ્ફાલ્ટ, ઍસ્બેટૉસ, સિમેન્ટ અથવા લાકડાની બનાવટની હોય છે.
(3) ફિગર–સ્કેટિંગ : ફિગર-સ્કેટિંગની સ્પર્ધા બે તબક્કામાં થાય છે. ‘ફરજિયાત ફિગર’, જેમાં અગાઉથી નક્કી કર્યા મુજબની ફિગર બનાવવામાં આવે છે. ફરજિયાત સ્કેટિંગમાં વર્તુળ, વળાંક, બ્રૅકેટ, અંગ્રેજી આઠડો વગેરે આકૃતિઓનો સમાવેશ થાય છે. બધી જ આકૃતિઓ રિન્ક ઉપર દોરેલાં વર્તુળો ઉપર જ કરવામાં આવે છે. દરેક ફિગર ત્રણ વખત કરવાની હોય છે. ‘ફ્રી-સ્કેટિંગ’માં ખેલાડી પોતાની પસંદગીના સંગીતની સાથે સ્કેટિંગ કરે છે. સમયમર્યાદા નક્કી કર્યા મુજબ ફ્રી-સ્કેટિંગ કરવામાં આવે છે. ખેલાડી નિયત સમયમર્યાદાની પાંચ સેકન્ડમાં પોતાની કૃતિઓનું નિદર્શન પૂરું કરે છે.
હર્ષદભાઈ પટેલ