સ્કૅનકર રે’ગનૅર (જ. 8 જૂન 1934, સ્ટોરા સ્કેડવી, સ્વીડન) : સ્વીડનના શૂટિંગના ખેલાડી. વ્યવસાયે તેઓ બંદૂકના ઉત્પાદક હતા. ઑલિમ્પિક મેડલિસ્ટ તરીકેનો તેમનો 20 વર્ષનો ગાળો છે. ફ્રી પિસ્તોલમાં તેઓ 1972માં સુવર્ણચન્દ્રક તથા 1984 અને 1988માં રજતચન્દ્રક તેમજ 1992માં કાંસ્યચન્દ્રકના વિજેતા બન્યા. મહત્વના ઑલિમ્પિક વિક્રમમાં ઉમેરણ તરીકે તેઓ આ સ્પર્ધામાં 1976માં પાંચમા અને 1980માં સાતમા ક્રમે રહ્યા હતા.

સ્ટાન્ડર્ડ પિસ્તોલમાં તેઓ 1978માં ફ્રી પિસ્તોલમાં 1982માં અને ઍર પિસ્તોલમાં 1983માં વિશ્વ ચૅમ્પિયન બન્યા. 1978માં તેઓ ફ્રી પિસ્તોલમાં બીજા ક્રમે અને 1979 તથા 1981માં ઍર પિસ્તોલમાં ત્રીજા ક્રમે રહ્યા તેમજ ટીમ સ્પર્ધાઓમાં સુવર્ણચન્દ્રક, 2 રજતચન્દ્રક અને 2 કાંસ્યચન્દ્રકના વિજેતા બન્યા. યુરોપિયન ચૅમ્પિયનશિપમાં 1989માં તેઓ ફ્રી પિસ્તોલમાં વિજેતા બનવા ઉપરાંત 3 વૈયક્તિક રજત-ચન્દ્રકોના પણ વિજેતા બન્યા.

મહેશ ચોકસી