સ્કિઇંગ : પ્રાકૃતિક બરફનાં વિશાળ મેદાનોમાં વિશેષ રૂપે લપસવાની પશ્ચિમી રમત. ઈ. પૂ. 3000 વર્ષ પૂર્વે સ્કિઇંગનો ઉપયોગ સ્થળાંતર કરવા માટે કરવામાં આવતો હતો એવા ઉલ્લેખો નૉર્વે અને રશિયામાંથી મળી આવ્યા છે. 15મી અને 16મી સદીમાં ફિન્સ, નૉર્વેજિયનો, સ્વીડિશ તથા રશિયન સૈનિકટોળીઓના સ્કી-પ્રવાસોના ઉલ્લેખ પણ મળ્યા છે; પરંતુ રંજનાત્મક અને સ્પર્ધાત્મક પ્રવૃત્તિ તરીકે સ્કિઇંગનો વિકાસ ઈ. સ. 1800 પછી થયો અને સૌપ્રથમ સ્કી સ્પર્ધા નૉર્વેમાં ઓસ્લો મુકામે 1866માં યોજાઈ હતી. સૌપ્રથમ રાષ્ટ્રીય સ્કીમંડળ નૉર્વેજિયન સ્કી ઍસોસિયેશનની સ્થાપના 1883માં થઈ હતી. મધ્યયુરોપમાં પ્રથમ સ્કી સ્પર્ધા 1893માં અને પ્રથમ સ્વિસ સ્કી સ્પર્ધા 1902માં યોજાઈ હતી. સ્કિઇંગની રમત સ્વિટ્ઝર્લૅન્ડ, અલ્પાઇન દેશોમાં તથા અમેરિકા, કૅનેડા, નૉર્વે અને સ્વીડનમાં ખૂબ જ વિકાસ પામી. 1960 પછી આ રમતોની સગવડો સ્પેન, પોલૅન્ડ, ચેકોસ્લૉવેકિયા, રશિયા, સ્કૉટલૅન્ડ, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોમાં ઊભી કરવામાં આવી.
આલ્પાઈન સ્કિયર રેસિંગ
સ્કિઇંગની સ્પર્ધાઓનું વિશ્વકક્ષાએ નિયમન કરનારી સંસ્થાનું નામ FEDERATION INTERNATIONAL DE SKI છે, જેનું વડું મથક સ્વીડનમાં છે. સ્કિઇંગની રમતોની સ્પર્ધાને શિયાળુ ઑલિમ્પિક રમતોત્સવમાં સ્થાન આપવામાં આવ્યું છે.
સ્કિઇંગની રમતો હિમાચ્છાદિત વિસ્તારમાં જ રમવામાં આવે છે; કારણ કે સ્કિઇંગની વિવિધ રમતો બરફવાળાં મેદાનોમાં જ કરવામાં આવે છે. બરફના ઢાળ પર સરકવાની રમતને સ્કિઇંગ કહેવામાં આવે છે. સ્કિઇંગની રમત મુખ્યત્વે ત્રણ પ્રકારે રમાય છે : (1) આલ્પાઇન, (2) નૉર્ડિક અને (3) બાયેથ્લોન.
આલ્પાઇન સ્કિઇંગમાં ‘ડાઉનહિલ’, ‘સ્લાલોમ’ અને ‘જાયન્ટ સ્લાલોમ’નો સમાવેશ થાય છે. નૉર્ડિક સ્કિઇંગમાં ક્રૉસકંટ્રી અને સ્કી-જમ્પ્સનો સમાવેશ થાય છે અને બાયેથ્લોન સ્કિઇંગમાં ક્રૉસકંટ્રી સાથે નિશાનબાજીનો સમાવેશ થાય છે.
સાધનો : બરફ પર સરકવા માટે વપરાતી પટ્ટીઓને સ્કીઝ કહેવામાં આવે છે. વ્યક્તિ હાથ ઊંચો કરે તેટલી લંબાઈ અને બૂટના તળિયાના ઉપરના ભાગમાં બરાબર ગોઠવી શકાય તેટલી પહોળાઈની આ પટ્ટીઓ સામાન્ય હોય છે. જુદા જુદા પ્રકારની રમતો માટે પટ્ટીઓની બનાવટ તથા કદરચનામાં ફેરફાર હોય છે. શરૂઆતમાં પટ્ટીઓ લાકડાની તથા ધાતુઓથી બનાવેલી વાપરવામાં આવતી હતી. હાલમાં આવી પટ્ટીઓ ફાઇબર ગ્લાસની બનાવવામાં આવે છે અને પટ્ટીઓની કિનારીઓને ધાતુની પટ્ટીઓથી મઢી દેવામાં આવે છે. ડાઉનહિલમાં વપરાતી પટ્ટીઓ વધુ વજનદાર, વધુ લાંબી અને સખત હોય છે. સ્લાલોમમાં વપરાતી પટ્ટીઓ લંબાઈમાં ઓછી, પહોળાઈમાં સાંકડી અને ધાતુની મઢેલી કિનારીવાળી હોય છે. સ્કી-કૂદકા માટે વપરાતી પટ્ટીઓ વજનમાં ભારે, વધુ લંબાઈ અને પહોળાઈવાળી હોય છે. ક્રૉસકંટ્રી માટે વપરાતી પટ્ટીઓ વજનમાં હલકી હોય છે. એ પટ્ટીઓમાં બૂટને જકડી રાખવા માટેનો બંધ ફક્ત આગળના ભાગમાં જ રાખવામાં આવે છે, જ્યારે એડીનો ભાગ છૂટો હોય છે.
સ્કી–સ્ટિક : બરફના ઢાળ પર સરકતી વખતે હાથમાં રાખવામાં આવતી લાકડીઓને સ્કી-સ્ટિક અથવા પોલ કહેવામાં આવે છે. સરકતી વખતે સમતોલન જાળવવા માટે, સરકવાની શરૂઆત કરતી વખતે ગતિ વધારવા માટે તથા વળાંક લેતી વખતે તેમનો ઉપયોગ થાય છે. આ સ્કી-સ્ટિક સ્ટીલ અથવા ઍલ્યુમિનિયમની નળીઓમાંથી બનાવવામાં આવે છે.
બૂટ : સ્કી માટે વપરાતા બૂટ શરૂઆતમાં ચામડાની બનાવટના હતા, હાલમાં પ્લાસ્ટિકના બૂટ વપરાય છે. બૂટની નીચે તળિયા કે બાજુ પર એક પણ છિદ્ર ન રહી જાય તેની કાળજી રાખવામાં આવે છે.
બાઇન્ડિંગ્ઝ : સ્કી-પટ્ટી સાથે બૂટને જકડી રાખવા જે બંધ વપરાય છે તેને બાઇન્ડિંગ્ઝ કહેવામાં આવે છે.
પોશાક : શરીર પૂરેપૂરું ઢંકાયેલું રહે, પાણીથી ભીંજાય નહિ, તેની ગરમી જળવાઈ રહે અને શરીરે ચુસ્ત રહે તેવો પોશાક સ્કિઇંગની સ્પર્ધા માટે ઉત્તમ માનવામાં આવે છે.
હર્ષદભાઈ પટેલ