સ્કાર્ન : કણશ: વિસ્થાપન દ્વારા ઉદભવેલો વિશિષ્ટ ખડકપ્રકાર. સ્વીડનના ખાણિયાઓએ ધાતુખનિજ શિરાઓના સંપર્કમાં રહેલી ખડક-દીવાલોમાં મળતા ઘેરા રંગવાળા ખનિજ વિભાગો માટે આપેલું નામ. પછીથી આ નામ એ પ્રકારના સ્થૂળ દાણાદાર ખડક માટે અથવા ચૂનાખડક કે ડોલોમાઇટ પર ઉષ્ણ સિલિકા-સમૃદ્ધ દ્રાવણો કે ઍસિડિક વાયુબાષ્પની પ્રક્રિયાને કારણે ઉદભવતા ખનિજસમૂહો માટે પણ વપરાતું રહ્યું છે. આ શબ્દ વિશિષ્ટ પ્રકારના એવા ખડકો માટે પણ ઉપયોગમાં લેવાય છે, જે લગભગ સંપૂર્ણપણે ચૂનાધારક સિલિકેટથી બનેલા હોય. આ પ્રકારના ખડકો શુદ્ધ ચૂનાખડક કે ડોલોમાઇટમાં સિલિકોન, ઍલ્યુમિનિયમ, લોહ, મૅગ્નેશિયમનાં વિપુલ પ્રમાણ ભળ્યાં હોય છે અને તેથી તે સ્થૂળ દાણાદાર બન્યા હોય છે. સિલિકા-સમૃદ્ધ ઉષ્ણ દ્રાવણો અને ઍસિડિક વાયુબાષ્પની પ્રક્રિયા આવા ખડકો બનાવવામાં જવાબદાર ગણાય છે; તાપમાન તેમજ દ્રાવણો કે વાયુબાષ્પની ઓછીવત્તી અસરને પરિણામે વિવિધ પ્રકારના સ્કાર્ન તૈયાર થતા હોય છે. નવાં બનતાં પરિણામી ખનિજો મોટે ભાગે ઍન્ડ્રેડાઇટ-ગાર્નેટ, હેડનબર્ગાઇટ-ડાયોપ્સાઇડ, લોહસમૃદ્ધ હૉર્નબ્લેન્ડ અને ઍક્ટિનોલાઇટ-ટ્રેમોલાઇટ હોય છે; તેમની સાથે વિવિધ ધાતુખનિજો, ઑક્સાઇડ, સલ્ફાઇડ તેમજ ફ્લૉરાઇડ પણ તૈયાર થતાં હોય છે. ફ્લૉરાઇડની ઉપલબ્ધિ ચૂનાખડકમાં સિલિકા અને ધાત્વિક હેલોજનની પ્રક્રિયા થઈ હોવાનો નિર્દેશ કરે છે. ઍન્ડ્રેડાઇટ અને ફ્લૉરાઇટની ઉત્પત્તિ નીચેના સૂત્ર પરથી સ્પષ્ટ બની રહે છે :

2FeF3 + 3SiO2 + 6CaCO3 →

                  Ca3Fe2Si3O12 + 3CaF2 + 6CO2

માત્ર ફ્લૉરાઇડ જ સક્રિય બની રહે છે એવું નથી હોતું; ક્લોરાઇડ પણ ભાગ લઈ શકે છે, જેમાં CaCl2 તૈયાર થતું હોય છે. તે પ્રક્રિયા કરી સ્કેપોલાઇટ બનાવે છે. આ જ કારણે ઘણાખરા સ્કાર્ન-નિક્ષેપોમાં સ્કેપોલાઇટની પ્રાપ્તિ દળદાર જથ્થા-સ્વરૂપે અથવા ડાઇક-સ્વરૂપે જોવા મળતી હોય છે.

સ્કાર્ન જથ્થાઓમાં ઑક્સાઇડ-સ્વરૂપે મળતાં ધાતુખનિજોનું પ્રમાણ વ્યાપક હોય છે, જે ઘણાં સ્થાનોમાં ખનનયોગ્ય કાર્યોપયોગી નિક્ષેપો રચે છે. સ્કાર્નપ્રાપ્તિ-પ્રક્રિયામાં જો સિલિકા ભાગ ન લે તો આ પ્રકારના ઑક્સાઇડ-નિક્ષેપો બની શકે છે, જે નીચેના સૂત્ર પરથી સમજી શકાય છે : આ પ્રકારના નિક્ષેપો મહદંશે ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ જેવા ખડકો અને ચૂનાખડકના સંપર્કમાં બહુધા મળી આવતા હોય છે; જેમ કે, હેમેટાઇટ નિક્ષેપો. આ જ રીતે અન્ય નિક્ષેપો પણ બની શકે છે :

2FeF3 + 3CaCO3 → Fe2O3 + 3CaF2 + 3CO2

સ્થાનભેદે મળતા અન્ય નિક્ષેપોમાં નીચે મુજબના સ્કાર્ન પ્રકારોનો સમાવેશ કરી શકાય :

  1. સ્કાર્ન-મૅગ્નેટાઇટ. 2. સ્કાર્ન-ચાલ્કોપાયરાઇટ. 3. સ્કાર્ન-ગેલેના-સ્ફેલેરાઇટ. 4. સ્કાર્ન-શીલાઇટ. 5. સ્કાર્ન-કૅસિટરાઇટ. 6. સ્કાર્ન-કોબાલ્ટાઇટ. 7. સ્કાર્ન-હેલ્વાઇટ.

ગિરીશભાઈ પંડ્યા