સ્કાયલૅબ (Skylab) : અમેરિકાનું પહેલું અંતરીક્ષમથક. તે 14 મે 1973ના રોજ સેટર્ન 5 પ્રક્ષેપક રૉકેટની મદદથી 435 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ ઍપોલો પ્રયુક્ત કાર્યક્રમ(Apollo Applications Program)ના નામથી ઓળખાતો હતો. ત્રણ ઓરડાના મકાન જેટલા મોટા સ્કાયલૅબ અંતરીક્ષમથકનું વજન 85 ટન જેટલું હતું. પૃથ્વી અને સ્કાયલૅબ વચ્ચેની યાત્રા માટે ઍપોલો કાર્યક્રમ માટે વાપરવામાં આવેલા ‘કમાન્ડ મૉડ્યૂલ’નો ઉપયોગ કરવામાં આવતો હતો. કમાન્ડ મૉડ્યૂલ અને સ્કાયલૅબ વચ્ચેના જોડાણ સાથેના સંયુક્ત અંતરીક્ષયાનની કુલ લંબાઈ 36 મીટર હતી અને વજન 90.6 ટન થતું હતું. યાત્રીઓને રહેવા અને કાર્ય કરવા માટે 292 ઘનમીટર જેટલી જગા ઉપલબ્ધ થતી હતી.

સ્કાયલૅબ

25 મે 1973થી શરૂ કરીને 8 ફેબ્રુઆરી, 1974ના સમય દરમિયાન સ્કાયલૅબમાં ત્રણ-ત્રણના જૂથમાં નવ અંતરીક્ષયાત્રીઓ કુલ 171 દિવસો સુધી રહ્યા હતા અને તેમણે પૃથ્વીની નૈસર્ગિક સંપત્તિ, જૈવ-ઔષધિશાસ્ત્ર (biomedicine), દ્રવ્યવિજ્ઞાન (material sciences), સૌર ખગોળશાસ્ત્ર તથા અન્ય વિજ્ઞાનશાખાઓ સંબંધિત પ્રયોગો કર્યા હતા.

પ્રક્ષેપણ દરમિયાન સ્કાયલૅબની એક સૌર-પૅનલ છૂટી પડી ગઈ હતી તથા અંતરીક્ષમાં ગરમીથી રક્ષણ આપવા માટે મૂકવામાં આવેલા પડદાને પણ નુકસાન થયું હતું, આથી તેની કક્ષામાં મુકાયા બાદ સ્કાયલૅબની અંદરનું તાપમાન અસહ્ય માત્રામાં રહેતું હતું. આ ક્ષતિ દૂર કરવા માટે પહેલા જૂથના અંતરીક્ષયાત્રીઓએ ખુલ્લા અંતરીક્ષમાં ‘અંતરીક્ષ-પોશાક’ પહેરીને કામ કરીને એક કામચલાઉ પડદો મૂક્યો હતો, જેથી સ્કાયલૅબની અંદરનું તાપમાન ઘટ્યું હતું અને રહેવા માટે તે અનુકૂળ થયું હતું.

સ્કાયલૅબને અંતરીક્ષમાં 1983ના વર્ષ સુધી રાખવા માટે તેની કક્ષામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સ્પેસ-શટલના ઉડ્ડયન દ્વારા તેની કક્ષામાં જરૂરી ફેરફાર કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું; પરંતુ વધતી જતી સૌર સક્રિયતાને લીધે સ્કાયલૅબને ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં વાતાવરણનું ઘર્ષણ લાગતું હતું. આ ઉપરાંત, સ્પેસ-શટલના ઉડ્ડયનમાં વિલંબ થવાથી સ્કાયલૅબની કક્ષામાં થતા ફેરફારને અટકાવવા માટે કોઈ ઉપાય હતો નહિ. જૂન 1978 દરમિયાન તેની કક્ષા વધારે નીચે આવવા લાગી હતી. છેવટે 11 જુલાઈ 1979ના રોજ વાતાવરણમાં પુન:પ્રવેશ કર્યા પછી થયેલા ઘર્ષણને કારણે સ્કાયલૅબ અંતરીક્ષમથક સળગી ગયું હતું અને તેના કેટલાક ટુકડા હિંદી મહાસાગર અને નૈર્ઋત્ય ઑસ્ટ્રેલિયાના વેરાન પ્રદેશમાં પડ્યા હતા.

પરંતપ પાઠક