સૌવીર દેશ : સિંધુ નદી અને જેલમ નદી વચ્ચેનો પ્રદેશ. અત્યારે સિંધ પાસેના જે પ્રદેશને ‘મુલતાન’ તરીકે ઓળખવામાં આવે છે એ પ્રદેશ ક્ષત્રપકાલમાં ‘સૌવીર દેશ’ તરીકે ઓળખાતો હતો.

વૈદિક સમયના રાજા ઉશિનારાના પુત્ર શિબિએ સમગ્ર પંજાબ જીતી લઈને એના પુત્રો દ્વારા જે ચાર રાજ્યોની રચના કરી તેમાંનું એક સૌવીર રાજ્ય હતું. ક્ષત્રપ યુગના કાર્દમક વંશના સ્થાપક રાજા ચષ્ટનના પૌત્ર મહાક્ષત્રપ રુદ્રદામા 1લાનો ઈસુની બીજી સદીનો એક મહત્વનો શિલાલેખ જૂનાગઢમાંથી પ્રાપ્ત થયો છે. એ શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે એના સામ્રાજ્યમાં આકર (પૂર્વ માળવા), અવન્તિ (પશ્ચિમ માળવા), અનૂપ (માહિષ્મતીની આસપાસનો પ્રદેશ), આનર્ત (ઉત્તર ગુજરાત), સુરાષ્ટ્ર (સૌરાષ્ટ્ર), શ્વભ્ર (સાબરકાંઠા), મરુ (મારવાડ), કચ્છ, સિંધુ –સૌવીર (સિંધ-મુલતાન), કુકુર –અપરાંત–નિષાદ (દક્ષિણ પંજાબ અને રાજસ્થાન) વગેરે પ્રદેશોનો સમાવેશ થતો હતો. આમ, આ લેખ દ્વારા સૌવીર દેશનો સમાવેશ રુદ્રદામા 1લાના સામ્રાજ્યમાં થતો હતો અને એ સિંધ પાસે આવેલો હતો એ સ્પષ્ટ થાય છે. આ ઉલ્લેખો પરથી વૈદિક સમયથી ક્ષત્રપકાલ સુધી આ પ્રદેશ ‘સૌવીર દેશ’ તરીકે ઓળખાતો હશે એમ લાગે છે. ‘સૌવીર દેશ’ના રહેવાસીઓ ‘સૌવીરક’ તરીકે ઓળખાતા હતા.

મુગટલાલ પોપટલાલ બાવીસી