સૌરાષ્ટ્ર સાપ્તાહિક

January, 2009

સૌરાષ્ટ્ર સાપ્તાહિક : રાણપુરમાં પ્રારંભ 1921ની બીજી ઑક્ટોબરના રોજ. તેના સ્થાપકતંત્રી હતા પત્રકારત્વના યોદ્ધા અમૃતલાલ શેઠ. આ સાપ્તાહિક આમ માંડ નવ કે દસ વર્ષ ચાલ્યું અને 1930–31માં બંધ પડ્યું, પરંતુ આટલા સમયગાળામાં સૌરાષ્ટ્રમાં લોકજાગૃતિ લાવવામાં તેની ભૂમિકા ઘણી મોટી અને ઐતિહાસિક છે. સૌ જાણે છે તેમ, લગભગ આખા સૌરાષ્ટ્રમાં એ અરસામાં દેશી રજવાડાં હતાં; પરંતુ રાણપુર બ્રિટિશ શાસકોની હદમાં આવતું હતું. પરિણામે ત્યાંથી સમાચારપત્રનું પ્રકાશન કરવાનું પ્રમાણમાં સરળ હતું. ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિક મૂળભૂત રીતે અમૃતલાલ શેઠના પર્યાય તરીકે ઓળખી શકાય, કેમ કે રાષ્ટ્રભક્તિથી ઊભરાતા અમૃતલાલ શેઠને બ્રિટિશ શાસકો સામે રોષ તો હતો; પરંતુ સાથે સાથે તે સમયનાં દેશી રજવાડાંઓના પ્રજાવિરોધી કારભાર સામે પણ તેઓ સખત નારાજ હતા. આ નારાજગીને કારણે જ તેમને ‘સૌરાષ્ટ્ર’ નામે હથિયાર મળ્યું તેમ કહી શકાય. બન્યું એવું કે મૅટ્રિક થયા પછી તત્કાલીન ધરમપુર રાજ્યમાં શિક્ષક બન્યા. તે સમયે તેમનો પગાર હતો રૂ. 10થી રૂ. 12. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલથી માંડીને મોટા ભાગના તે સમયના રાજકીય આગેવાનો મૂળભૂત રીતે વકીલ હતા અને કદાચ તેથી જ અમૃતલાલ શેઠ પણ એ વ્યવસાયમાં જવા આતુર હતા. આથી જ લીંબડી–વઢવાણમાં રહી વકીલાતનું ભણ્યા અને પોપટલાલ ચૂડગર નામના તે સમયના અગ્રણી વકીલ સાથે કામ કરી હાઈકોર્ટના પ્લીડરની પરીક્ષા આપવા માટે અભ્યાસ કર્યો. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ગિજુભાઈ બધેકા અમૃતલાલના સહાધ્યાયી હતા. આ અભ્યાસ પૂરો થયા પછી લીંબડીમાં તેઓ મૅજિસ્ટ્રેટ બન્યા. અમૃતલાલ શેઠના લેખો અને તંત્રીલેખોના સંગ્રહનું જે પુસ્તક છે – ‘અંતરનાદ’, તેમાં નોંધ છે કે ન્યાયના અમલની બાબતમાં એક વખત અમૃતલાલનું મન દુભાયું. પોતે લખેલા એક ચુકાદામાં દેશી રજવાડાના યુવરાજે દખલ કરી અને તેને કારણે તેમને ચુકાદામાં ફેરફાર કરવો પડ્યો; પરંતુ તેઓ ન્યાયપરાયણ હોવાથી આ વાત તેમને રુચિ નહિ. તેથી રાજકોટ જઈ ધર્મપરાયણ સ્વજન મનસુખલાલ રવજીભાઈ મહેતાને મળ્યા અને તેમની સલાહ લીધી. મનસુખલાલે સલાહ આપી : ‘અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા છે, પણ રજવાડાંની પ્રજાનું કોઈ નથી. જેનું કોઈ નથી તેના તમે થાઓ.’ અમૃતલાલને પ્રેરણા મળી ગઈ. લીંબડી દરબારને રાજીનામું ધરી દીધું અને રાણપુર પહોંચી મહાત્મા ગાંધીના જન્મદિવસ બીજી ઑક્ટોબર, 1921થી ‘સૌરાષ્ટ્ર’નો પ્રારંભ કર્યો. પત્રકારત્વ વિશે સંખ્યાબંધ પુસ્તકો લખનાર યાસીન દલાલ ‘અખબારનું અવલોકન’ પુસ્તકમાં નોંધે છે કે ‘સૌરાષ્ટ્ર’ અને તેના સ્થાપક અમૃતલાલ શેઠે સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પણ ગુજરાત અને દેશના પત્રકારત્વના ઇતિહાસમાં એક નવો સીમાસ્તંભ સ્થાપ્યો. એણે સૌરાષ્ટ્રના પત્રકારત્વનું કલેવર ધરમૂળથી બદલી નાંખ્યું અને પત્રકારત્વને એક નવી વ્યાખ્યા આપી, નવો સંદર્ભ આપ્યો.

અલકેશ પટેલ