સૌંદરનંદ : સંસ્કૃત ભાષામાં રચાયેલું મહાકાવ્ય. બૌદ્ધ મહાકવિ અશ્વઘોષે રચેલું આ મહાકાવ્ય 18 સર્ગોનું બનેલું છે. તેમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદના નિર્વાણની વાર્તા વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આરંભમાં બુદ્ધને નમસ્કાર કરી કપિલવસ્તુ નગરીનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં શાસન કરતા શાક્ય વંશનું વર્ણન પણ છે. બીજા સર્ગમાં રાજા શુદ્ધોદનના વર્ણન પછી તેમના કુમાર સિદ્ધાર્થ એટલે ગૌતમ બુદ્ધનું વર્ણન છે. ત્રીજા સર્ગમાં ગૌતમની બુદ્ધત્વપ્રાપ્તિનો પ્રસંગ કેન્દ્રસ્થાને છે. ચોથા સર્ગમાં બુદ્ધના પિતરાઈ ભાઈ નંદનું તેની પત્ની સુંદરી સાથેના વિલાસનું વર્ણન છે. દરમિયાન બુદ્ધ ત્યાં ભિક્ષા માટે આવ્યા અને નંદ પોતાના તાનમાં ગુલતાન હોવાથી ભિક્ષા લીધા વગર બુદ્ધ ચાલ્યા ગયા એવી ખબર પડતાં નંદ તેમને શોધવા તેમની પાછળ જાય છે. પાંચમા સર્ગમાં બુદ્ધ પાસે આવી નંદ તેમને પ્રણામ કરે છે; આથી બુદ્ધ પોતાનું ભિક્ષાપાત્ર આપી નંદને ધર્મોપદેશ કરે છે; એટલે નંદ સાધુવેશ ધારણ કરે છે. છઠ્ઠા સર્ગમાં મહેલમાં પતિ નંદની રાહ જોતી સુંદરીનું વર્ણન છે. સાતમા સર્ગમાં પત્નીના સ્મરણથી દુ:ખી થઈ નંદ પાછા પત્ની પાસે જવા વિચારે છે. આઠમા સર્ગમાં નંદ પોતાના દુ:ખનું કારણ એક શ્રમણને પૂછે છે તેથી શ્રમણ તેને તે આપે છે. નવમા સર્ગમાં શ્રમણ સ્ત્રીઓની નિંદા કરી તેઓ તપમાં વિઘ્ન હોવાનું કારણ છે એમ નંદને કહે છે. દસમા સર્ગમાં બુદ્ધ નંદને સમજાવે છે. એ પછી બુદ્ધ સાધુ-વ્રત તોડવા તૈયાર થયેલા નંદને આકાશમાં લઈ જઈ અપ્સરાઓને બતાવે છે અને તેમને મેળવવા તપ કરવાનો ઉપાય બતાવે છે. અગિયારમા સર્ગમાં આનંદ નામનો શ્રમણ અપ્સરાને મેળવવા તપ કરતા નંદની હાંસી ઉડાવે છે. બારમા સર્ગમાં નંદ બુદ્ધ પાસે જઈ નિર્વાણપ્રાપ્તિનો ઉપાય પૂછે છે. તેરમા સર્ગમાં બુદ્ધ નંદને ઉપદેશ આપે છે. ચૌદમા સર્ગમાં ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો એ જ કર્તવ્ય છે એમ બુદ્ધ નંદને કહે છે. પંદરમા સર્ગમાં બુદ્ધ નંદને માનસિક શુદ્ધિની રીત બતાવે છે. સોળમા સર્ગમાં બુદ્ધ ચાર આર્ય સત્યોનું વર્ણન નંદ પાસે કરે છે. સત્તરમા સર્ગમાં બુદ્ધ નંદ પાસે અમૃત-તત્વની પ્રાપ્તિ નિરૂપે છે. અંતિમ અઢારમા સર્ગમાં નંદ તપ કરી માર પર વિજય મેળવે છે અને નંદના અજ્ઞાનનો નાશ થતાં જ્ઞાનનો ઉદય થાય છે.

આમ ‘સૌંદરનંદ’ મહાકાવ્યમાં કવિને મન બૌદ્ધ ધર્મનો ઉપદેશ મુખ્ય અને કથાનક ગૌણ છે. કામ અને ધર્મ વચ્ચે સંઘર્ષ તેમાં રજૂ થયો છે. તેમના ‘બુદ્ધચરિત’ મહાકાવ્ય કરતાં ‘સૌંદરનંદ’માં કાવ્યતત્વ વધુ છે. ‘સૌંદરનંદ’ નેપાળના રાજકીય પુસ્તકાલયમાંની બે હસ્તપ્રતો પરથી હરપ્રસાદ શાસ્ત્રીએ કોલકાતાની ‘બિબ્લિયોથિકા ઇન્ડિકા’ સિરીઝમાં પ્રકાશિત કર્યું છે.

પ્ર. ઉ. શાસ્ત્રી