સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર (1947–1967) : સૌરાષ્ટ્રના રાજકોટની એક મહત્વની નાટ્યસંસ્થા. સ્થાપકસૂત્રધારો ગુલાબભાઈ શાહ, લાભુભાઈ દવે, નાનુ ખંભાયતા, એમ. આર. દાઉદી, સનત ઠાકર, રામજી વાણિયા વગેરે. સંસ્થાએ સામાજિક દૃષ્ટિબિંદુથી પ્રેરાઈ સમાજ-સુધારણા અને નવજાગૃતિનાં અનેક નાટકો કર્યાં; જેમાં ‘ધરતીનો સાદ’ (1949), ‘ભાઈબીજ’ (1952), ‘જાગતા રહેજો’ (1953), ‘ભૂદાન’ (1954), ‘મારે પરણવું છે’ (1956), ‘અખો’ (1956) વગેરે. ઉપરાંત ‘મંગલ મંદિર’, ‘ઘરનો દીવો’, ‘અલ્લાબેલી’ વગેરે પણ નોંધપાત્ર નાટકો પ્રસ્તુત કર્યાં. સૌથી વધુ નોંધપાત્ર તે રામજી વાણિયાનું નાટક ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ ગણાય છે. સંસ્થાના મુખ્ય કલાકારોમાં જયંત પંડ્યા, જયંત ભટ્ટ, ગિરીશ રાવલ, મોહનભાઈ જોબનપુત્રા, વસંત જાની, જગદીશ દવે, જ્યોત્સ્ના મોદી, દેવયાની ત્રિવેદી, સરોજ શાહ વગેરેએ સંસ્થા દ્વારા ગુજરાતી રંગભૂમિમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. સંસ્થાએ નવા લેખકો અને કલાકારોને તાલીમ આપવામાં પણ પહેલ કરી હતી.
શૈલેષ ટેવાણી