સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) :

January, 2009

સૌફ્રિયેર પર્વત (Soufriere Mount) : કૅરિબિયન સમુદ્રમાંના લઘુ ઍન્ટિલિઝ ટાપુજૂથમાં સેન્ટ વિન્સેન્ટ ટાપુ પર આવેલો સક્રિય જ્વાળામુખી પર્વત. 1,234 મીટરની ઊંચાઈ ધરાવતો સેન્ટ વિન્સેન્ટ ટાપુ સુંદર ભૌમિતિક આકાર ધરાવે છે. 1812માં અને ફરીથી 1902માં તેનાં પ્રચંડ પ્રસ્ફુટનો થયેલાં, તે વખતે અડધા ટાપુનો નાશ થયેલો અને અંદાજે 2,000 લોકોનાં મૃત્યુ થયેલાં. 1971માં મંદ પ્રસ્ફુટનો થયેલાં, પરંતુ કાંઈ નુકસાન થયેલું નહિ; 1979માં એપ્રિલમાં થયેલાં પ્રસ્ફુટનોથી તારાજી થવાના ભયથી અહીંના અધિકારીઓએ ટાપુનો 66 % ભાગ ફરજિયાત ખાલી કરાવેલો, તેથી માનવ-પ્રાણીજીવનને ખાસ અસર પહોંચેલી નહિ; પરંતુ ખેતીના પાકોને પુષ્કળ નુકસાન થયેલું.

આ જ્વાળામુખીમાંથી થતાં લગભગ બધાં જ પ્રસ્ફુટનોમાંથી ગંધકની વાસ આવતી હોવાથી તેને આ પ્રમાણેનું ફ્રેન્ચ નામ (સૌફ્રિયેર = ગંધકની ખાણ) અપાયેલું છે.

જાહનવી ભટ્ટ