સૌતિ : રોમહર્ષણ સૂત નામના પુરાણવેત્તા આચાર્યના પુત્ર અને શિષ્ય. પુરાણોમાં એમને ‘જગતગુરુ’ અને ‘મહામુનિ’ કહેવામાં આવ્યા છે. સૌતિએ જ નૈમિષારણ્યમાં ઋષિઓને મહાભારતની કથા સંભળાવી હતી.
મહાભારતની કથાનાં ત્રણ સંસ્કરણો થયાં. પહેલું સંસ્કરણ જે ‘જય’ને નામે ઓળખાયું. તેમાં 1200 શ્લોક હતા અને તે વેદ વ્યાસજીએ પોતાના શિષ્ય વૈશંપાયનને સંભળાવ્યું હતું. એ ગ્રંથમાં જરૂરી સુધારાવધારાવાળી 24,000 શ્લોક પ્રમાણની આવૃત્તિ ભારત નામે ઓળખાઈ જેની કથા વૈશપાયને રાજા જનમેજયને સંભળાવેલી. આ ગ્રંથમાં સૌતિએ અનેક આખ્યાનો જોડ્યાં અને સમગ્ર હરિવંશ નામનો કૃષ્ણકથાનો ગ્રંથ જોડી આ એક લાખ શ્લોકપ્રમાણનું ‘મહાભારત’ નામનું ત્રીજું સંસ્કરણ થયું જેનો પાઠ સૌતિએ નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓ સમક્ષ રજૂ કર્યો હતો. અત્યારે મહાભારતની આવૃત્તિ ઉપલબ્ધ છે તે સૌતિની પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ મહાગ્રંથના આદિ પ્રવર્તક તો વેદવ્યાસ જ ગણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ