સોહોની, કમલા (. 18 જૂન 1911, ઈન્દોર; અ. 28 જૂન 1998, નવી દિલ્હી) : ફિલ્ડ્સ બાયોકેમિસ્ટ્રીના વૈજ્ઞાનિક, બ્રિટિશ યુનિવર્સિટીમાં વિજ્ઞાનમાં પીએચ.ડી. મેળવનારાં પ્રથમ ભારતીય મહિલા.

કમલા સોહોનીના પિતા નારાયણરાવ ભાગવત તેમજ તેના કાકા માધવરાવ ભાગવત રસાયણશાસ્ત્રી હતા. કમલા 1933માં બોમ્બે યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર(મુખ્ય) અને ભૌતિકશાસ્ત્ર(ગૌણ) વિષય સાથે સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન ફેલોશિપ માટે અરજી કરી, પરંતુ તત્કાલીન નિયામક અને નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો. સી. વી. રામને તેમની અરજીને નકારી કાઢી. તેઓ મહિલાઓને સંશોધન કરવા માટે સક્ષમ ગણતા નહોતા. કમલાના આગ્રહ પછી રામન તેમને કેટલીક શરતો સાથે પ્રવેશ આપવા તૈયાર થયા. એ શરતો આવી હતીઃ કમલાને નિયમિત વિદ્યાર્થી તરીકે પ્રવેશ આપવામાં આવશે નહીં, તેઓ આખા પ્રથમ વર્ષ માટે પ્રોબેશન પર રહેશે, જ્યાં સુધી રામન પોતે તેમની ગુણવત્તાથી સંતુષ્ટ ન થાય ત્યાં સુધી તેમનાં કાર્યને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવશે નહીં, તેણી તેના પુરુષ સાથીદારો માટે ‘વિક્ષેપ’ બનીને વાતાવરણને બગાડે નહીં. રામન દ્વારા અપમાનિત થવા છતાં કમલા શરતો માટે સંમત થયાં. આમ 1933માં સંસ્થામાં પ્રવેશ મેળવનારી પ્રથમ મહિલા બન્યાં. IIScમાં કમલાના માર્ગદર્શક શ્રી શ્રીનિવાસય્યા (Sri Srinivasayya) હતા. એક વર્ષ પછી કમલાના કામથી સંતુષ્ટ થઈને રામને બાયોકેમિસ્ટ્રીમાં નિયમિત સંશોધન કરવાની મંજૂરી આપી. અહીં તેમણે દૂધ, કઠોળ અને કઠોળમાં પ્રોટીન પર કામ કર્યું હતું. તેમણે તેમનું સંશોધન બોમ્બે યુનિવર્સિટીમાં સબમિટ કર્યું અને એમ.એસસી.ની ડિગ્રી મેળવી. તે પછી તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયાં. યુનિવર્સિટીમાં ફ્રેડરિક જી. હોપકિન્સ લેબોરેટરીમાં કામ કર્યું. તેઓ પલ્સ પ્રોટીન પર કામ કરનાર પ્રથમ વ્યક્તિ હતાં. 1937માં મેટ્રિક અને બાયોલોજિકલ નેચરલ સાયન્સ ટ્રીપોસનો અભ્યાસ કર્યો. તેમણે દૂધ અને કઠોળમાં પહેલાં વિવિધ પ્રોટીનની લાક્ષણિકતા પર કામ કર્યું. તેમણે પીએચ.ડી. કરવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંશોધન માટે શિષ્યવૃત્તિ મેળવી. તેમણે બટાકા પર સંશોધન કરી છોડની અંદર બાયોકેમિકલ પ્રતિક્રિયાઓમાં એન્ઝાઇમ ‘સાયટોક્રોમ સી’ની સાર્વત્રિકતા શોધી. તેમણે તેમના પીએચ.ડીની થીસીસ માત્ર 14 મહિનામાં પૂર્ણ કરી અને તે પણ માત્ર 40 પાનાંની. આમ તેઓ પીએચ.ડી. મેળવનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં. કમલાને બે શિષ્યવૃત્તિઓ પણ મળી – કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સર વિલિયમ ડવાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોકેમિસ્ટ્રીની અને અમેરિકન ટ્રાવેલિંગ ફેલોશિપની.

પીએચ.ડી. પછી તેઓ 1939માં ભારત આવ્યાં. તેઓ નવી દિલ્હીની લેડી હાર્ડિન્જ મેડિકલ કૉલેજમાં બાયોકેમિસ્ટ્રી વિભાગના પ્રોફેસર અને વડા તરીકે નિયુક્ત થયાં. બાદમાં ન્યુટ્રીશન રીસર્ચ લેબોરેટરી, કુન્નુર ખાતે સહાયક નિયામક તરીકે કામ કર્યું. લગ્ન પછી તેઓ મુંબઈ આવ્યાં. તેઓ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં બાયોકેમિસ્ટ્રી વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયાં અને તેના ડિરેક્ટર પણ બન્યાં. તેમણે કઠોળના પોષક પાસાઓ પર કામ કર્યું. ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના કહેવાથી તેમણે ‘નીરો’ (તાડના ફૂલમાંથી કાઢવામાં આવેલ રસ) પર કામ શરૂ કર્યું. તેણે નીરોમાં વિટામીન A, વિટામીન C અને આયર્નની માત્રા શોધી. આ માટે તેમને રાષ્ટ્રપતિ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

તેઓ મુંબઇની આરે મિલ્ક પ્રોજેક્ટ ફેક્ટરીનાં સલાહકાર હતાં. તેઓ કન્ઝ્યુમર ગાઇડન્સ સોસાયટી ઑફ ઇન્ડિયા(CGSI)ના સ્થાપક સભ્ય હતા. તેમણે સંસ્થાના સામયિક ‘કીમત’ માટે ગ્રાહક સુરક્ષા પર લેખો પણ લખ્યાં હતાં. તેમણે પુસ્તકો પણ પ્રકાશિત કર્યાં હતાં.

1998માં નવી દિલ્હીમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આયોજિત સન્માન સમારોહ દરમિયાન કમલા સોહોનીનું અવસાન થયું હતું. 18 જૂન, 2023ના રોજ સર્ચ એન્જિન ગૂગલે સોહોનીને તેની 112મી જન્મજયંતી પર ડૂડલ વડે યાદ કર્યા હતા.

અનિલ રાવલ