સૌંદર્ય આણિ સાહિત્ય : બી. એસ. મરઢેકરનો જાણીતો નિબંધસંગ્રહ (1955). આ સંગ્રહ સાહિત્યિક સિદ્ધાંત અને વિવેચન વિશેનો છે. તે ત્રણ ભાગમાં વિભાજિત છે. પ્રથમ ભાગમાં 7 નિબંધો છે; જેમાં ‘સૌંદર્યપરક કથન’, ‘સૌંદર્યપરક લાગણીઓ’ અને સજાતીય પ્રશ્નોના પ્રકારની સમજૂતી છે. બીજો ભાગ 10 નિબંધોનો છે. તેમાં સાહિત્યના સૌંદર્ય અને તેની મહાનતાના સ્રોત વચ્ચેના સંબંધો તપાસવામાં આવ્યા છે. ત્રીજા ભાગમાં કાવ્ય પર નોંધ અને સૌંદર્યને લગતી બાબતો અંગે ઍરિસ્ટોટલ અને આઇ.એ. રિચાર્ડ્ઝના વિચારોનું નિરૂપણ છે.
આ કૃતિ રસ, ધ્વનિ, અલંકાર વગેરેના પરંપરાગત ભારતીય ખ્યાલોની ચિકિત્સા કરે છે અને તેમાં પહેલી જ વખત ચોકસાઈ અને શિસ્તપાલનની કળામાં સૌંદર્યનું નિયંત્રણ કરતા તર્કપૂત સિદ્ધાંત વિશે છણાવટ છે. ટૂંકમાં રંગો, રેખાઓ જેવાં સંવેદનાદ્યોતક તત્વોનાં શુદ્ધ પ્રવર્તનમાં કલાનું મૂલ્ય રહેલું છે એવું તેમનું મંતવ્ય છે. સંવેદનાદ્યોતક તત્વોના અર્થનિર્ધારણના પાસાને ધ્યાનમાં લીધા વિના પણ શુદ્ધ સૌંદર્યપરક આહલાદ પામી શકાય છે. આમ મરઢેકર કળામાં અભિગમ વિશેના યુરોપીય આગ્રહના તેઓ પ્રશિષ્ટ રીતિના પ્રથમ ભારતીય પક્ષકાર છે.
આ કૃતિને 1957ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. મરાઠી સાહિત્યિક વિવેચનના ઇતિહાસમાં આ કૃતિ સીમાચિહનરૂપ છે.
બળદેવભાઈ કનીજિયા