સોલો નદી : ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પરની લાંબામાં લાંબી નદી. તેને ‘બેંગાવન સોલો’ પણ કહે છે. તે ગુંનુંગ લેવુ જ્વાળામુખી પર્વતના ઢોળાવ પરથી તેમજ દક્ષિણ તરફની લાઇમસ્ટોન હારમાળામાંથી નીકળે છે. શરૂઆતમાં તે ઉત્તર તરફ અને પછી પૂર્વ તરફ વહે છે તથા તેની સામે સુરબાયાની વાયવ્યમાં આવેલી મદુરા સામુદ્રધુનીમાં ઠલવાય છે. તેની લાંબામાં લાંબી સહાયક નદી મેદિયન તેને અંગાવી નજીક મળે છે. ત્યાંથી તે મધ્યની લાઇમસ્ટોન હારમાળામાં 32 કિમી.નો માર્ગ પસાર કરીને સોલો ખીણમાં પ્રવેશે છે; અહીં તેનો પ્રવહનપથ તદ્દન આછા ઢોળાવવાળો બની રહેતો હોવાથી તે સર્પાકારે વહે છે. તેનો ત્રિકોણપ્રદેશ પંકભૂમિવાળો છે. અહીં ઘણાં તળાવો રચાયાં છે. તેમાંથી માછલીઓ મેળવાય છે. મદુરા અને જાવા વચ્ચેની સામુદ્રધુનીમાં કાંપની જમાવટ થતી અટકાવવા નદીના મુખભાગને ઉત્તર તરફ વાળવામાં આવ્યો છે. સૂકી મોસમમાં તેનો ઘણોખરો પથ કોરો બની જાય છે; પરંતુ વરસાદની મોસમ(નવેમ્બરથી એપ્રિલ)માં સોલો ખીણપ્રદેશમાં તેના જળરાશિનું સરેરાશ કદ 440 ઘનમીટર અને મહત્તમ જળરાશિ-કદ 880 ઘનમીટર જેટલું રહે છે. માનવ-ઉત્ક્રાંતિના આદિ હોમિનિડ ‘સોલો માનવ’ના અવશેષો આ વિસ્તારમાંથી મળેલા.
જાહનવી ભટ્ટ