સોલોન (જ. ઈ. પૂ. 630; અ. ઈ. પૂ. 560) : પ્રાચીન યુરોપના મધ્ય ગ્રીસમાં પૂર્વ દિશાએ આવેલા એટિકાના મુખ્ય નગર ઍથેન્સનો લોકશાહી નેતા અને સુધારક. ઍથેન્સના નગરરાજ્યના નવ મુખ્ય વહીવટદારો – નવ આર્કનો – માંનો એક. જન્મે એટિકાનો ઉમરાવ. આરંભની કારકિર્દી વેપારી તરીકે શરૂ કરેલી. વિદેશી વેપારમાં ઝંપલાવેલું અને પ્રજાજીવનનાં દુ:ખદર્દોનો અનુભવ કરેલો. જાતે કવિ હતો અને પ્રેમનાં તેમજ દેશભક્તિનાં કાવ્યો લખતો. જાહેર સેવામાં જોડાઈને તેણે સૌપ્રથમ મેગારિયનો પાસેથી સલામિસ પાછું મેળવી આપેલું.

સોલોન પિસ્તાળીસ વર્ષની ઉંમરે ઍથેન્સમાં આર્કનપદે નિમાયો (ઈ. પૂ. 594). હિંસક ક્રાંતિના આરે પહોંચેલા એટિકાના પ્રદેશને બચાવવા તમામ વર્ગના લોકોએ તેને નીમ્યો હતો અને સરમુખત્યાર સમાન અમર્યાદ સત્તા તેને આપી હતી. સોલોન આર્કન બન્યો તે પૂર્વે એટિકામાં ડ્રેકો(ઈ. પૂ. 621-’20)નું બંધારણ અને કાયદા અમલમાં હતાં. તેના કાયદાના કડક અમલથી સામાન્ય પ્રજા અને ખેડૂતો ત્રાસી ગયાં હતાં. એટિકામાં નિર્બળોનું શોષણ, ઉમરાવોનું વર્ચસ્, મિલકતોનું કેન્દ્રીકરણ, સામાન્ય વર્ગની દેવાદારની સ્થિતિ અને ગુલામગીરી વગેરે દૂષણો પ્રચલિત હતાં. એટિકામાં ક્રાંતિકારી પરિવર્તન જરૂરી હતું. સોલોન ‘ઉગ્ર ક્રાંતિ’નો વિરોધી હતો તેથી તેણે શાંત ચિત્તે સુધારાવાદી વલણ અપનાવ્યું હતું. પરિણામે એટિકામાં હિંસક ક્રાંતિ અટકી ગઈ. સત્તાસ્થાને આવ્યો ત્યારે સોલોનને પ્રજાની આર્થિક, વહીવટી અને સામાજિક સમસ્યાઓનું જ્ઞાન હતું. તેણે કરેલા સુધારાઓને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) આર્થિક અને સામાજિક, (2) બંધારણીય અને (3) સામાન્ય નીતિનિયમો.

આર્થિક : સૌપ્રથમ સોલોને વ્યક્તિઓનાં રાજ્ય અને ઉમરાવો પ્રત્યેનાં દેવાં માફ કરાવ્યાં અને ગીરવી મૂકેલી મિલકતો કોઈ પણ બદલા વગર છોડાવી. દેવા બદલ ગુલામ બનાવાયેલા યા વિદેશમાં વેચી દેવાયેલાને મુક્ત કરાવ્યા. દેવા બદલ ગુલામ બનાવવાની પ્રથા જ બંધ કરાવી. જેલમાં સબડતા અને દેશનિકાલ કરાયેલાની સજા માફ કરી. ભૂમિભોગવટાની પ્રથામાં સુધારો કરીને ગીરવી મૂકેલી જમીનો છોડાવી અને જમીનની ટોચમર્યાદા નક્કી કરીને વધારાની જમીનો જપ્ત કરી. ઑલિવના તેલ સિવાય અન્ય ચીજો અનાજ વગેરેની નિકાસબંધી કરી. સોલોનના ઉક્ત સુધારાઓથી ગરીબોને રાહત મળી, ખેડૂતોની સ્થિતિ સુધરી અને સ્વતંત્ર નાગરિકોની સંખ્યા વધી.

બંધારણીય : સોલોને લોકશાહીના પાયા ઉપર બંધારણ રચીને ઍથેનિયન લોકશાહીનો પાયો નાખ્યો. એટિકાના સ્વતંત્ર નાગરિકો આવકની દૃષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચાયેલા હતા. સોલોને ખેડૂતો–મજૂરોનો એક ‘થેટ્સ’નો ચોથો વર્ગ ઉમેર્યો; જેને વહીવટી અધિકારો નહોતા પણ નગરસભામાં બેસી શકતા, અધિકારીઓની ચૂંટણીમાં ભાગ લઈ શકતા. સોલોને 400 સભ્યોની નવી આમસમિતિ રચી, જેમાં થેટ્સ સિવાય ચારેય આયોનિયન જાતિને સમાન પ્રતિનિધિત્વ આપ્યું. થેટ્સ સહિતના ચારેય વર્ગોની ‘પ્રજાકીય અદાલત’ (Heliaea) ઊભી કરી.

સામાન્ય નીતિનિયમો : સોલોને એટિકાના પ્રજાજીવનને વ્યવસ્થિત બનાવવા અને નૈતિકતા બક્ષવા એક આચારસંહિતા પણ રચી હતી. જેના નિયમોની યાદી લાંબી છે.

આમ, સોલોને બાવીસ વર્ષ આર્કનપદે રહીને ઍથેનિયન લોકશાહીનો પાયો નાખ્યો. તેણે કરેલા સુધારાનાં મૂળ એટલાં ઊંડાં હતાં કે 500 વર્ષ પછી પણ ઍથેન્સમાં તે અમલમાં હતાં. કાયદાની અસરો જાણવા તેણે આર્કનપદ છોડ્યું (ઈ. પૂ. 572). તે ઇજિપ્ત, સાયપ્રસ અને લીડિયા ગયો અને દસ વર્ષે ઍથેન્સમાં પાછો ફર્યો (ઈ. પૂ. 562) ત્યારે દુ:ખી થયો; કારણ કે લોકશાહીના સ્થાને પિસિસ્ટ્રેટ્સની સરમુખત્યારી ત્યાં સ્થપાઈ ચૂકી હતી. ગ્રીસના સાત ડાહ્યા માણસોમાંનો એક સોલોન ગણાતો હતો.

મોહન વ. મેઘાણી