સોલોમન (ઈ. પૂ. 974થી ઈ. પૂ. 37) : પ્રાચીન કાળના ઇઝરાયલ દેશનો રાજા. પિતા ડૅવિડ અને માતા બાથશીબાનુ બીજું સંતાન. ખ્રિસ્તી ધર્મગ્રંથ ‘જૂનો કરાર’માં સોલોમનની કથા મળે છે. ‘સોલોમન’ એટલે શાંત. બાઇબલની કથા પ્રમાણે તેના પિતા ડૅવિડે દેવાધિદેવ ‘યાહવે’ની પ્રેરણાથી પુત્રમાં શાંતિ અને ધૈર્યના ગુણો જાણીને ‘સોલોમન’ નામ રાખેલું, જ્યારે ધર્મપંડિત નેથને તેનું ‘યાહવેનો વહાલો’ (Jedidiah) નામ પસંદ કરેલું. સોલોમન પ્રાચીન ઇઝરાયલના ઇતિહાસમાં ન્યાયી, ડહાપણવાળા અને શાંતિપ્રિય રાજા તરીકે ઓળખાય છે.

સોલોમનને ગાદીપ્રાપ્તિ અંગે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડેલો. ઇઝરાયલમાં એવો નિયમ નહોતો કે મોટો પુત્ર જ ગાદી મેળવે. રાજા ઇચ્છે તેને નીમી શકે. ડૅવિડના મોટા પુત્ર એમ્નોન(Amnon)નું ત્રીજા પુત્ર ઍબ્સલમે (Absalam) ખૂન કર્યું અને પછી પોતે પણ બળવામાં મરાયો. ત્યાર પછીનો પુત્ર એડોનિજા (Adonijah) સૌથી સબળ દાવેદાર હતો. તે પિતાવત્સલ, પ્રજાપ્રિય અને દરબારમાં માનીતો હતો; તેમ છતાં મરણાસન્ન ડૅવિડે સોલોમનને ગાદીવારસ જાહેર કર્યો. બાઇબલ-કથા પ્રમાણે તો નેથનના કહેવાથી રાણી બાથશીબાએ જ રાજાને તેમની પ્રતિજ્ઞા યાદ દેવડાવી કે ભૂતકાળમાં તેમણે સોલોમનની તરફદારી કરેલી. ડૅવિડે તરત જ નેથન, બિનાઇઆ અને ધર્મગુરુ ઝેડોકને બોલાવ્યા અને સોલોમનને વારસ જાહેર કર્યો (ઈ. પૂ. 974). નાગરિકો અને એડોનીજાના પક્ષકારોએ વિના વિરોધે તે સ્વીકાર્યું. નવા ધર્મગુરુ તરીકે ઝેડોક નિમાયો અને સેનાપતિ જોએબને મારી નાખ્યો.

સોલોમનને લશ્કરી અભિયાનમાં રસ નહોતો તેથી વારસામાં મળેલું રાજ્ય જાળવી રાખ્યું અને દૃઢ બનાવ્યું. સરહદો વધારવા પ્રયત્નો કર્યા નહિ. તેમનું સાડત્રીસ વર્ષનું શાસન શાંતિપૂર્ણ અને સમૃદ્ધિશાળી રહ્યું. સામ્રાજ્યને સુરક્ષિત રાખવા પડોશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવ્યા. ઇજિપ્તના ફેરોની પુત્રી સાથે લગ્ન કરીને મૈત્રી જાળવી. ફેરોએ કેન્નાઈનો કિલ્લો જેસર જીતીને દાયજામાં આપ્યો, જેને પછી સોલોમને ફરી બાંધ્યો. એશિયા માઇનરકાંઠે ટાયરના રાજા હાઇરમ સાથે પિતા ડૅવિડના શાસન દરમિયાન મૈત્રી હતી તેને સોલોમને ચાલુ રાખી, જેથી રાજ્યની ઉત્તર સરહદ સલામત રહી અને ભૂમધ્ય સાગરમાં વેપારી પ્રવૃત્તિમાં પણ અનુકૂળતા રહી. યરૂશાલેમ (જેરૂસલેમ) પાસે ઝાઇડોન, મોએબ અને એમનનાં મંદિરો બંધાવ્યાં, જેથી તે તરફના લોકોનો પ્રેમ જીતી શક્યો અને ‘ગલ્ફ ઑવ્ અકાબા’નાં બંદરો વાપરી શક્યો.

સોલોમનના શાસન દરમિયાન રાજ્યનો વેપાર વિપુલ પ્રમાણમાં ચાલતો અને તેનો ઇજારો સોલોમન પાસે રહેતો. આયાત એટલી કે ચાંદી પથ્થરતુલ્ય ગણાતી. ઉપરાંત યરૂશાલેમમાં ઘોડાઓનો મોટો વેપાર હતો. ભૂમધ્ય સાગરનો વેપાર હાઇરમની ભાગીદારીમાં ચાલતો અને તેના જ કુશળ વહાણવટીઓ કાર્યરત રહેતા. પૌરસ્ત્ય વેપાર અને સંસ્કૃતિમાં ઇઝરાયલનો પ્રથમ પ્રવેશ સોલોમનના શાસનમાં થયો.

સોલોમનનું લાંબું અને શાંતિપૂર્ણ શાસન જાહેર અને અંગત બાંધકામો માટે અનુકૂળ સાબિત થયું હતું. પિતા ડૅવિડે બંધાવેલો રાજમહેલ સોલોમને નવો બંધાવ્યો. રાજા હાઇરમના કારીગરો દ્વારા માલસામાનથી બાંધતાં તેને તેર વર્ષ લાગ્યાં હતાં. યરૂશાલેમમાં તેણે વિશાળ દેવાલય બંધાવ્યું હતું; જેને બાંધવામાં સાત વર્ષ લાગ્યાં હતાં. નગરની ઇમારતોના રક્ષણના હેતુથી દીવાલ પણ ચણાવી જેથી યરૂશાલેમ શોભાયમાન અને ભવ્ય બન્યું હતું. આ ઉપરાંત તેણે કિલ્લેબંધીવાળાં નાનાં એવાં નગરો બંધાવ્યાં, જેમનો ઉપયોગ લશ્કરી છાવણીઓ, શસ્ત્રભંડારો અને ગોદામો તરીકે થતો.

વહીવટી સરળતા ખાતર સોલોમને સામ્રાજ્યને બાર જિલ્લાઓમાં વહેંચેલું. પ્રત્યેક જિલ્લા પાસેથી વારા પ્રમાણે કર વસૂલ કરાતો. રાજ્યમાં કોઈ ઇઝરાયલી ગુલામ નહોતો અને વેઠપ્રથા પણ નહોતી; પરંતુ ભવ્ય રાજદરબાર અને રણવાસ નિભાવવા સ્વતંત્ર નાગરિકો એટલાં નાણાં આપતા કે ગરીબો જેવું જ જીવન જીવતા. લખલૂટ ખર્ચાઓ અને લશ્કરી નિર્બળતાના કારણે સોલોમનનું સામ્રાજ્ય પતનોન્મુખ બન્યું હતું. તેના મૃત્યુ પછી સામ્રાજ્યનું વિભાજન થઈ ગયું.

મોહન વ. મેઘાણી