સોલેન્ટ : ઇંગ્લડના દક્ષિણ કિનારાથી થોડે અંતરે આવેલી ખાડી. ભૌગોલિક સ્થાન : 50° 45´ ઉ. અ. અને 1° 30´ પ. રે.. તે આઈલ ઑવ્ વ્હાઇટની વાયવ્ય બાજુને હૅમ્પશાયરના મુખ્ય ભૂમિભાગથી અલગ પાડે છે. આ ખાડીની લંબાઈ આશરે 24 કિમી. અને પહોળાઈ સ્થાનભેદે 3થી 8 કિમી. જેટલી છે. વિસ્તારની દૃષ્ટિએ જોતાં, તે પશ્ચિમ તરફ આવેલા નીડલ્સથી પૂર્વ તરફ આવેલા સધમ્પ્ટન વૉટર સુધી પથરાયેલી છે. સોલેન્ટની ખાડી પર આવેલાં નગરોમાં આઈલ ઑવ્ વ્હાઇટના કાંઠા પરનાં કૉવેસ અને યારમથ તથા હૅમ્પશાયરના કાંઠા પરનાં લાયમિંગ્ટનનો સમાવેશ થાય છે.

જાહનવી ભટ્ટ