સોલેનૉઇડ (Solenoid) : જેની લંબાઈ તેના વ્યાસની સરખામણીમાં ઘણી વધારે હોય તેવું તારનું ચુસ્ત ગૂંચળું. સોલેનૉઇડમાં થઈ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે પેદા થતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકપટ્ટી(bar magnet)ના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. તેનો અંતર્ભાગ (core) નરમ લોખંડનો હોય તો તેને વિદ્યુતચુંબક તરીકે વાપરી શકાય છે.

સોલેનૉઇડની અક્ષ ઉપર તેની અંદર આવેલા બિંદુ આગળ જ્યાં છેડા અર્ધકોણ θ1 અને θ2 બનાવે તો ચુંબકીય ફ્લક્સ ઘનતા B નીચેના સૂત્રથી મળે છે :

જ્યાં n એકમ-લંબાઈદીઠ ગૂંચળાના આંટાની સંખ્યા છે; I વિદ્યુતપ્રવાહ છે અને m0 ચુંબકીય અચળાંક છે. આ સૂત્રમાં છેડે જોવા મળતી અસરો અવગણવામાં આવી છે.

સામાન્ય પ્રેરક (inductor) એક પ્રકારનું સોલેનૉઇડ છે. તે અલગ કરેલા (insulated) તારનું નળાકાર ગૂંચળું છે. તેની અંદર રાખેલ નરમ લોખંડ પ્રેરકત્વ(inductance)ને વધારે છે. પ્રેરકમાં વહેતા પ્રવાહમાં ફેરફાર થાય છે ત્યારે તેના વડે પેદા થતું ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય છે અને તે પરિપથમાં Electromotiveforce (EMF) પ્રેરિત કરે છે. આવો પ્રેરિત EMF વિદ્યુતપ્રવાહ ઉપર અસર કરે છે. જો વિદ્યુતપ્રવાહ વધતો જતો હોય તો EMF તેનો વિરોધ કરે છે. જો વિદ્યુતપ્રવાહ ઘટતો જતો હોય તો તે તેને જાળવી રાખે છે. આથી પ્રેરક (સોલેનૉઇડ) બદલાતા જતા પ્રવાહનો પ્રતિકાર કરે છે, પણ પ્રવાહ અચળ રહેતો હોય તો તેની અસર થતી નથી. પ્રેરકનો પ્રતિઘાત (reactance) આવૃત્તિ સાથે ચલે છે. આવૃત્તિ શૂન્ય હોય ત્યારે પ્રતિઘાત શૂન્ય થાય છે; પણ જેમ જેમ આવૃત્તિ વધે તેમ તેમ તે વધે છે.

સોલેનૉઇડની અંદર પેદા થતું ચુંબકીય ક્ષેત્ર દિશા અને પ્રબળતામાં એકસમાન (uniform) હોય છે ને સાદા ચુંબક જેવું હોઈ, મુક્ત રીતે લટકાવેલું પ્રવાહધારિત સોલેનૉઇડ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સાથે સમરેખ બને છે.

શીતલ આનંદ પટેલ