સોલેનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – પૉલિમૉનિયેલ્સ, કુળ – સોલેનેસી. આ કુળમાં 85 જેટલી પ્રજાતિઓ અને 2200થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે; જેમનું પ્રાથમિકપણે ઉષ્ણકટિબંધીય અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં વિતરણ થયેલું છે. [જ્યાં લગભગ 38 પ્રજાતિઓ સ્થાનિક (endemic) છે.] Solanum (લગભગ 1500 જાતિઓ), Cestrum (250 જાતિઓ), Lycium (100 જાતિઓ), Physalis (100 જાતિઓ), Nicotiana (100 જાતિઓ) અને Cyphomandra (30 જાતિઓ) જેવી કેટલીક પ્રજાતિઓ મોટી છે.

આ કુળની વનસ્પતિઓ શાકીય, ક્ષુપ, વૃક્ષ, ઘણી વાર કઠલતા (lianous) કે ભૂપ્રસારી (creeping) સ્વરૂપ ધરાવે છે. તેમના પ્રકાંડમાં ઉભય પાર્શ્વસ્થ (bicollateral) વાહીપુલો હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, પુષ્પવિન્યાસની નજીક સંમુખ, અનુપપર્ણીય (estipulate), તિર્યકી (oblique) કે ભાગ્યે જ પક્ષવતનિદર (pinnatisect) હોય છે.

સોલેનેસી. Lycopersicon esculentum (ટમેટાં) : (અ) પુષ્પીય શાખા, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) બીજાશયનો આડો છેદ.

પુષ્પવિન્યાસ કક્ષીય પરિમિત (cyme) એકાકી કે પરિમિત સમૂહના સંયોજન-સ્વરૂપે અગ્રીય કે બાહ્યકક્ષીય (extra-axillary) અથવા કેટલીક વાર એકદ્કિવિકાસી (helicoid) સ્વરૂપે જોવા મળે છે. પુષ્પો નિયમિત, દ્વિલિંગી, પંચાવયવી, અધોજાયી (hypogynous) અને અનિપત્રી (ebracteate) હોય છે.

વજ્ર 5 (કેટલીક વાર 4–6) વજ્રપત્રોનું બનેલું, યુક્તવજ્રપત્રી અને ધારાસ્પર્શી (valvate) હોય છે. તે દીર્ઘસ્થાયી (persistent) હોય છે અથવા વર્ધનશીલ (accrescent) બની ફળને બધી બાજુએથી આવરી લે છે. [દા. ત., અશ્વગંધા (Withania somnifera); પોપટી (Physalis minima)]. દલપુંજ : 5 દલપત્રોનો બનેલો, યુક્તદલપત્રી (gamopetalous) અને સામાન્યત: વલિત (plicate) કે વ્યાવૃત (convolute) અને ભાગ્યે જ ધારાસ્પર્શી હોય છે. દલપુંજના આકારોમાં વૈવિધ્ય જોવા મળે છે [દા. ત., ઘંટાકાર (અશ્વગંધા); ચક્રાકાર (રીંગણ, મરચી, ટમેટાં); નિવાપાકાર (ધતૂરો, તમાકુ); નલિકાકાર (રાતરાણી); દીપકાકાર (બ્રુન્સફેલ્સિયા); ભાગ્યે જ દ્વિઓષ્ઠીય (સાઇઝેન્થસ)].

પુંકેસરચક્ર 5 અથવા કેટલીક વાર 4 કે ક્વચિત્ માત્ર 2 (દા. ત., સાઇઝેન્થસ) પુંકેસરોનું બનેલું; દ્વિદીર્ઘક (didynamous) કે સમાન; મુક્ત, દલપત્રો સાથે એકાંતરિક અને દલલગ્ન (epipetalous) હોય છે. પુંકેસરો જ્યારે 5થી ઓછાં હોય ત્યારે લુપ્ત પુંકેસર કેટલીક વાર વંધ્ય પુંકેસર(staminode)-સ્વરૂપે જોવા મળે છે. પરાગાશયો દ્વિખંડી, મોટા અને અંડાકાર હોય છે. તેમનું સ્ફોટન છિદ્રલ કે લંબવર્તી ફાટ દ્વારા થાય છે. યોજી કેટલીક વાર વિસ્તૃત હોય છે (દા. ત., સાયફોમેન્ડ્રા). અધોજાયી બિંબ (disc) સામાન્યત: જોવા મળે છે.

સ્ત્રીકેસરચક્ર 2 સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્ત સ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ, ઘણે ભાગે દ્વિકોટરીય કૂટપટના વિકાસ દ્વારા 3–5 કોટરીય બને છે. બંને સ્ત્રીકેસરો બીજાશયમાં ત્રાંસાં ગોઠવાયેલાં હોય છે. જરાયુવિન્યાસ (placentation) અક્ષવર્તી પ્રકારનો જોવા મળે છે; જેના પર અસંખ્ય અંડકો આવેલાં હોય છે. હેનૂનિયામાં બીજાશય એકકોટરીય હોય છે અને તેમાં એક જ અંડક હોય છે. મરચીમાં બીજાશય અગ્રભાગેથી એકકોટરીય હોય છે. અંડક અધોમુખી (anatropous) કે કેટલેક અંશે અનુપ્રસ્થ (amphitropous) હોય છે. પરાગવાહિની એક અને પરાગાસન સાદું કે દ્વિખંડી હોય છે. બીજાશયના નીચેના ભાગે મધુગ્રંથિ આવેલી હોય છે.

ફળ અનષ્ઠિલ (દા. ત., ટમેટાં, રીંગણ) કે પટવિદારક (septicidal) પ્રાવર પ્રકારનું જોવા મળે છે. ધતૂરામાં પટભંજક (septifragal) પ્રકારનું ફળ હોય છે. બીજ લીસાં કે ખરબચડાં હોય છે. ભ્રૂણ માંસલ અને અર્ધપારદર્શક ભ્રૂણપોષ(endosperm)માં ખૂંપેલો હોય છે.

વેટસ્ટેઇન આ કુળનો ઉદભવ બહુજાતિવિકાસક (polyphyletic) હોવાનું માને છે; કારણ કે તે કેટલાંક કુળો સાથે સંબંધિત હોવાના પુરાવાઓ પ્રાપ્ત થયા છે. તે સ્ક્રોફ્યુલારિયેસી કુળ સાથે સૌથી ગાઢ રીતે સંબંધિત છે. તે નિયમિત અને વલિત દલપુંજ, પાંચ સમાન પુંકેસરો અને ઉભય પાર્શ્વસ્થ વાહીપુલો દ્વારા અન્ય કુળોથી અલગ પડે છે. વેટસ્ટેઇને આ કુળને નિકેન્ડ્રી, સોલેની, દતુરી, સિસ્ટ્રી અને સાલ્પિગ્લોસિડી જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કર્યું છે.

બૅન્થામ, હૂકર અને બેસીએ આ કુળને પૉલિમોનિયેલ્સ ગોત્રમાં મૂક્યું છે. હેલિયર તેને ટ્યૂબીફ્લૉરીનું આદ્ય કુળ માને છે. તેના મત પ્રમાણે સોલેનેસી કુળનો ઉદભવ લાઇનેસીમાંથી થયો છે. હચિન્સન કૉન્વૉલ્વ્યુલેસી સહિત આ કુળને આદ્ય વર્ગક (taxon) સોલેનેલ્સમાં મૂકે છે; જે તેના પર્સોનેલ્સ ગોત્રનું પૂર્વજ છે.

આ ગોત્રની જાણીતી વનસ્પતિઓમાં Solanum surratense syn. S. xanthocarpum (ભોંયરીંગણી), S. tuberosum (બટાટા), S. melongena (રીંગણ), Lycopersicon esculentum (ટમેટાં), Physalis minima (પોપટી), Nicotiana tabacum (તમાકુ), Atropa belladona (બેલેડોના), Hyoscyamus niger (હેનબેન), Datura metal (ધતૂરો), Capsicum annuum (મરચી), Withania somnifera (અશ્વગંધા), Cestrum nocturnum (રાતરાણી), Petunia violacea (પ્રિયદર્શિની), Brunfelsia latifolia વગેરેનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ