સોરઠા : મુક્તક સ્વરૂપનો લઘુકાવ્યનો એક પ્રકાર. સોરઠા એક છંદ તો છે જ, પણ સાહિત્યના ક્ષેત્રમાં એક સ્વતંત્ર કાવ્યપ્રકાર તરીકે પણ પ્રાચીન સમયથી ખેડાતો આવ્યો છે.

દોહરા / દોહા / દુહા નામે ઓળખાતા પરંપરિત બે પંક્તિઓનાં ચાર ચરણોમાં ચોવીસ માત્રા ધરાવતા માત્રામેળ છંદને જ્યારે ઉલટાવાય, એટલે કે દોહરાની 13 + 11 માત્રાઓનાં ચરણોનું સ્થાન બદલીને 11 + 13 માત્રાઓ મુજબ ગોઠવાય ત્યારે એ જ દુહો / દોહરો સોરઠો બની જાય છે.

દોહરામાં બંને પંક્તિઓના અંતે પ્રાસ મેળવાય છે, જ્યારે સોરઠામાં બંને પંક્તિના છેડે પ્રાસ ન મળે પણ વચ્ચે જ યતિસ્થાને, એટલે કે અગિયાર અગિયાર માત્રા ધરાવતા પહેલાં અને ત્રીજાં ચરણોનો પ્રાસ મળે છે. એક જ રચના દોહામાંથી સોરઠો કેમ બની જાય તેનું ઉદાહરણ અહીં પ્રસ્તુત છે :

કીડી ને કુંજર તણો, જીવ બરાબર જાણ;

કાયા પ્યારી કેશવા, સબકો એક સમાન. (દુહો)

ઉપરના દોહરાને એનાં ચરણો ઉલટાવીને નીચે મુજબ ગોઠવીએ તો સોરઠો બની જાય.

જીવ બરાબર જાણ, કીડી ને કુંજર તણો;

સબકો એક સમાન, કાયા પ્યારી કેશવા. (સોરઠો)

આવી સોરઠા છંદની પરંપરા અત્યંત પ્રાચીન સમયથી આપણે ત્યાં ચાલી આવે છે. ઈ. સ. 1185માં રચાયેલ ‘ભરતેસર બાહુબલિરાસ’ કે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રારંભની અતિ મહત્વની કૃતિ ગણાય છે, એમાં અપાયેલ ગેય દેશીઓ આવા દુહા/દોહરા તથા સોરઠાબંધમાં રચાયેલી જોવા મળે છે. એ જ પ્રમાણે ઈ. સ. 1305માં રચાયેલ મેરુતુંગાચાર્યકૃત ‘પ્રબંધચિંતામણિ’ નામની સંસ્કૃત રચનામાં ઠેકઠેકાણે અપાયેલા તત્કાલીન લોકભાષામાં રચાયેલાં લોકકથાનકોનાં પદ્યોમાંના કેટલાક શુદ્ધ દોહરા તો કેટલાક શુદ્ધ સોરઠાબંધમાં રચાયેલાં જોવા મળે છે. એક સોરઠાનો નમૂનો જોઈએ :

તઇં ગરૂઆ ગિરનાર, કાહૂ મણિ મત્સરુ ધરિઉં;

મારીતા ખંગાર, એક સિહરુ ન ઢાલિયઉ.

આ જ સોરઠો આજે લોકકંઠે આજની ભાષામાં પાઠાંતર – રૂપાંતર પામીને નીચેના સ્વરૂપે સાંભળવા મળે છે :

ગોજારો ગિરનાર, વળામણ વેરીને કિયો;

મરતાં રા’ખેંગાર ખડેડી ખાંગો નવ થિયો.

જુદા જુદા પ્રાકૃત પિંગળ ગ્રંથોમાં બે પરંપરાના દોહા કે દોહરાનું છંદમાપ જોવા મળે છે. એક પરંપરા મુજબ એક પંક્તિમાં 14 + 12 માત્રાઓ ધરાવતી બે પંક્તિઓના દુહા અને બીજી પરંપરા મુજબ એક પંક્તિમાં 13 + 11 માત્રાઓ ધરાવતી ચાર ચરણની બે પંક્તિઓ ધરાવતા દુહાઓ. આ બંને પ્રકારના દોહાઓનું બંધારણ ઉલટાવીને સોરઠાની રચના થયેલી જોવા મળે છે. આવા છંદને અપભ્રંશકાળમાં ‘અપદોહક’ નામથી ઓળખાવવામાં આવતા. એ ‘અપદોહક’ તે જ સોરઠા કે સોરઠિયા દુહા. આવા સોરઠામાં પહેલાં અને ત્રીજાં ચરણોના પ્રાસ મળતા રહે છે, બાકી નિયમ અને તાલ તો દુહા મુજબના જ હોય છે. બંધારણ પણ એક જ. માત્ર પંક્તિમાં રહેલ ચરણનું સ્થાન ફરી જાય. જે ચરણ દુહામાં બીજું કે સમ હોય તે સોરઠામાં પ્રથમ કે વિષમ બની જાય, એ જ રીતે ચોથું ચરણ ત્રીજાના સ્થાને આવી જાય અને પ્રથમ ચરણ સાથે પ્રાસથી જોડાયેલું બની રહે.

પશ્ચિમ ભારતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકસાહિત્ય અને ચારણી સાહિત્યની કરુણ, વીર અને શૃંગારરસનું આલેખન કરતી પદ્યરચનાઓમાં સોરઠા છંદનો પ્રયોગ અતિ કુશળતાથી થયેલો જોવા મળે. જયમલ્લ પરમાર સંપાદિત બૃહદગ્રંથ ‘દુહો દસમો વેદ’માં ગુજરાતભરના વિદ્વાનોએ દુહા-સોરઠા અને દોહા-દોહરાના અન્ય પ્રકારોના છંદ-બંધારણ વિશે વિગતેથી ચર્ચાવિચારણા કરી છે અને આશરે ચારેક હજાર જેટલા વિવિધ રસ, ભાવ, વિષયના દુહા-સોરઠાઓનું સંકલન આપ્યું છે.

નિરંજન રાજ્યગુરુ