સોરઠ, તારાં વહેતાં પાણી (1937) : ઝવેરચંદ મેઘાણીકૃત કીર્તિદા અને લોકપ્રિય નવલકથા. ગુજરાતીની વાતાવરણપ્રધાન પ્રાદેશિક કૃતિઓમાં તે ઘણી ધ્યાનપાત્ર રહી છે. હેતુલક્ષી ઘટનાઓને ક્રમશ: આલેખતી આ નવલકથા સોરઠના જાનપદી જીવનને ઊંડળમાં લે છે. આ નવલકથામાં મહત્વનાં પાત્રો તો અનેક છે પણ તેમાં નાયક-નાયિકા કોઈ નથી. કહેવું હોય તો કહી શકાય કે આ નવલકથાનો નાયક છે સોરઠી પ્રદેશ-પરિવેશ ! અહીં વ્યક્તિઓની કથાવ્યથાને નિમિત્તે મેઘાણીએ સોરઠ પ્રદેશના ભાતીગળ લોકજીવનને એના અનેક પ્રસંગો-રંગો સાથે, સરસ રીતે આલેખ્યું છે. આ સંદર્ભમાં આ પ્રાદેશિક નવલકથા બની રહે છે. વીસમી સદીના પ્રારંભિક બે-અઢી દાયકાના સોરઠ-પ્રદેશને એની લાક્ષણિકતાઓ સાથે, એના જ પરિવેશ અને બોલીમાં લેખક વર્ણવે છે. પ્રસ્તાવનામાં મેઘાણી (પૃ. 7 પર) લખે છે :
‘એ ઇતિહાસ વ્યક્તિઓનો છે અને નથીયે; પણ સમષ્ટિનો ઇતિહાસ તો એ છે જ છે; કેમ કે ઇતિહાસ જેમ વિગતોનો હોય છે, તેમ વાતાવરણનો પણ હોઈ શકે છે. અથવા વિગતો કરતાં પણ વાતાવરણની જરૂર ઇતિહાસમાં વિશેષ છે, જો એ જનસમૂહનો ઇતિહાસ બનવા માગતો હોય તો બેશક.’
લેખકને જીવનમાં પ્રભાવિત કરનારી વ્યક્તિઓ અહીં પાઠ ફેરેપાત્ર રૂપે પ્રગટી છે ને પ્રદેશનું વાતાવરણ તો એમને બાળપણથી જ મળ્યું છે. આનાથી આલેખનમાં સચ્ચાઈ અને રજૂઆતમાં પ્રભાવકતા પણ આવ્યાં છે. નવલકથાના કેન્દ્રમાં પિનાકી નામના કિશોરની ઘડતર કથા રહેલી છે એ ખરું, પણ એ નિમિત્તે ને એની આસપાસ બીજી સંઘર્ષકથાઓ પણ આલેખાઈ છે. પિનાકીના દાદા મહિપતરામનો જીવનસંદર્ભ જૂના યુગને રજૂ કરે છે જાણે કે જૂના-નવા યુગનો સંધિકાળ અહીં રજૂ થઈ રહ્યો છે. સુરગ, રુખડ શેઠ, સમારણ, વાઘજી, લક્ષ્મણ, ગોદડવાળો, ભાવર ઝુલેખા તથા સુરેન્દ્ર વગેરેનાં પાત્રો દ્વારા બહુપરિમાણી પાત્રસૃષ્ટિ અહીં રચી શકાઈ છે. સોરઠી પ્રજાનાં સ્વાભિમાન, પ્રેમ, ટેક, શૌર્ય, વચનબદ્ધતા, સ્વાર્પણ, શૂરાતન પણ ઉપર્યુક્ત પાત્રોની કથા નિમિત્તે સુપેરે ઝિલાયાં છે. આ બધું વાંચતાં ભાવકને – પ્રસ્તાવનામાં લેખક કહે છે તેમ સોરઠી જીવનની જનકથાનો – અનુભવ થાય છે. જનસમાજ નાયક રૂપે ઊભરી આવે છે.
પિનાકીની બે બાળસખીઓ પુષ્પા અને દેવુબાની વિટંબણાઓ સરસ રીતે રજૂ થઈ છે. ખેતી કરતાં નિર્ભય શેઠનો મિજાજ કે પોતાને ખેતી કરનાર અદનો આદમી ગણાવી, સરકારની ખુશામત કરવાને બદલે ગાદી-માનપાન છોડવાનું પસંદ કરતા સુરેન્દ્રદેવ, સમારણના પાત્રની રહસ્યગર્ભ દુનિયા ઇત્યાદિનું આલેખન પણ ધ્યાનપાત્ર છે. ગાંધીજીના આગમનથી દેશમાં આવી રહેલી નવચેતનાની લહર પણ લેખક દર્શાવવા ચાહે છે; પણ સોરઠી પ્રદેશના લોકરંગો અને નદીનાળાં, ડુંગરકોતર, સીમવગડા, ઝાડીઝાંખર, શહેરબજાર તથા વીત્યા સમયનાં સાક્ષી ખંડેરોનું નિરૂપણ કથાની આકર્ષકતામાં ખાસ્સો ઉમેરો કરે છે. સોરઠી બોલીના આરોહ-અવરોહ, લયમરોડ, કહેવતો, રૂઢિપ્રયોગો પણ શિષ્ટ ભાષા સાથે પ્રયોજાતાં વાતાવરણ સાચુકલું લાગે છે. પન્નાલાલ પટેલ વગેરે જાનપદી નવલકથા લઈ આવે એ પહેલાંનો તુરતનો આ સમય છે. એ રીતે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ એ બધી આવનારી કથાઓની જાણે કે અગ્રદૂત બની રહે છે.
મણિલાલ હ. પટેલ